Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : શાહપુરના સલીમ શેખે રથયાત્રા દરમિયાન ૫ કલાક સુધી પત્નીની લાશ ઘરે રાખી

અમદાવાદના પોલીસ અધિકારીઓએ સલીમ શેખનું સન્માન કર્યું

અમદાવાદ,તા.૨૪
ભગવાન જગન્નાથની ૧૪૬મી રથયાત્રાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથની આ રથયાત્રામાં હજારો લોકો જાેડાયા હતા. આ દરમ્યાન ભાઈચારાનું ઉદાહરણ આપતી ઘટના બની હતી. રથયાત્રા દરમ્યાન અમદાવાદમાં રહેતા સલીમ અબ્દુલ શેખની પત્નીએ માંદગીના કારણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ દરમ્યાન સલીમ શેખનું ઘર શાહપુર વિસ્તારમાં છે અને તેમના મૃત્યુના દિવસે રથયાત્રા ઘરની બહારથી પસાર થવાની હતી.

આ દ્દરમ્યાન પત્નીનું હોસ્પિટલમાં મૃત્યુ થયા બાદ પત્નીના મૃતદેહને હોસ્પિટલથી ઘરે અને ઘરેથી કબ્રસ્તાન સુધી લઈ જવાનો હતો. જેથી તે પોતાની મુશ્કેલીઓ સાથે અમદાવાદ પોલીસ પાસે આવ્યો હતો અને પોલીસને રજૂઆત કરતાની સાથે જ રથયાત્રાના બંદોબસ્ત વચ્ચે પણ પોલીસે તુરંત જ મૃતદેહને ઘરે પહોંચાડવાનો રસ્તો બનાવ્યો હતો. હવે આ મહિલાના મૃતદેહને શાહપુર ખાતે પહોંચાડયા બાદ પોલીસે સલીમ શેખને પૂછ્યું કે, તેઓ દફન વિધિ ક્યારે કરવાના છે? પોલીસ દ્વારા આ સવાલ કરતાં સલીમ શેખે કહ્યું, સાહેબ, આજે રથયાત્રાનો તહેવાર છે, રથયાત્રા ઘરની સામેથી પસાર થશે, ત્યાર બાદ જ તેને દફનાવવા લઈ જશું.

મહત્વનુ છે કે, આ દિવસે રથયાત્રાને પસાર થવામાં પાંચ કલાકનો સમય લાગ્યો ત્યાં સુધી સલીમ શેખે પોતાની પત્નીના મૃતદેહને ઘરમાં જ રાખીને ભાઈચારાનો દાખલો બેસાડ્યો હતો. આ ભાઇચારાની ભાવનાને લઈ અમદાવાદ પોલીસ અધિકારીઓએ સલીમ શેખનું સન્માન કર્યું હતું. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ફરી હતી. શાંતિમય માહોલમાં આ રથયાત્રા સંપન્ન થઈ હતી. જેમાં ગુજરાત પોલીસ, શહેરીજનો અને તમામ સંપ્રદાયના લોકોનો અમુલ્ય ફાળો રહ્યો હતો.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *