Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદમાં અસામાજિક તત્વો ફરી થયા સક્રિય, બે યુવકો પર જીવલેણ હુમલો કરી નાક કાપી નાખ્યું

પ્રયાગ અને દેવ રાણીપમાં મિત્રનો જન્મ દિવસ ઉઝવી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન દુર્ગા વિદ્યાલય પાસે રસ્તામાં છ અસામાજિક તત્વો બાઈક પર સવાર લૂંટના ઈરાદે કારને રોકીને બંને યુવકોને ઉતારી ઢોર માર માર્યો હતો.

અમદાવાદ,તા. ૫
શહેરમાં અસામાજિક તત્વો ફરી સક્રિય થયા હોય અને શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હોય તેવો એક કિસ્સો બન્યો છે. અમદાવાદ શહેરના સોલા અને બોપલ વિસ્તારમાં રહેતા બે યુવકો કાર લઈને ચાંદલોડિયા દુર્ગા વિદ્યાલય પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કેટલાંક માથાભારે તત્વોએ લૂંટના ઈરાદે કારને રોકીને બંને યુવકોને માર મારી છરીથી નાક વાઢી નાખ્યું હતું. યુવક ઈજાગસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી સોલા પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અમદાવાદ શહેરમાં સોલામાં આવેલા ફોરમ બંગ્લોઝમાં રહેતા ૨૧ વર્ષીય પ્રયાગ પટેલ અને મિત્ર દેવ રાઠોડ રાત્રિએ રાણીપમાં મિત્રનો જન્મ દિવસ ઉઝવી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન દુર્ગા વિદ્યાલય પાસે રસ્તામાં છ યુવકો બાઈક પર સવાર બે યુવકોને હેરાન કરી રહ્યા હતા. આ સમયે કારને જોતાં જ યુવકો કારમાં સવાર પ્રયાગ અને દેવને ઉતારી ઢોર માર માર્યો હતો. જેમાં એક વ્યક્તિએ પ્રયાગને છરીથી માર મારવાનો પ્રયાસ કર્યો હતો. બંને યુવકોને ગંભીર ઈજા થતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. હુમલાખોરો બાદમાં ફરાર થઈ ગયા હતા.

પ્રયાગને લોહી નીકળતાં હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સોલા પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(જી.એન.એસ)