Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

ઈઝરાયેલની સેનાએ માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન કર્યું છે : અમેરિકા

યાતનાઓ, નરસંહાર અને બળાત્કારના આરોપીઓને ફક્ત ઠપકો આપી બે વર્ષ માટે સેવાનિવૃત્ત કર્યા

વોશિંગ્ટન,તા.૩૦
માનવ ઇતિહાસમાં યાતનાઓ, નરસંહાર અને બળાત્કાર જેવા ઘૃણાસ્પદ ગુનાઓ માટે ઠપકો આપવાની હાસ્યાસ્પદ સજા સમગ્ર માનવજાતનું અપમાન તરીકે જોઈ શકાય તેમ છે. હથિયારોના વેપારમાં અંધ એવા મૂડીવાદી સમૂહો જનપ્રતિનિધઓ પાછળ સંતાઈને સરકારના નામે ઓળખાતા થઇ જતા અમૂલ્ય માનવજીવન કોડીનું પણ નથી રહ્યું. આ પ્રકારના વિચારો આવા મૂડીવાદી સમુહોના ચહેરા સમાન સરકારો તરફથી વ્યક્ત કરવામાં આવી રહ્યા છે.

અમરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે ગાઝા હમાસના સંઘર્ષ પહેલા કેટલીક ઘટનાઓમાં માનવાધિકારોના ગંભીર ઉલ્લંઘન માટે ઇઝરાયેલી સૈન્યના પાંચ એકમોને જવાબદાર ગણ્યા છે. પરંતુ બીજી તરફ તેઓ કહે છે કે, તેઓ ઈઝરાઈલને સૈન્ય સમર્થન આપતા રહેશે કારણ કે, ઇઝરાયેલે ચાર એકમોમાં સુધારાત્મક પગલાં લીધા છે અને પાંચમા પર “વધારાની માહિતી” આપી રહ્યું છે.

આમ માનવ અધિકારોના ઉલ્લંઘન કર્યા પછી પણ ઈઝરાઈલના તમામ લશ્કરી એકમો દર વર્ષે ૩.૮ બિલિયન ડોલરની અમેરિકન સહાય અને હથિયારો મેળવતા રહેશે. લશ્કરી સહાય ચાલુ રાખવા પાછળનું કારણ જાહેર કરતા જાણવા મળ્યું છે કે, રાજકીય દબાણ હેઠળ પીછેહઠ કરી હોવાનો દાવો કોઈ કરી શકે નહિ.

માનવ અધિકારોનું હનન અલબત્ત અમાનવીય તમામ ઘટનાઓ વેસ્ટ બેન્ક જેરુસલેમમાં બની હોવાનું બહાર આવ્યું છે. વર્ષ ૨૦૨૨માં ઈઝરાઈલના સૈનિકો દ્વારા વેસ્ટ બેન્કના ગામમાં તપાસ દરમિયાન ૮૦ વર્ષીય પેલેસ્ટિનિયન-અમેરિકન અસદને બાંધીને હત્યા કરવામાં આવી હતી. એ સિવાય પણ ગામમાં અન્ય અમાનવીય અત્યાચારોંના કિસ્સાઓ સામે આવ્યા હતા ત્યારબાદ આંતરરાષ્ટ્રીય દબાણને લીધે ઈઝરાઈલ સરકારે ખુલાસા આપવા પડ્‌યા હતા જેમાં તેમની પાંચ લશ્કરી ટુકડીઓ દોષિત જણાઈ હતી. ઇઝરાઇલ ડિફેન્સ ફોસિર્સ (IDF) કહ્યું કે, તેઓ ઓમર અસદના મૃત્યુ માટે ખેદ વ્યક્ત કરે છે અને એક કમાન્ડરને “ઠપકો” આપવામાં આવશે તથા બે સૈનિકોને બે વર્ષ માટે વરિષ્ઠ હોદ્દા પરથી બરતરફ કરવામાં આવશે. પરંતુ તેમની સામે અન્ય કાર્યવાહી કરવામાં આવશે નહીં. આમ કુલડીમાં ગોળ ભાંગવાની કહેવત ઈઝરાઈલમાં પણ જૂની હશે તેમ જણાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૯૯૭માં તત્કાલીન સેનેટર પેટ્રિક લેહી દ્વારા પ્રાયોજિત અમેરિકાના “લેહી લો” હેઠળ વિદેશી લશ્કરી એકમ દ્વારા માનવ અધિકારોનું ઘોર ઉલ્લંઘન કરવામાં આવતું હોવાનું જાણવા મળે તો તે દેશને અમેરિકી સૈન્ય સહાય મેળવવાથી વંચિત કરી શકાય છે. અમરિકી સરકાર કહે છે કે, તે લેહી કાયદાનો અમલ કરતી વખતે યાતનાઓ, નરસંહાર, માનવ તસ્કરી અને બળાત્કાર જેવા અપરાધોને ધ્યાનમાં લઈને નિર્ણય  કરવામાં આવે છે.

ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ દેશના સૈન્ય પર કોઈપણ પ્રતિબંધોને નકારી કાઢવાની વાત કરી અમેરિકી અધિકારીઓ સાથે વાત કરી છે. આ આખી વાતનો સાર એ જ છે કે, સ્થાનિક પોલીસ સ્ટેશન હોય કે, આંતરરાષ્ટ્રીય ગુનાઓ જો મજબૂત મૂડીવાદી સમૂહો તમારી સાથે છે તો કોઈ પણ ગુનો આચર્યા પછી સરળતાથી કાર્યવાહી અશક્ય છે.