સુરત,તા.૧૨
પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને લઇને ગરીબ અને મધ્યમ વર્ગની કમર તૂટી રહી છે. આમ આદમી પાર્ટીના યુવા સંઘના કાર્યકર્તાઓ દ્વારા સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં બેનરો લઇને વિરોધ નોંધાવ્યો હતો. અણુવ્રત દ્વાર, અડાજણ, ભાગળ ચાર રસ્તા વિસ્તારમાં આપના યુવા કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને ગયા છે તેવા સમયે ગાડીમાં પેટ્રોલ ભરાવા કરતા તેને વેચી દેવી વધુ સારી છે એવા પ્રતિકાત્મક રીતે આપે વિરોધ નોંધાવ્યો હતો.

પેટ્રોલ-ડિઝલના વધતા ભાવને કારણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. રોજ કમાવીને ખાવાની સ્થિતિ પેટ્રોલના ભાવ વધારાને કારણે ખુબ જ દયનીય બની છે. ૧૦૦ને પાર પહોંચી રહેલા પેટ્રોલના ભાવને કારણે સામાન્ય જનતા ત્રસ્ત થઈ ગઈ છે. ટ્રાન્સપોર્ટેશન પર ધરખમ વધારો થતાં હવે અન્ય ચીજ વસ્તુઓમાં પણ નોંધનીય રીતે વધારો દેખાઈ રહ્યો છે જેને કારણે મધ્યમ વર્ગનું જીવન અઘરું થઈ ગયું છે.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આજે “સ્કૂલ ફી ભરવા માટે ગાડી વેચવાની છે” એ પ્રકારના બેનરો સાથે વિરોધ નોંધાવીને લોકો સુધી પોતાનો મેસેજ વહેતો કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ પણ પ્રકારનો ઘટાડો કરી શકતી ન હોવાથી તેઓ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાહત આપવામાં નિષ્ફળ થઇ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here