Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

માનવતાની મહેક : પોલીસ સમાજનો ખરો મિત્ર, ખોવાઈ ગયેલી ત્રણ વર્ષની બાળકીને પરિવાર સાથે મિલન કરાવ્યું

ફરજનો સમય પૂરો થયા બાદ પણ પોલીસકર્મીએ રસ્તા પર ખોવાઈ ગયેલી ત્રણ વર્ષની બાળકીની વહારે આવી પરિવાર સાથે મિલન કરાવ્યું

અમદાવાદ, તા. ૮
શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ખુબ જ સરાહનીય પોલીસની કામગીરીનો કિસ્સો જોવા મળ્યો છે. જેમાં સ્પષ્ટ રીતે જોવા મળ્યું હતું કે, સમાજનો ખરો મિત્ર પોલીસ છે તે સાર્થક કરી બતાવ્યું છે.

લોકસભા ચૂંટણીની સતત ૪૮ કલાકની ફરજ બજાવ્યા બાદ રાત્રે નવ વાગ્યા આસપાસ ઇસનપુર પોલીસ સ્ટેશનના એક પોલીસકર્મી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા જે દરમ્યાન મણિનગર ભૈરવનાથ રોડ પાસે મનોકામેશ્વર મહાદેવ મંદિર નજીકમાં એક માસૂમ, નાની ત્રણ વર્ષની બાળકીને રડતા જોઈ પોલીસકર્મી પોતાની ફરજના કલાકો નહિ પરંતુ પોલીસ તરીકેની સમાજ પ્રત્યેની પોતાની ફરજને પ્રાધાન્ય આપી ઘરે જવાને બદલે બાળકીને પોતાની સાથે ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા.

આ બાબતની પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરી પોલીસ સ્ટેશન નજીકના રહીશોની મદદ મેળવી બાળકીને પોલીસ વેનમાં બેસાડી આજુ બાજુના વિસ્તારમાં ફરી મસ્જિદોમાં બાળકી ગુમ થયા બાબતનું એલાન કરાવી ઈસનપુર સોનીના ખેતરમાં રહેતા બિહાર રાજ્યના મજુર વર્ગના પરિવારને તેમની ત્રણ વર્ષની બાળકી સુરક્ષિત પરત સોપી સમાજનો ખરો મિત્ર પોલીસની વાત સાર્થક કરાતી કામગીરી કરી હતી.

આ ઉત્તમ કાર્ય કરી બદલ ઈસનપુરના પોલીસ કર્મચારી ઘનશ્યામભાઈ ગઢવીનું આ કાર્ય માનવતાની એક સુંદર મહેક તરીકે પણ ઓળખી શકાય છે. આ સત્કાર્ય કરવા બદલ સૌ-સૌ સલામ છે આવા પોલીસ કર્મચારીને.

 

(જી.એન.એસ)