Safeer News

Breaking News from Ahmedabad

મારૂ મંતવ્ય

દેશના પ્રથમ શિક્ષણ મંત્રી “મૌલાના અબુલ કલામ આઝાદ”

(અબરાર એહમદ અલવી)

રાજકારણ તરફ મૌલાના આઝાદના ઝુકાવે તેમને પત્રકાર બનાવ્યા હતા. તેમણે 1912માં ઉર્દૂ મેગેઝિન “અલ-હિલાલ” શરૂ કર્યું.


જાણો…દેશના પ્રથમ શિક્ષણ મંત્રી “મૌલાના અબુલ કલામ આઝાદ” વિષે…

મૌલાના અબુલ કલામ આઝાદ જેઓ મૌલાના આઝાદ” તરીકે જાણીતા છે, એક ભારતીય મુસ્લિમ વિદ્વાન હતા અને તેઓ ભારતીય સ્વતંત્રતા ચળવળના એક વરિષ્ઠ રાજકીય નેતા પણ હતા. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ વેળાના સર્વોચ્ચ રાષ્ટ્રવાદી મુસ્લિમ, કૉંગ્રેસ નેતા તથા પ્રમુખ, પ્રખર વિદ્વાન તથા સ્વતંત્ર ભારતના પહેલા શિક્ષણ પ્રધાન હતા.

મૌલાના ખૈરુદ્દીન અને આરબ માતા અલિયાના બીજા દીકરા હતા. તેમનું નામ મોહિયુદ્દીન એહમદ હતું. તેમણે પોતાના માટે ‘અબુલ કલામ આઝાદ’નું બિરુદ રાખ્યું હતું. માતાની સાથે અરબીમાં વાત કરનાર આઝાદે શાળા, કૉલેજ ગયા સિવાય પિતા પાસેથી ધાર્મિક શિક્ષણ તથા પોતાની મેળે અંગ્રેજી શિક્ષણ મેળવ્યું હતું. તેઓ એક અગ્રણી મુસ્લિમ નેતા હતા જેઓ હિન્દુ-મુસ્લિમ એકતા પર ભાર મુકતા અને કોમી ધોરણે ભારતના ભાગલાના પ્રખર વિરોધી હતા.

ભારતની સ્વતંત્રતા બાદ તેઓ ભારત સરકારમાં પ્રથમ શિક્ષણ પ્રધાન બન્યા હતા. તેમણે સ્વતંત્રતા પહેલા કરેલી આગાહી માટે પણ તેઓ જાણીતા છે જેમાં તેમણે કહ્યું હતું કે, ભવિષ્યમાં પાકિસ્તાનના ભાગલા પડશે અને ત્યાં લશ્કરી શાસન આવશે. તેમને ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન મરણોત્તર વર્ષ ૧૯૯૨માં આપવામાં આવ્યું હતુ. તેમને સામાન્ય રીતે મૌલાના આઝાદ” તરીકે યાદ કરવામાં આવે છે. તેમણે તેમના ઉપનામ તરીકે આઝાદ નામ અપનાવ્યું હતું. ભારતમાં શિક્ષણનો પાયો સ્થાપિત કરવા માટે નોંધપાત્ર યોગદાન આપવા બદલ સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિન તરીકે તેમનાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે.

મૌલાના આઝાદ અફઘાન ઉલેમાના પરિવારના હતા, જેઓ બાબરના સમયમાં હેરાતથી ભારત આવ્યા હતા. તેમની માતા અરબી મૂળના હતા અને તેમના પિતા મોહમ્મદ ખૈરુદ્દીન પર્સિયન હતા. મોહમ્મદ ખૈરુદ્દીન અને તેમનો પરિવાર ઇ.સ. ૧૮૫૭માં કલકત્તા છોડીને ભારતીય સ્વતંત્રતાની પ્રથમ ચળવળ દરમિયાન મક્કા ગયા હતા. ત્યાં મોહમ્મદ ખૈરુદ્દીન તેમની ભાવિ પત્નીને મળ્યા. મૌલાના અબુલ કલામ આઝાદનો જન્મ સાઉદી અરેબિયામાં થયો હતો. મોહમ્મદ ખૈરુદ્દીન ઇ.સ. ૧૮૯૦માં ભારત પરત ફર્યા. મુહમ્મદ ખૈરુદ્દીને કલકત્તામાં મુસ્લિમ વિદ્વાન તરીકે નામના મેળવી હતી. જ્યારે મૌલાના આઝાદ ૧૧ વર્ષના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું. તેમણે પ્રારંભિક શિક્ષણ ઇસ્લામિક પદ્ધતિઓ દ્વારા મેળવ્યું હતું. તેમને ઘરે અથવા મસ્જિદમાં તેમના પિતા દ્વારા અને બાદમાં અન્ય વિદ્વાનો દ્વારા શીખવવામાં આવ્યું હતું. ઇસ્લામિક શિક્ષણ ઉપરાંત, તેમણે અન્ય ગુરુઓ પાસેથી તત્વજ્ઞાન, ઇતિહાસ અને ગણિતનું શિક્ષણ પણ મેળવ્યું હતું. આઝાદે ઉર્દૂ, ફારસી, હિન્દી, અરબી અને અંગ્રેજી ભાષાઓમાં નિપુણતા મેળવી હતી. સોળ વર્ષની ઉંમરે, તેમણે તમામ શિક્ષણ મેળવ્યું હતું જે તેમને સામાન્ય રીતે ૨૫ વર્ષની ઉંમરે મળતું હતું.
તેર વર્ષની ઉંમરે તેમણે ઝુલૈખા બેગમ સાથે લગ્ન કર્યા. તેઓ સલાફી (દેવબંદી) વિચારધારાની નજીક હતા અને કુરાનની અન્ય અભિવ્યક્તિઓ પર લેખો પણ લખ્યા હતા. આઝાદે સમર્પિત સ્વ-અભ્યાસ સાથે અંગ્રેજી શીખ્યા અને ઘણી બધી પશ્ચિમી ફિલસૂફી વાંચી.

રાજકારણ તરફના મૌલાના આઝાદના ઝુકાવે તેમને પત્રકાર બનાવ્યા હતા. તેમણે 1912માં ઉર્દૂ મેગેઝિન “અલ-હિલાલ” શરૂ કર્યું. સરકારે “અલ-હિલાલ”ને અલગતાવાદી વિચારોના પ્રચારક તરીકે ગણ્યા અને 1914માં તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ મૌલાના અબુલ કલામ આઝાદે ભારતીય રાષ્ટ્રવાદ અને હિન્દુ-મુસ્લિમ એકતા પર આધારિત ક્રાંતિકારી વિચારોનો પ્રચાર કરવાના સમાન મિશન સાથે “અલ-બાલાગ” નામનું બીજું સાપ્તાહિક શરૂ કર્યું હતું. 1916 માં, સરકારે આ પેપર પર પણ પ્રતિબંધ મૂક્યો અને મૌલાના અબુલ કલામ આઝાદને કલકત્તામાંથી હાંકી કાઢ્યા અને તેમને બિહાર મોકલવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓ પ્રથમ વિશ્વ યુદ્ધ 1920 પછી મુક્ત થયા હતા.

મૌલાના અબુલ કલામ આઝાદનો ઉદ્દેશ્ય મુસ્લિમ યુવાનોને ક્રાંતિકારી ચળવળો તરફ પ્રોત્સાહિત કરવાનો અને હિંદુ-મુસ્લિમ એકતા પર ભાર આપવાનો હતો. તેમણે બંગાળ, બિહાર અને બોમ્બેમાં ગુપ્ત રીતે ક્રાંતિકારી પ્રવૃત્તિઓનું આયોજન કરીને કોંગ્રેસના નેતાઓનો વિશ્વાસ જીત્યો.

મૌલાના અબુલ કલામ આઝાદે ગાંધીજી દ્વારા શરૂ કરાયેલ અસહકાર ચળવળને ટેકો આપ્યો હતો અને 1920માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. તેઓ દિલ્હીમાં કોંગ્રેસના વિશેષ સત્ર (1923)ના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. 35 વર્ષની ઉંમરે, તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે સેવા આપનાર સૌથી યુવા વ્યક્તિ બન્યા હતા.

મૌલાના અબુલ કલામ આઝાદ જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના સ્થાપક સભ્યોમાંના એક હતા, જે મૂળ રૂપે 1920માં ભારતના સંયુક્ત પ્રાંતમાં અલીગઢ ખાતે સ્થાપિત કરવામાં આવી હતી.

મૌલાના અબુલ કલામ આઝાદ દેશની આધુનિક શિક્ષણ પ્રણાલીને આકાર આપવા માટે જવાબદાર છે. પ્રથમ IIT, IISc, સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની સ્થાપના તેમના શિક્ષણ પ્રધાન તરીકેના કાર્યકાળ હેઠળ કરવામાં આવી હતી. સંગીત નાટક અકાદમી, લલિત કલા અકાદમી, સાહિત્ય અકાદમી તેમ જ ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન સહિતની સૌથી પ્રખ્યાત સાંસ્કૃતિક, સાહિત્યિક અકાદમીઓ પણ બનાવવામાં આવી હતી.

મૌલાના અબુલ કલામ આઝાદ સ્વાતંત્ર ભારતમાં શિક્ષણપ્રધાન બનેલા, જે દરમિયાન 1948માં ડૉ. રાધાકૃષ્ણનના પ્રમુખપદે ઉચ્ચ (યુનિવર્સિટી) શિક્ષણની સમિતિ નીમવામાં આવી હતી. 1952માં માધ્યમિક શિક્ષણ સમિતિ નિમાઈ હતી. વળી, તે અરસામાં જ યુનિવર્સિટી અનુદાન આયોગ(University Grants Commission)ની પણ શરૂઆત થઈ હતી. આ નવી નીતિને કારણે શિક્ષણના અંદાજપત્રમાં બે કરોડથી આંકડો ત્રીસ કરોડે પહોંચ્યો હતો.

કુરાન ઉપર ટિપ્પણ કરતાં આઝાદ સ્પષ્ટ સ્વરૂપે કહેતા કે, બધા જ ધર્મો જુદા રસ્તા લેવા છતાં એક જ મકસદ ઉપર પહોંચતા રહ્યા છે. તાત્વિક રીતે બધા ધર્મો સમાન છે અને તેમના મૂળ સ્વરૂપને સમજવું જરૂરી છે. આઝાદ મોટેભાગે ઉર્દૂમાં જ બોલતા, લખતા અને વિચારો પ્રગટ કરતા. રાષ્ટ્રીય કૉંગ્રેસમાં હોવાને કારણે મુસ્લિમો તેમને જોઈએ તેટલું મહત્વ આપતા નહિ. મૌલાના આઝાદ ભારતની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિના પ્રશંસક હતા અને તેના પ્રત્યે આદરભાવ રાખતા. પ્રખર રાષ્ટ્રવાદી તરીકે તેઓ બિનસાંપ્રદાયિકતાના પુરસ્કર્તા અને પ્રતીક હતા. તેઓ ગહન ચિન્તનશક્તિ ધરાવતા ઉત્કૃષ્ટ આદર્શવાદી હતા.અનેક લેખો ઉપરાંત તેમણે ‘તર્જુમન અલ કુરાન’ તથા ‘India Wins Freedom’ (1958) જેવાં પુસ્તકો લખેલાં છે.