Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

સુરત : માત્ર ૪૦૦ રૂપિયાની લેતી દેતી મામલે મિત્રએ જ મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો

પોલીસના જણાવ્યા અનુસાર હત્યારો અને મૃતક બંને હમવતનીઓ છે.

સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપી રામકિશોર પ્રધાનને ઝડપી પાડી જેલ હવાલે કરી દીધો હતો.

સુરત,તા.૨૯
સુરત નાનપુરા વિસ્તારમાં માત્ર ૪૦૦ રૂપિયાની લેતી દેતીમાં મિત્રએ જ મિત્રને ગડદાપાટુનો માર મારી મોતને ઘાટ ઉતારી દેતા પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા મિત્રને ઝડપી પાડી જેલ હવાલે કરી દીધો છે.

પોલીસના જણાવ્યા અનુસાર હત્યારો અને મૃતક બંને હમવતનીઓ છે. જ્યાં હત્યારાએ મૃતકને ૪૦૦ રૂપિયા હાથ-ઉછીના આપ્યા હતા. જે રૂપિયા પરત ન કરતા બંને વચ્ચે માથાકૂટ અને તકરાર થઈ હતી. જે તકરાર અને માથાકૂટ હત્યામાં પરિણમી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ હત્યારા મિત્રને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં મારામારી, લૂંટ, હત્યા જેવી ઘટનાઓ જાણે દિવસેને દિવસે સામાન્ય બનતી જઈ રહી છે. જ્યાં હત્યાની વધુ એક ઘટના સુરતના નાનપુરા વિસ્તારમાં બનવા પામી છે. જેમાં હત્યા કોઈ અન્ય વ્યક્તિ દ્વારા નહીં પરંતુ મૃતકના જ મિત્ર દ્વારા કરવામાં આવી છે. અઠવા પોલીસ મથક પાસેથી મળતી જાણકારી અનુસાર, સુરતના નાનપુરા ખાતે આવેલ મક્કાઇપુલ સ્થિત ફૂટપાથ પર ભુરિયો ઉર્ફે બહારપુરીયા અને તેનો મિત્ર સંબંધમાં હમવતનીઓ થાય છે. રામકિશોર પ્રધાન દ્વારા પોતાના મિત્ર ભુરીયાને ૪૦૦ રૂપિયા હાથ-ઉછીના આપ્યા હતા. જે રૂપિયા પરત કરી દેવાનો વાયદો ભુરીયાએ કર્યો હતો. પરંતુ મુદત પૂરી થઈ હોવા છતાં ભૂરીયાએ આ રૂપિયા પરત કર્યા નહોતા. જેના કારણે બંને વચ્ચે અવારનવાર બોલાચાલી અને માથાકૂટ થતી હતી. જ્યાં બે દિવસ પહેલા ફરી બંને મિત્રો વચ્ચે રૂપિયા ૪૦૦ની લેતીદેતી મામલે ફરી બોલાચાલી થઈ હતી. જે બોલાચાલી અને મારામારી હત્યામાં પરિણમી હતી.

રામ કિશોર પ્રધાન દ્વારા પોતાના જ મિત્રને લાતો અને છુટ્ટા હાથ વડે ગદડાપાટુનો માર મારી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો. હત્યાની આ ઘટના બાદ પોલીસે મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. અઠવા પોલીસ દ્વારા આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ મેળવવા માટેના ચક્રો ગતિમાન કરાયા હતા. જ્યાં પોલીસને જાણવા મળ્યું હતું કે, મિત્ર રામકિશોર પ્રધાન દ્વારા જ પોતાના મિત્ર ભુરીયાની હત્યા કરવામાં આવી છે. જે સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપી રામકિશોર પ્રધાનને ઝડપી પાડી જેલ હવાલે કરી દીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે, મૃતક અને આરોપી મૂળ ઓરિસ્સાના વતની છે. બંને હમવતની વચ્ચે રૂપિયાની લેતી-દેતી માટે થયેલી સામાન્ય તકરાર અને બોલાચાલીમાં આ હત્યા કરવામાં આવી હતી. હાલ તો આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી અઠવા પોલીસે હાથ ધરી છે.

 

(જી.એન.એસ)