Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદમાં બુટલેગરે દારુનો જથ્થો સંતાડવા હાઈડ્રોલિક દરવાજા સાથેનું ચોરખાનું બનાવ્યું

ઝોન-૩ની સ્ક્વોડે દરોડો પાડી દારૂ અને બિયરની ૮૦૯ બોટલો સાથે ચાર લાખનો મુદ્દામાલ કબજે કર્યો

અમદાવાદ,તા.૭
ગુનેગારો પોલીસની બાજ નજરથી બચવા માટે અવનવી તરકીબો અજમાવતા હોય છે. પરંતુ આમ છતાં તેઓ પોલીસની નજરમાંથી બચી શકતા નથી. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. ઝોન-૩ની સ્ક્વોડ દ્વારા એક ઘરમાંથી મોટો દારુનો જથ્થો ઝડપી પાડ્યો છે. જે જથ્થો સંતાડવા માટે બુટલેગરે ઘરમાં જ હાઈડ્રોલિક દરવાજા સાથેનું ચોરખાનું બનાવ્યું હતુ.

ખાડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલસીબી ઝોન-૩ની સ્ક્વોડે બે બુટલેગરોને ઝડપી પાડ્યા છે. જેમાં એકના સ્કૂટરની ડેકીમાંથી તો અન્યના ઘરમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. બંને ઘટનામાં દારુનો જથ્થો ઝડપી લઈને પોલીસે કાર્યવાહી શરુ કરી છે.

અમદાવાદ સહિત રાજ્યની પોલીસ દારૂના દુષણને ડામવા દારૂની હેરાફેરી પર નજર રાખી રહી છે, ત્યારે અમદાવાદ શહેરની ઝોન-૩ની સ્ક્વોડ દ્વારા શહેરના બે નામચીન બુટલેગરોને ત્યાં દરોડા પાડ્યા હતા જેમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બુટલેગર રાકેશ ઉર્ફે રાકલો અને જીગર નટુજી ઠાકોરની ધરપકડ કરી તેમની પાસેથી વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે. પોલીસે રાકેશની બાઈકની ડેકીમાંથી તેમજ જીગર ઠાકોરના ઘરમાંથી કુલ મળીને દારૂ અને બિયરની ૮૦૯ બોટલો કે, જેની કુલ કિંમત ચાર લાખ જેટલી થાય છે જે પોલીસે કબજે કર્યો છે. બુટલેગરો હવે દારૂ છુપાવવાના અલગ અલગ રસ્તાઓ શોધી કાઢ્યા છે. જેમાં જીગર નટુજી ઠાકોરના ઘરમાં પોલીસે જ્યારે ઝોન-૩ની સ્ક્વોડ દ્વારા દરોડા પાડ્યા ત્યારે ટીવી સ્ટેન્ડની બાજુમાં લાગેલું એક ફર્નિચર હતું જે હાઇડ્રોલિક દરવાજા જેવું બનાવવામાં આવ્યું હતું. જેને ખોલતા જ અંદર ચોરખાનું મળી આવ્યું હતું અને જેમાં મોટી માત્રામાં દારૂ અને બિયરોની બોટલો રાખવામાં આવી હતી. પોલીસ આ ખાનાને જાેઈને જ દંગ રહી ગઈ હતી. બંને બુટલેગરો પાસેથી દારૂનો મુદ્દામાલ કબજે કરી બંનેની ધરપકડ કરી છે. આ બંને બુટલેગરો વિરુદ્ધ ખાડિયા પોલીસ સ્ટેશનમાં જ અગાઉ પણ પ્રોહીબિશનના અનેક કેસો નોંધાઈ ચૂક્યા છે.

 

Source : (GNS)