Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

રાજપીપલામાં વિવિધ પડતર માંગણીઓ મુદ્દે શિક્ષકોની મૌન રેલી

આવનારા દિવસોમાં સરકાર દ્વારા માંગણી પૂરી નહિ કરવામાં આવે તો, જલદ આંદોલનની ચીમકી

સાજીદ સૈયદ, નર્મદા

રાજ્યભરની ગ્રાન્ટેડ શાળાઓમાં સંચાલકો, આચાર્યો શિક્ષકો અને વહીવટી કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નો અંગે લડત ચાલી રહી છે, જેના પગલે તારીખ 23 સપ્ટેમ્બર શનિવારના રોજ નર્મદા જિલ્લાના રાજપીપલા વિનાયક રાવ વૈધ પબ્લિક ગાર્ડનથી  ગાંધી ચોક સુધી વિવિધ પડતર માંગને લઈ સફેદ વસ્ત્ર અને કાળી પટ્ટી ધારણ કરી મૌન રેલી કાઢી હતી, જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા.

રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના વિવિધ પડતર પ્રશ્નો અંગે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના હોદ્દેદારોના માર્ગદર્શનમાં ચાલી રહેલા આંદોલન  હેઠળ જુદી જુદી આઠ જેટલી માંગણી કરી છે. જે પૈકી  ઓપીએસ એનપીએસ દ્વારા કર્મચારીઓનો 300 રજાઓની રોકડમાં રૂપાંતર, શિક્ષકોની કાયમી ભરતી ઉપરાંત બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી સંચાલક મંડળોને આપવાની રજૂઆત સરકાર સમક્ષ અનેકવાર કરવામાં આવી હતી. જે બાબતનું ગત વિધાનસભાની ચૂંટણી પહેલા સમાધાન કરી અને ચૂંટણી બાદ તમામ માંગણી પૂરી કરી પરિપત્રો કરવાની ખાતરી આપી હતી. છતાં સરકારે કરેલો વાયદો પૂરો નહીં કરતા સંચાલકો, આચાર્યો, શિક્ષકોએ અને વહીવટી કર્મચારીઓએ નર્મદા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના નેજા હેઠળ ફરી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.

 નર્મદા જિલ્લા શૈક્ષણિક સમિતિના મહામંત્રી નિલેશકુમાર ગુલાબસિંહ વસાવાએ આ બાબતે જણાવ્યું હતું કે, હાલ નર્મદા જિલ્લા શૈક્ષણિક અધિવેશનમાં આવેલા શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરની સાથે રૂબરૂ મુલાકાત કરી અમે અમારી તેમના સમક્ષ રજૂઆત કરતા તેમણે આ માંગણી આવનારા દિવસોમાં સ્વીકારી તબક્કાવાર પૂર્ણ કરવાની હૈયાધારણ આપી હતી, ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે, જો આવનારા દિવસોમાં અમારી માંગણીઓ નહીં સંતોષાય તો રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિના નેજા હેઠળ જલદ આંદોલન કરતાં પણ અમે અચકાશું નહીં.

વધુમાં તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી વિરોધ આંદોલન યથાવત રહેશે. પરંતુ, શિક્ષણને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય તે હેતુથી રજાના દિવસોમાં અથવા તો શાળા કાર્ય પૂર્ણ થયા બાદ અમે મૌન આંદોલન કરી રહ્યા છે. પરંતુ આવનારા દિવસોમાં અમને અમારી ઉપરથી આદેશ આવશે તો એ દરેક તબક્કામાં અમે એનો અનુસરણ કરીશું. જ્યારે આ મૌન રેલીમાં નર્મદા જિલ્લાના સંચાલક મંડળ વહીવટી સંઘ, આચાર્ય સંઘ, બિન શૈક્ષણિક સંઘ, માધ્યમિક શિક્ષણ સંઘ અને ઉચ્ચતર માધ્યમિક સંઘના શિક્ષકોએ વિવિધ બેનરો સાથે સફેદ કપડાં અને કાળી પટ્ટી ધારણ કરીને રાજપીપળા પબ્લિક ગાર્ડનથી ગાંધી ચોક સુધી વિશાલ મૌન રેલી યોજી હતી.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *