Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરીને આવેદનપત્ર સુપૂર્ત કરાયું

આજરોજ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ રજૂઆત કરી અને આવેદનપત્ર સુપૂર્ત કર્યું હતું

ભડકાઉ ભાષણો તથા સોશ્‍યલ મીડીયા થકી શાંતિ અને સદ્‌ભાવનાનું વાતાવરણ
ડહોળનાર તત્ત્વો સામે સરકાર સીધી ફરિયાદ દાખલ કરે.

પોલીસ દ્વારા થતી નિષ્‍પક્ષ અને તટસ્‍થ કાર્યવાહીમાં થતો રાજકીય હસ્‍તક્ષેપ અટકાવો.

ગુજરાતની શાંતિ-સલામતીને છિન્‍ન-ભિન્‍ન કરનારા ષડયંત્રકારીઓની ધર્મ-જાતિના ભેદભાવ વગર ધરપકડ કરો

ગાંધીનગર,તા.૧૨

રાજ્‍યમાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જાળવી શાંતિ-સદ્‌ભાવનાનું વાતાવરણ જળવાઈ રહે તેવી કાર્યવાહી કરાવવા બાબત આજરોજ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ધારાસભ્ય ઈમરાન ખેડા વાલા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ રજૂઆત કરી અને આવેદનપત્ર સુપૂર્ત કર્યું હતું. અને જણાવ્યું હતું કે, રાજ્‍યમાં રામનવમીના દિવસે શોભાયાત્રા દરમ્‍યાન હિંમતનગર અને ખંભાત ખાતે પથ્‍થરમારો અને આગચંપીની ઘટનાઓ બનેલ. હિંમતનગર ખાતે ચારથી વધુ ધાર્મિક સ્‍થળો સહિત કરોડો રૂપિયાની માલ-મિલ્‍કત સળગાવી દેવામાં આવેલ અને હિંમતનગરમાં પરિસ્‍થિતિ વધુ વણસી હતી. ખંભાતના પથ્‍થરમારાની ઘટના બાદ ટોળા દ્વારા ખંભાત શહેરમાં દુકાનો, મકાનો અને લારીઓ સળગાવવામાં આવેલ અને તોડફોડ કરવામાં આવેલ. ખંભાતમાં બનેલ કમનસીબ ઘટનામાં એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્‍યો છે ત્‍યારે આ સમગ્ર ઘટનાઓને અમે સખત શબ્‍દોમાં વખોડી કાઢીએ છીએ.

રામનવમીની શોભાયાત્રા દરમ્‍યાન બે ધર્મના લોકો વચ્‍ચે અશાંતિ ફેલાવવા અને શાંતિ-સદ્‌ભાવનાનું વાતાવરણ ડહોળાવાની શક્‍યતા આણંદના એક સામાજીક આગેવાન દ્વારા વ્‍યક્‍ત કરવામાં આવેલ અને સોશ્‍યલ મીડીયા દ્વારા પણ આશંકા દર્શાવવામાં આવેલ. આવી ભીતિ અંગે સેન્‍ટ્રલ આઈ.બી.ના અધિકારી અને પોલીસ અધિક્ષકશ્રી, આણંદને ટેલિફોનિક રજૂઆત કરેલ અને કટ્ટરવાદી તત્ત્વો કાંકરીચાળો કરી અશાંતિ ફેલાવે નહીં તે માટે પગલાં ભરવા માંગણી ક૨વા છતાં તંત્રની આંખ આડા કાન કરવાની નીતિના કારણે ખંભાતમાં કટ્ટરવાદી તત્ત્વો ઘટનાને અંજામ આપવામાં સફળ રહ્‌યા હતા.

રાજ્‍યમાં અશાંતિનું વાતાવરણ ઉભું કરવાના ષડયંત્રના ભાગરૂપે રાજકીય લોકો અને રાજકારણ સાથે સંકળાયેલ સંસ્‍થાઓ બેખોફ રીતે ભડકાઉ ભાષણો આપી રહ્‌યા છે. રેલીઓમાં લોકોની ધાર્મિક લાગણી દુભાવતા ગીતો વગાડવામાં આવે છે અને નારાઓ લગાવવામાં આવે છે, જેના કારણે કોમવાદી ઘટનાઓને અંજામ મળે છે. તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા હોવાથી તોફાની તત્ત્વોને સરકારનું સીધું પીઠબળ છે અને આવી ઘટનાઓ રાજકીય કારણોસર સરકારની શેહ પર થઈ રહી છે તેવી પ્રતીતિ પ્રજાને થાય છે.

રાજ્‍યમાં શાંતિ અને સદ્‌ભાવનાનું વાતાવરણ ડહોળવા માટે બનતી ઘટનાઓ સમયે રાજકીય લોકો નિર્લજ્જપણે પોલીસ દ્વારા થતી નિષ્‍પક્ષ કાર્યવાહીમાં હસ્‍તક્ષેપ કરે છે ત્‍યારે સરકાર દ્વારા રાજકીય હસ્‍તક્ષેપ અટકાવી, પોલીસને ધર્મ-જાતિથી પર રહી નિષ્‍પક્ષ અને તટસ્‍થ કાર્યવાહી કરવા દેવી જોઈએ. રાજ્‍યમાં આવી ઘટનાઓ બનતી અટકાવવા માટે તોફાની તત્ત્વોને પ્રોત્‍સાહિત કરવાના બદલે સરકારે સાચા ગુનેગારોને વીણીવીણીને પકડવા જોઈએ અને તેમની સામે ફરિયાદ નોંધી કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. પ્રજા અને મીડીયાને સરકાર અને પોલીસ કામગીરી કરી રહી છે તેવી પ્રતીતિ કરાવવા માટે નિર્દોષ નાગરિકોની થતી ધરપકડ બંધ કરવી જોઈએ. સર્વે સમાજના ધાર્મિક કાર્યક્રમો, રેલીઓ વગેરેનું ચોક્કસ વિડીયો રેકોર્ડીંગ થવું જોઈએ અને આઈ.બી. દ્વારા આવા કાર્યક્રમોમાં વોચ રાખવી જોઈએ. પોલીસ દ્વારા ધર્મ અને જાતિના ભેદભાવ વગર ષડયંત્રકારીઓની ધરપકડ થાય, સાચા ગુનેગારો સામે કડક પગલાં લેવાય અને ઘટનાસ્‍થળે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવી નિષ્‍પક્ષ કાર્યવાહી થાય તે માટે આપશ્રીની કક્ષાએથી સંબંધિતને જરૂરી સૂચના સત્‍વરે આપવા અમારી લાગણી સહ માંગણી છે.

હિંમતનગર અને ખંભાત શહેરોમાં માલ-મિલ્‍કત સળગાવવાની ઘટનામાં પોલીસ દ્વારા થયેલ FIRમાં આવી ઘટનાઓનો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલ નથી કે નુકસાન પામનાર લોકોની ફરિયાદ પણ નોંધવામાં આવી નથી ત્‍યારે આ તમામ ઘટનાઓ અંગે ઘટનાવાર FIR નોંધવી જોઈએ તેવી પણ અમે માંગણી કરીએ છીએ.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *