Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ગરમીના દિવસો એટલે કે, ‘લુ’ દરમિયાન કૃષિ માટે કેટલાક તકેદારીના પગલાં લેવા ખેડૂતોને અનુરોધ

ઉનાળા દરમ્યાન મગફળી, કેળ, મગ, ડાંગર, શાકભાજી, બાજરી પકવતા ખેડૂતો માટે હિટવેવ અંગે કેટલીક કાળજી રાખવી ખૂબ જ જરૂરી

ગાંધીનગર, તા. ૨૫
રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના મગફળી, કેળ, મગ, ડાંગર, શાકભાજી, બાજરી પકવતા ખેડૂતો માટે હિટવેવ અંગેની કેટલીક કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. હીટવેવ અંગે ખેડૂતોએ ખેતી કાર્યો માટે રાખવાની થતી સાવચેતી સંદર્ભે જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત ગાંધીનગર દ્વારા કેટલાક સૂચનો જારી કરવામાં આવ્યા છે. જેનાથી ઉનાળુ પાકને ‘લુ’ના કારણે થતુ નુક્શાન અટકાવી શકાય છે.

તકેદારીના પગલાં

જેમાં ઉભા પાકને હળવું તેમજ વારંવાર પિયત આપવું, મગફળી, મગ, અડદ, બાજરી, જુવાર, તલ વગેરે પાકમાં વહેલી સવારે અને સાંજના સમયે પિયત આપવું. જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવા આચ્છાદન કરવું, પિયત માટે ફુવારા પદ્ધતિનો ઉપયોગ વધારે સારો, ઊંચા તાપમાનથી બચાવવા શાકભાજીના ખેતરમાં નીંદણ ન કરવું, બપોર દરમ્યાન ખેતીની પ્રવૃત્તિઓ બંધ રાખવી, શાકભાજી અને બાગાયતી પાકોની શણના કંતાનથી અથવા જુવાર, બાજરી જેવા પાકોની કડબની આડસ કરવી. વાવણી કરેલ પાકોમાં આંતરખેડ તથા નિંદામણ કરવું, આગામી દિવસોમાં દિવસના તાપમાનમાં સામાન્ય વધારો થવાની સંભાવના હોય તથા જમીનના પ્રત ધ્યાનમાં લઈ જરૂરિયાત મુજબ પીયત આપવું. રોગ જીવાતનો ઉપદ્રવ જણાય તો ખુલ્લા હવામાન દરમિયાન ભલામણ મુજબ પાક સંરક્ષણના પગલાં લેવા.
તાપમાનમાં વધારો થવાથી ભીંડામાં પાન કથીરીના નિયંત્રણ માટે ફેનાઝાક્વીન ૧૦ ઇસી ૧૦ મિલી અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસ.સી ૮ મિલી પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવીને હવામાન ચોખ્ખું હોય ત્યારે પાક પર છંટકાવ કરવો. તાપમાનમાં વધારો થવાથી રીંગણમાં પાન કથીરીના નિયંત્રણ માટે પ્રોપરગાઈટ ૫૭ ઈસી ૨૦ મિલી અથવા ફેનાઝાક્વીન ૧૦ ઈસી ૧૦ મિલી અથવા ઈટોક્ષા સોઝેલ ૧૦ એસ સી ૮મિલી અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસ સી ૮મિલી પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવીને પાક પર હવામાન ચોખ્ખું હોય ત્યારે છંટકાવ કરવો. ઉપરાંત કેળા, દાડમ ,લીંબુ, આંબાના બગીચામાં યોગ્ય ભેજ જાળવવા તથા તાપની અસર ન થાય તે માટે સાંજ સવારના સમયે ટૂંકા અંતરે હળવું પિયત આપવું તથા પાક આચ્છાદન કરવું વગેરે જેવા તકેદારીના પગલાં લેવા ખૂબ જ જરૂરી હોવાનું તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની અખબારી યાદિમાં જણાવાયું છે.

 

(જી.એન.એસ)