Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

ગાઝા : પ્લેનમાંથી પડતી રાહત સામગ્રી લોકો પર પડી, ૫ના મોત

ગાઝા પટ્ટી,

શુક્રવારે પ્લેનનું પેરાશૂટ સમયસર ખુલી શક્યું ન હતું. જેના કારણે રાહત સામગ્રી ધરાવતા પાર્સલ નાગરિકોના માથે પડ્યા હતા.

ઇઝરાયેલના પ્રતિબંધો વચ્ચે ગાઝાને માનવતાવાદી રાહત પૂરી પાડવાની સમસ્યાની તીવ્રતા ફરી એકવાર સામે આવી છે. હકીકતમાં, ઘણા દેશોને રાહત સામગ્રી પહોંચાડવા માટે વિમાનોનો સહારો લેવાની ફરજ પડી છે. આ ક્રમમાં શુક્રવારે પ્લેનનું પેરાશૂટ સમયસર ખુલી શક્યું ન હતું. જેના કારણે રાહત સામગ્રી ધરાવતા પાર્સલ નાગરિકોના માથે પડ્યા હતા. આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. ગાઝા સિટીમાં શતી શરણાર્થી શિબિર પાસે આ અકસ્માત ત્યારે થયો જ્યારે લોકો સહાય પેકેજની રાહ જાેઈને લાઈનમાં ઉભા હતા. ગાઝા સરકારની મીડિયા ઓફિસે આ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યાની પુષ્ટિ કરી છે.

ગાઝા સરકારની મીડિયા ઓફિસે એરડ્રોપને નકામું ગણાવ્યું છે અને કહ્યું છે કે, તેનો ઉપયોગ માનવતાવાદી સેવાને બદલે આકર્ષક પ્રચાર તરીકે કરવામાં આવી રહ્યો છે. સરહદો દ્વારા રાહત સામગ્રીના પરિવહનની પણ હિમાયત કરી હતી. ગયા અઠવાડિયે, ગાઝામાં એક સહાય કાફલા પાસે ઇઝરાયલી દળોએ ગોળીબાર કરતાં ૧૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા. ઇઝરાયેલની સેનાએ કહ્યું છે કે, ભાગદોડમાં મોટાભાગના લોકોના મોત થયા છે. પેલેસ્ટિનિયન અધિકારીઓ અને સાક્ષીઓ આનો ઇનકાર કરે છે. યુએન ઓફિસે ગયા મહિને અહેવાલ આપ્યો હતો કે, ગાઝામાં ઓછામાં ઓછા અડધા મિલિયન લોકો અથવા ચારમાંથી એકને દુષ્કાળનો ભય છે.

UNRWA, ગાઝામાં યુએનની મુખ્ય એજન્સી દાવો કરે છે કે, ૨૩ જાન્યુઆરીથી, ઇઝરાયેલી સત્તાવાળાઓએ તેમને પટ્ટીના ઉત્તરીય ભાગમાં પુરવઠો લઈ જવાથી રોક્યા છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે સુરક્ષા ચિંતાઓને કારણે ગાઝામાં ડિલિવરી સ્થગિત કરી દીધી હતી. જે પછી ઇજિપ્ત, અમેરિકા, જાેર્ડન, સંયુક્ત આરબ અમીરાત જેવા દેશોએ એરડ્રોપની મદદથી ખોરાક અને પાણી પહોંચાડવાનું કામ શરૂ કર્યું. જાેકે, રાહત સંસ્થાઓએ આ પદ્ધતિને ખર્ચાળ અને બિનઅસરકારક ગણાવી છે. દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે, જાે સમયસર કંઈ કરવામાં નહીં આવે તો ગાઝા પટ્ટીમાં દુષ્કાળને રોકવો અશક્ય છે. ગાઝામાં આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાંચ મહિનાના સંઘર્ષ દરમિયાન સ્ટ્રીપમાં ૩૦,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા છે.

 

(જી.એન.એસ)