Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

વિવાદ : રાજપીપળા એસટી ડેપોના અણધડ વહીવટથી વિદ્યાર્થીઓમાં ફેલાયો રોષ, વિફરેલા વિદ્યાર્થીઓએ અડધો કલાક સુધી ડેપોમાંની બસો રોકી રાખી

રાજપીપળાથી પોઇચા સુધીના ગામડામાંથી અભ્યાસ અર્થે આવતા ૧૨૦ જેવા વિદ્યાર્થીઓને બસની સુવિધા નહિ મળતા ડેપોમાં આંદોલનની ચીમકી

સાજીદ સૈયદ, નર્મદા

નર્મદા જિલ્લાનાં વડા મથક રાજપીપળાના એસટી ડેપોનો વહીવટ ખાડે ગયો છે જેની અનેક ફરિયાદો ઉઠયા બાદ આજે ફરી પોઇચા તરફથી આવતી એસટી બસ સમયસર ન આવતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ અડધો કલાક સુધી ડેપોમાંની તમામ બસો સાંકળ બનાવી રોકી દીધી હતી. અંતે ડેપો તંત્રે ખાતરી આપતા વિરોધ સમેટાયો હતો.
રાજપીપળાથી પોઇચા ગામ વચ્ચેનાં ગામડામાંથી અભ્યાસ કરવા રાજપીપળાની શાળા કોલેજમાં આવતા ૧૨૦ કરતા વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સમયસર બસો નહિ મળતાં રોષે ભરાયા બાદ ડેપોમાં હલ્લાબોલ કરી વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, આ રૂટ ઉપર બસ ચાલુ કરવા ડેપો મેનજરને થોડાક સમય પહેલા આવેદનપત્ર પણ આપ્યું હતું, પરંતુ હજુ સુધી અમારા રૂટની બસો ચાલુ કરી નથી જેથી શાળા કોલેજમાં સમયસર ન  પહોંચતા અપડાઉન કરતાં 120 જેટલા વિદ્યાર્થીઓના ભણતર ઉપર અસર પડી રહી છે.

વિદ્યાર્થીઓની મૌખિક અને લેખિત એસટી ડેપોને રજૂઆત બાદ પણ તેમના રૂટની બસો ચાલુ ન કરતા વિદ્યાર્થીઓ રોષે ભરાયાં હતાં અને રાજપીપળા એસટી ડેપોને બાનમાં લઇ હલ્લાબોલ કર્યું હતું. જો કે, બાદમાં રાજપીપળા એસટી ડેપો તંત્ર દ્વારા આ રૂટ પર બસો ચાલુ કરવાની ખાત્રી આપતા વિદ્યાર્થીઓ ઠંડા પડ્યા હતા, સાથે સાથે આગામી દિવસોમાં જો અમારા રૂટની બસો ચાલુ નહિ કરી તો, આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *