Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૧૪૪૬ વ્યક્તિની પ્રેમ પ્રકરણને કારણે હત્યા

અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષમાં પ્રેમ પ્રકરણને કારણે ૪૦ વ્યક્તિની હત્યા થઇ

અમદાવાદ,
ગુજરાતમાંથી એમ જ પ્રેમ લગ્ન વખતે સાક્ષી તરીકે વર-કન્યાના માતા-પિતાની સહી ફરજિયાત હોવાની માગ થઈ રહી છે. માતા-પિતાની પરવાનગી વિના થતાં લગ્નો કરૂણાંતિકામાં પરિણમે છે. રાજ્યમાં સહમતી વિના થતાં લગ્નને કારણે ક્રાઈમ વધે છે. લવ મેરેજ રજિસ્ટ્રેશન માટેના કાયદામાં ફેરફાર કરવાની પણ જરૂર હોવાનો મામલો વિધાનસભા સુધી પહોંચ્યો છે. ગુજરાતના સુખી સંપન્ન પાટીદાર સમાજે પણ આ મામલો સરકાર સામે ઉઠાવ્યો છે. માતા-પિતાની સહીનો કાયદો આવવાથી સામાજિક રીતે ફાયદો થશે.

આ તમામ બાબતોમાં એ સામે આવ્યું છે કે, ગુજરાતમાં હત્યાનાં મુખ્ય કારણોમાં સૌથી પ્રથમ કારણ પ્રેમ પ્રકરણ છે. હાલમાં જ  વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી થઈ. છોકરા અને છોકરીઓ એકબીજાના પ્રેમમાં પડી ભાગીને લવ મેરેજ કરી લેવા એ ફેશન બની ગયું છે. મા બાપની સંમતિ વિના થતાં આ લગ્નો આખરે હત્યામાં પરિણમે છે.

ગુજરાતમાંથી જ છેલ્લા ૧૦ વર્ષમાં ૧૪૪૬ વ્યક્તિની પ્રેમ પ્રકરણને કારણે હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. ૨૦૧૭ના રિપોર્ટ મુજબ ગુજરાતમાં પ્રેમ પ્રકરણમાં સૌથી વધુ ૧૫૬ હત્યા થઈ છે. છેલ્લા ૧૦ વર્ષમાં પ્રેમ પ્રકરણને કારણે સૌથી વધુ ૧૭૯ હત્યા વર્ષ ૨૦૨૧માં થઇ હતી. વર્ષ ૨૦૨૨ની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પ્રેમ પ્રકરણને કારણે ૧૩૪ની હત્યા થઇ હતી. પ્રેમ પ્રકરણને કારણે વર્ષ ૨૦૨૨માં સૌથી વધુ હત્યા ઉત્તર પ્રદેશમાં ૨૫૩ થઈ હતી. બિહારમાં ૧૭૧, મધ્ય પ્રદેશમાં ૧૪૬, મહારાષ્ટ્રમાં ૧૪૩ સાથે ગુજરાત આ રાજ્યોમાં પાંચમાં સ્થાને રહ્યું હતું. સમગ્ર દેશમાંથી એક વર્ષમાં ૧૪૦૧ વ્યક્તિની પ્રેમ પ્રકરણને કારણે હત્યા થઇ હતી.

અમદાવાદમાંથી છેલ્લા પાંચ વર્ષમાં પ્રેમ પ્રકરણને કારણે ૪૦ વ્યક્તિની હત્યા થયેલી છે. જેમાં ૨૦૨૦માં ૬, ૨૦૨૧માં ૧૧ અને ૨૦૨૨માં ૮ હત્યાનો સમાવેશ થાય છે. બીજી તરફ સુરતમાંથી ગત વર્ષે પાંચ વ્યક્તિની પ્રેમ પ્રકરણને કારણે હત્યા થઇ હતી. મારી નહીં તો કોઈની પણ નહીં આ સિવાય લવ મેરેજથી નારાજ પરિવારો પણ પોતાનો ગુસ્સો દીકરી કે, તેના પ્રેમી પર કાઢે છે.

ગુજરાતમાં ઘણા સમયથી એકતરફી પ્રેમના કિસ્સાઓ પણ વધ્યા છે. જેમાં છોકરીઓની હત્યાઓ થઈ છે. ઘણીવાર આડા સંબંધોનો અંજામ પણ હત્યા સુધી પહોંચે છે. પહેલાં અંગત અદાવતો અને જમીનોના ઝઘડાઓમાં હત્યાઓ થતી હતી. હાલમાં સૌથી મોખરે એ પ્રેમ પ્રકરણ છે. એટલે જ ગુજરાતમાં લવ મેરેજ પહેલાં મા બાપની સંમતિ માટે મંજૂરી માગવા કાયદો ઘડવાની માગ થઈ રહી છે. દરેક મા બાપ પોતાના વ્હાલસોયા સંતાનોને ગુમાવવા માગતા નથી.

 

(જી.એન.એસ)