Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

ગુજરાતી ફિલ્મ “લવ યુ પપ્પા” ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવશે

(રીઝવાન આંબલીયા)

દિગ્દર્શક અભિનેતા અખિલ કોટકની ગુજરાતી ફિલ્મ “લવ યુ પપ્પા” ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવશે.

આગામી તા. 9 જુલાઈથી યુનાઇટેડ સ્ટેટ ખાતે વાડીલાલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ જેનું દર વર્ષે વિદેશની ધરતી પર આયોજન કરવામાં આવે છે જેમાં ગુજરાતી ફિલ્મોના પ્રીમિયર શૉ થાય છે અને વિદેશમાં વસતા ગુજરાતીઓ ખૂબ જ મન ભરીને માણે છે. આ વર્ષે આ ફિલ્મ ફેસ્ટિવલમાં જાણીતાં દિગ્દર્શક અને અભિનેતા અખિલ કોટકની ગુજરાતી ફિલ્મ “લવ યુ પપ્પા”નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ફિલ્મના દિગ્દર્શક અને લીડ રોલમાં અખિલ કોટક છે, જેઓ આ પહેલા નક્કામા, રાહી, બલાઇન્ડ ડેઇટ્સ, જેવી ફિલ્મો બનાવી ચુક્યા છે. ‘છેલ્લો દિવસ’ ફેમ કોફી ગર્લ પ્રાપ્તિ અજવાળીયા ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે અભિનય કર્યો હતો.

આ ફિલ્મની વાર્તા એક પિતા અને તેમની લાડલી દીકરી અંશિકાની આસપાસ વણાયેલી છે. દીકરી હંમેશા પિતા માટે હદયનો ધબકાર હોય છે, એમાં પણ જ્યારે એક પિતાએ મા અને બાપ બંનેનો રોલ ભજવવો પડે ત્યારે શું થાય અને એક પિતા તેની દીકરીના પ્રેમમાં કઈ હદે જઈ શકે તે આ ફિલ્મમાં દર્શકોને જોવા મળ્યું હતું. દીકરીના પિતાના પાત્રમાં અખિલ કોટક જુદી જુદી ઉંમરની ચાર ભૂમિકા નિભાવતા જોવા મળ્યા હતા. તો વાર્તામાં મુખ્ય પાત્ર એવા દીકરી અંશિકાના રોલમાં દિશા દેસાઈ અને કશિશ રાઠોરે સૌપ્રથમ વાર અભિનય કર્યો હતો. તેમજ બીજા કલાકારોમાં જીતેન્દ્ર ઠક્કર, ભાવિક જગડ, આરતી દેસાઈ, હર્ષલ માંકડ, સોની જેસવાણી ભટ્ટ, ભક્તિ જેઠવા, કિંજલ ખૂંટ જોવા મળ્યા હતા.

આ ફિલ્મનો સ્ક્રીન પ્લે અને ડાયલોગ્સ આસિફ અજમેરી દ્વારા લખવામાં આવ્યા છે. આ ફિલ્મનું તમામ શૂટિંગ રંગીલા રાજકોટમાં જ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનું એક સુંદર ગીત ઓસમાણ મીરના કંઠમાં કરવામાં આવ્યું હતું. ફિલ્મનું સંગીત ઉત્પલ જીવરાજાની, ગીતના શબ્દો નીરજ મહેતાએ આપ્યા હતા જ્યારે ગાયક ઓસમાણ મીર ઉપરાંત મયુર ચૌહાણ તેમજ ગીતા ચૌહાણ, દ્રષ્ટિ અંધારિયા, નીરજ વ્યાસ, વિધી ઉપાધ્યાય, હેમલ પ્રજાપતિએ આ ફિલ્મના ગીતો ગાયેલા છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક નીરજ વ્યાસે આપ્યું છે. દિગ્દર્શન ટીમમાં પુષ્પરાજ ગુંજન, રાજુ પોરિયા, અપેક્ષા વાંકાણી, માધવ ભાવસાર, ડીઓપી – હરેશ ગોહિલ, સ્ટીલ અને પ્રોડક્શનમાં રવિ ખૂંટ અને સતીષ લકકડ રહેશે. જ્યારે લાઇન પ્રોડક્શન પ્રતિક વડગામાએ કરેલું છે. વસ્ત્ર પરિધાન ડિઝાઇન કોમલ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું છે.

આ ફિલ્મનું નિર્માણ બ્લ્યુ લાયન એન્ટરટેઇનમેન્ટ કંપની નિર્માતા વિહાન દંડ દ્વારા કરવામાં આવ્યું છે. વિદેશમાં વસતા આપણા ગુજરાતીઓને આ ફિલ્મ જરૂર પસંદ પડશે તેવી આશા દિગ્દર્શક અભિનેતા અખિલ કોટક દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *