Safeer News

Breaking News from Ahmedabad

Sports રમતગમત

વિરાટ કોહલીના સમર્થનમાં ઉતરી હૉંગકોંગની ટીમ, જર્સી ગિફ્ટ કરીને લખ્યો મેસેજ

હોંગકોંગની ટીમે વિરાટ કોહલીનો ઉત્સાહ વધાર્યો, ટીમની જર્સી ગિફ્ટ કરીને આપ્યો ખાસ મેસેજ

દુબઈ સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને હોંગકોંગ વચ્ચેની મેચમાં હોંગકોંગની ટીમે મેચ બાદ કંઈક એવું કર્યું, જેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ મેચમાં ભલે હોંગકોંગનો પરાજય થયો હોય, પરંતુ તેણે ખરાબ ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલીના સમર્થનમાં  આવીને તેના ચાહકો સહિત સમગ્ર દેશવાસીઓના દિલ જીતી લીધા હતા. વાસ્તવમાં, મેચ પછી હોંગકોંગની આખી ટીમે વિરાટ કોહલીને ટીમની જર્સી ભેટમાં આપી હતી જેમાં સમગ્ર ટીમ વતી વિરાટ કોહલી માટે એક સુંદર મેસેજ લખવામાં આવ્યો હતો.

વિરાટ કોહલીએ જર્સીની તસવીર શેર કરી 

વિરાટ કોહલીએ ખુદ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આ માહિતી આપી હતી. તેણે જર્સી શેર કરવા બદલ હોંગકોંગ ક્રિકેટનો આભાર માન્યો છે. આ જર્સીમાં હોંગકોંગની ટીમ વતી લખવામાં આવ્યું છે કે, “આખી પેઢીને પ્રેરણા આપવા બદલ તમારો આભાર. અમે અમારી તમામ શક્તિ અને પ્રેમ સાથે તમારી પડખે ઊભા છીએ, આવી ઘણી વધુ રસપ્રદ ઇનિંગ્સ આવનાર છે.”

વિરાટ કોહલીએ લાંબા સમય બાદ આ મેચમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે સૂર્યકુમાર યાદવ સાથે ત્રીજી વિકેટ માટે 98 રનની ભાગીદારી જ નહીં પરંતુ 44 બોલમાં 59 રનની અણનમ ઇનિંગ પણ રમી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ તેની અને સૂર્યાની 68 રનની વિસ્ફોટક ઈનિંગના કારણે 2 વિકેટના નુકસાન પર 192 રન બનાવ્યા હતા. જવાબમાં હોંગકોંગની ટીમ નિર્ધારિત ઓવરમાં 5 વિકેટે 152 રન જ બનાવી શકી હતી. હોંગકોંગ તરફથી ક્રિકેટર બાબર હયાતે સૌથી વધુ 41 રનની ઇનિંગ રમી હતી.

ટીમ ઈન્ડિયાએ આ મેચ 40 રને જીતીને સુપર ફોરમાં જગ્યા બનાવી લીધી છે. અફઘાનિસ્તાનની ટીમ પહેલા જ ગ્રુપ બીમાં સુપર ફોરમાં પહોંચી ગઈ છે. અફઘાનિસ્તાને પહેલા શ્રીલંકાને હરાવ્યું અને પછી બાંગ્લાદેશને હરાવી સુપર ફોરમાં જગ્યા બનાવી. 

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *