Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ઘરમાં મેલીવિદ્યા કરાવી હોવાનું મનમાં રાખી પાડોશીએ જ ટ્રક ફેરવી હત્યા કરી

મોરબીમાં મહિલાનું ટ્રક નીચે કચડાઈ જવાથી મોત નીપજયું હતું

મોરબી,
મોરબીના પંચાસર રોડે રાધાકૃષ્ણ સોસાયટીના ઝાપા પાસેથી મહિલાનું ટ્રક નીચે કચડાઈ જવાથી મોત નીપજયું હતું. જે બનાવમાં મૃતક મહિલાના પતિ દ્વારા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસમાં મહિલાનું અકસ્માત મૃત્યુ નહીં પણ હત્યા હોવાનું સામે આવ્યું હતું અને મહિલાના જૂના પડોશીએ જ તે મહિલાની હત્યા કરેલ છે. જેથી પોલીસે તેની ધરપકડ કરીને આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે.

વર્તમાન સમયમાં ઘણી વખત સમાજ માટે લાલબત્તિ સમાન કિસ્સાઓ સામે આવતા હોય છે આવો જ એક બનાવ મોરબી શહેરમાં સામે આવ્યો છે જેમાં નાના મોટો ઝઘડા અને મેલીવિદ્યા કરી હોવાની શંકાના આધારે મોરબીમાં મહિલાની ટ્રકની નીચે કચડીને હત્યા કરવામાં આવેલ છે. જેની પોલીસે આપેલ માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ગીતા ઓઇલ મીલથી આગળના ભાગમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા રમણીકભાઈ કાનજીભાઈ ડાભી જાતે સતવારા (૫૫)એ થોડા દિવસો પહેલા ટ્રક નંબર GJ 1 X 3888ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગત તા ૩૧ના રોજ તેઓના પત્ની પંખુંબેન (૫૫) અનાજ દળવાની ચક્કીએ દરણું મૂકીને પરત ઘરે જતાં હતા ત્યારે રાધા કૃષ્ણ સોસાયટીના ઝાપા પાસેથી પસાર થઈ રહ્યા હતા દરમ્યાન પાછળથી આવેલા ટ્રક ચાલકે તેને હડફેટે લીધા હતા અને તેના શરીર ઉપરથી ટ્રકના ટાયર ફરી ગયા હતા જેથી કરીને ફરિયાદીના પત્નીને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેમનું મોત નીપજ્યું હતું અને અકસ્માતનો ગુનો નોંધાયો હતો. જાે કે, તપાસ દરમ્યાન આ બનાવ હત્યાનો હોવાનો ધડાકો થયેલ છે જેથી પોલીસે આરોપી અમૃતલાલ કેશવજી ચૌહાણ (૬૩)ની ધરપકડ કરેલ છે.

મોરબી એ ડિવિઝન પોલીસ અકસ્માતના આ બનાવની તપાસ ટ્રક નંબરના આધારે કરી રહી હતી. તેવામાં આરોપી અમૃતલાલ કેશવજી ચૌહાણ મૃત્યુ પામેલ મહિલાના ઘર પાસે જ અગાઉ રહેતો હોવાની માહિતી સામે આવી હતી. જેથી વધુ ઝીણવટભરી તપાસ કરવામાં આવતા આરોપી સાથે અગાઉ પાણી ઢોળવા બાબતે, કચરો ફેંકવા બાબતે અને દીવાલ બનાવવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો, તેવી માહિતી સામે આવી હતી. જેથી આરોપીની પૂછપરછ કરવામાં આવી ત્યારે એવી માહિતી સામે આવી હતી કે, આરોપીએ અંધશ્રદ્ધામાં આવીને તેઓના ઘરમાં પત્નીને કેન્સરની બીમારી, દીકરી પરત રિસામણે બેઠેલ હોવાથી જાેવડાવ્યું હતું. તેમાં કોઈએ મેલીવિદ્યા કરી હોવાનું કહેવામા આવ્યું હતું. જેથી મૃતક મહિલા પંખુંબેન દ્વારા મેલીવિદ્યા કરવામાં આવી હોવાથી તેના ઘરમાં વધુ હેરાનગતિ છે. તેવી ગાંઠ આરોપીના મનમાં વળી ગઈ હતી અને તે પોતાનું ઘર છોડીને બીજે ભાડે રહેવા માટે જતાં રહ્યા હતા અને તો પણ ઘરમાં શાંતિ ન થતાં તેને પંખું બેનને મારી નાખવા માટે તેના ઉપર ટ્રક ફેરવી દીધો હતો.

મોરબીમાં કરવામાં આવેલ હત્યાના આ બનાવને અકસ્માતમાં ખપાવવાનો આરોપી દ્વારા પ્લાન બનાવવામાં આવ્યો હતો. જાે કે, પોલીસે તપાસ કરતાં આરોપી મહિલાનો જૂનો પાડોશી હોવાની માહિતી સામે આવી હતી. જેથી હત્યાના આ બનાવમાં ચોંકાવનારી માહિતી સામે આવેલ છે અને પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરીને હાલમાં મોરબીની સબ જેલ હવાલે કરેલ છે.

 

(જી.એન.એસ)