Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

મધ્ય ગાઝામાં ખુશીનું વાતાવરણ, હમાસ યુદ્ધવિરામની તમામ શરતો સ્વીકારવા તૈયાર

એક અહેવાલ અનુસાર, અલ અક્સા હોસ્પિટલની બહાર લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે. બાળકો આનંદથી કૂદી રહ્યા છે.

ઈઝરાયેલ,તા.૦૬

ઈઝરાયેલના ઝડપી હુમલાઓથી ઘેરાયેલા હમાસે યુદ્ધવિરામની તમામ શરતો સ્વીકારવાની જાહેરાત કરી છે. હવે ઇઝરાયેલે આ અંગે નિર્ણય લેવાનો છે. હમાસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેણે કતાર અને ઇજિપ્તને પણ આ નિર્ણય વિશે જાણ કરી છે, જેઓ હમાસ અને ઇઝરાયેલ વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યા હતા. જો કે, તેની સ્થિતિ શું હશે અને પેલેસ્ટાઈન અને ઈઝરાયેલના બંધકોનું શું થશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

હમાસે તેની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરેલા નિવેદનમાં યુદ્ધવિરામની તમામ શરતોને સ્વીકારવાની પુષ્ટિ કરી છે. હમાસના નેતા ઈસ્માઈલ હનીયેહનું કહેવું છે કે, કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ અબ્દુલરહમાન અલ થાની અને ઈજીપ્તના મંત્રી અબ્બાસ કામેલ સાથે ટેલિફોન પર વાતચીતમાં આ માહિતી આપવામાં આવી છે. હવે ઇઝરાયેલે આ અંગે નિર્ણય લેવાનો છે.

હમાસે યુદ્ધવિરામની તમામ શરતો સ્વીકારી લીધી હોવાની જાહેરાત કર્યા બાદ મધ્ય ગાઝામાં ખુશીનો માહોલ છે. એક અહેવાલ અનુસાર, અલ અક્સા હોસ્પિટલની બહાર લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે. બાળકો આનંદથી કૂદી રહ્યા છે. લોકો નાચી રહ્યા છે. જો કે, તેઓ હજુ સુધી જાણતા નથી કે, આ યુદ્ધવિરામ તેમના માટે કેટલો લાભદાયી છે, તેમ છતાં યુદ્ધવિરામની જાહેરાત ગઝાના લોકોને રાહત તરીકે આવી છે.

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે વધતા તણાવને કારણે ગાઝા સુધી મદદ પહોંચી રહી ન હતી. વાસ્તવમાં, સોમવારે ઇઝરાયેલે ગાઝા પહોંચવા માટે મદદ માટેના માર્ગ કેરેમ શાલોમને બંધ કરી દીધો હતો. ઈઝરાયેલની દલીલ એવી હતી કે, હમાસે એક દિવસ પહેલા જ અહીં રોકેટ છોડ્‌યા હતા, જેમાં ૪ ઈઝરાયેલી સૈનિકો શહીદ થયા હતા. આ કારણોસર આ માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. જો કે, જ્યારે સહાય ગાઝા સુધી પહોંચી શકી ન હતી, ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને નેતન્યાહુ સાથે વાત કરી અને ખાતરી આપી કે, ઇઝરાયેલ ટૂંક સમયમાં આ માર્ગ ખોલશે. બિડેને કહ્યું હતું કે, નેતન્યાહૂ માનવતાવાદી સહાય માટે આ માર્ગ ખોલવા માટે સંમત છે.

 

(જી.એન.એસ)