Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : રિવરફ્રન્ટ પર વાઈબ્રન્ટ એન્ટરટેઈનમેન્ટ હબ બનાવવામાં આવશે

ઈમેજિકા વર્લ્ડ એન્ટરટેઈનમેન્ટ ૧૩૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે

અમદાવાદ,
હરવા ફરવાના શોખીન અમદાવાદીઓ અને ગુજરાતીઓ માટે શહેરમાં જ એક નવું નજરાણું આવી રહ્યું છે. આ એવું નજરાણું છે કે, તમે અમદાવાદમાં જ લંડન અને મુંબઈ જેવી મજા કરી શકશો.

શહેરની શોભા વધારતા સાબરમતી રિવરફ્રન્ટ પર આ નઝરાણું બનવાનું છે. જે તૈયાર થયા બાદ શહેરની શોભામાં ચાર ચાંદ લાગી જશે. જે ગુજરાતીઓ મોજ મસ્તી અને આનંદ કરવા અમદાવાદ છોડીને બહાર જાય છે તેમને બહાર જવાની હવે જરૂર નહીં પડે. અમદાવાદનો રિવરફ્રન્ટ પર અનેક નજરાણાને કારણે ફરવા માટેનું હોટસ્પોટ બની ગયો છે.

હાલ શહેરમાં સાબમરતી નદીના કાંઠે રિવરક્રૂઝ, વોટર એક્ટિવિટી, ફ્લાવર પાર્ક, અટલ બ્રિજ સહિતના અવનવા આકર્ષણો છે. જેમાં વધુ એક આકર્ષણનો ઉમેરો થશે. અટલ બ્રિજના છેડે ૪૬ હજાર સ્કવેર મીટર વિસ્તારમાં રિવરફ્રન્ટ પર વાઈબ્રન્ટ એન્ટરટેઈનમેન્ટ હબ બનાવવામાં આવશે. આ માટે ઈમેજિકા વર્લ્ડ એન્ટરટેઈનમેન્ટ ૧૩૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ એન્ટરટેઈનમેન્ટ હબમાં સ્નો પાર્ક, ફૂડ પ્લાઝા, એમ્ફિ થિયેટર, લંડન આઈ સહિતનાં અનેક આકર્ષણો હશે. જે તૈયાર થયા બાદ અમદાવાદ વિશ્વ ફલક પર ચમકી ઉઠશે.

અમેરિકાની ડેવ એન્ડ બસ્ટર, મેક્સિકોની કિડ્‌‌ઝાનિયા અને ફિનલેન્ડની સુપરપાર્ક જેવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડને સાથે મળી ઈમેજિકા આ એન્ટરટેઈનમેન્ટ હબ તૈયાર કરશે. જેના કારણે વિશ્વની અનેક ટેક્નોલોજીનું અમદાવાદમાં આગમન થશે. અમદાવાદનું આ અનોખું નજરાણું દોઢથી બે વર્ષમાં પૂર્ણ થાય તેવું અનુમાન છે. શહેરને એન્ટરટેઈનમેન્ટ હબ બનાવવા માટે ૩૦ વર્ષ માટે જમીન લીઝ પર આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ઈમેજિકાના આગમનથી રિવરફ્રન્ટ પર બાળકો, યુવાનો અને વૃદ્ધો સહિત તમામ લોકો માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની મનોરંજન સુવિધા આવશે.

એન્ટરટેઈનમેન્ટ હબમાં ઈન્ડોર અને આઉટડોર રાઈડ્‌‌સ અને આકર્ષણો હશે. એન્ટરટેઈનમેન્ટ હબમાં લંડન આઈની જેમ ફેરી વ્હીલ પણ હશે જેની ટોચથી આખા શહેરને જાેઈ શકાશે. તો રિવરફ્રન્ટ પર અટલ બ્રિજની પાસે કેવડિયાયું જેવું નેચર પાર્ક તેમજ દુબઈના મ્યુઝિકલ ફાઉન્ટેશન જેવો જ ફુવારો પણ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ઈમેજિકા કંપનીએ કોર્પોરેશનને ૪૭ લાખ જેટલું ભાડુ ચુકવવું પડશે. આ ભાડામાં દર ત્રણ વર્ષે ૧૦-૧૦ ટકાનો વધારો કરવામાં આવશે. સાથે જ ઈમેજિકા વર્લ્ડને કુલ આવકનો ૧૨.૨૫ ટકા હિસ્સો રિવરફ્રન્ટ કંપની સાથે શેર કરવાનો રહેશે.

અમદાવાદમાં દિવસેને દિવસે પર્યટનના સ્થળોનો વિકાસ થઈ રહ્યો છે. એક બાદ એક નવા નવા આકર્ષણો અમદાવાદમાં આવી રહ્યા છે. આજે શહેરનો રિવરફ્રન્ટ અમદાવાદ કે, ગુજરાત પુરતો જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જાે ઈમેજિકા કંપનીએ ભરેલું ટેન્ડર કોર્પોરેશને મંજૂર કર્યું તો અમદાવાદ વિશ્વ ફલક પર ચમકી જશે અને ગુજરાતીઓ વિદેશમાં હોય તેવી મનોરંજનની સુવિધાઓનો આનંદ અમદાવાદમાં જ માણી શકશે.

 

(જી.એન.એસ)