Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

રાજપીપળામાં ઈદે મિલાદની ઝુલુસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી

સાજીદ સૈયદ, નર્મદા

નર્મદા જિલ્લાના રાજપીપળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરુવારના રોજ સવારે મુસ્લિમ સમાજ દ્વારા “ઈદ-એ-મિલાદુન્નનબી”ના પર્વની ઉજવણી કરી ઝુલુસ કાઢવામાં આવ્યો હતો. રાજપીપળામાં ગુરુવારે સવારે 09:00થી 12ના સમય દરમિયાન રાજપીપળા જુમ્મા મસ્જિદથી પરંપરાગત રૂટ પરથી શાંતિપૂર્ણ માહોલમાં ભવ્ય જુલુસ નીકળ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટ્યા હતા, અને “ઈદ-એ-મિલાદુન્નનબી” પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી.

તારીખ 28 સપ્ટેમ્બર ગુરૂવારના રોજ સમગ્ર વિશ્વ સહિત રાજપીપળામાં ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મહંમદ સાહેબનો જન્મદિવસ એટલે જશ્ને “ઈદ-એ-મિલાદુન્નનબી” પર્વની સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વ નિમિત્તે રાજપીપળામાં મુસ્લિમ બિરાદારોએ વહેલી સવારે મળસ્કે ફજરની નમાઝ અદા કરી સલાતો સલામ પઢવામાં આવી હતી. ત્યારબાદ જુમ્મા મસ્જિદથી દબદબા ભેર વાજતે-ગાજતે વિશાળ જુલુસ નીકળ્યું હતું. આ જુલુસમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. ઝુલુસમા મુસ્લિમ બિરાદરોના હાથમાં ઈસ્લામિક ઝંડાઓ સાથે સાથે ત્રિરંગો પણ લહેરાતો જોવા મળ્યો હતો. “સરકાર કી આમદ મરહબા”ના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યો હતો. મુસ્લિમ ભાઈઓ દ્વારા ઠેર-ઠેર ન્યાઝ (પ્રસાદી) તરીકે આઈસ્ક્રીમ, ચોકલેટ, જેવી અનેક વસ્તુઓ વહેંચવામાં આવી હતી. જુમ્મા મસ્જિદથી સવારે 9:30 કલાકે નીકળેલો આ ઝુલુસ રાજપીપળા નગરના મુખ્ય માર્ગો પર ફર્યું હતું, અને કસ્બાવાડ ખાતે 12 વાગ્યા સુધીમાં સંપન્ન થયું હતું. જ્યાં સલાતો સલામ સાથે બાલ મુબારકના દીદાર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ પરંપરાગત રીતે ખિચડા (હલીમ)ની નીયાઝ ખવડાવવામાં આવી હતી જેનો બહોળા પ્રમાણમાં લોકોએ લ્હાવો લીધો હતો.

ઈદ-એ-મિલાદુન્નનબી”એ ઇસ્લામમાં ઉજવવામાં આવતા તહેવારોમાં એક પ્રમુખ તહેવાર છે મિલાદ શબ્દને અરબીમાં જન્મ કહેવાય છે આવી જ રીતે મિલાદ-ઉન-નબીનો મતલબ થાય છે પયગંબર હજરત મોહમ્મદ સાહેબનો જન્મદિવસ. આ તહેવાર ઈસ્લામી મહિનાના રબીઉલ અવ્વલ મહિનાની 12મી તારીખે મનાવવામાં આવે છે. ઇસ્લામ ધર્મને માનવા વાળાઓ “ઈદ-એ-મિલાદુન્નનબી”ને સૌથી મોટો તહેવાર માને છે અને આ દિવસ મુસ્લિમ સમાજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજના દિવસે ગરીબોને ખવડાવવું દાન કરવું તેમજ સામાજિક ઉત્થાન કાર્યો લોકો કરતાં હોય છે.


LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *