Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

UAEના કિંગનું એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ રોડ પર મુસ્લિમો સ્વાગત કરે : ઈનામુલ ઈરાકી

(મોહમ્મદ રફીક શેખ)

વડાપ્રધાન મોદી સાથે આજે યુએઈના રાષ્ટ્રપતિના રોડ-શોને લઈ ઈનામુલ ઈરાકીની અપીલ


મુસ્લિમ દેશના રાજા રોકાણ માટે આવી રહ્યા છે ત્યારે તેમનું અભિવાદન કરવું જોઈએ : ઈરાકી


અમદાવાદ, તા.૯
વાઈબ્રન્ટ સમીટના અભૂતપૂર્વ આયોજનની આખરી તૈયારીઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુ.એ.ઈ.ના કિંગના રોડ-શોની તમામ તૈયારી પૂર્ણ કરી દેવાઈ છે. કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે અમદાવાદ એરપોર્ટથી બન્ને મહાનુભાવો રોડ-શો રૂપે સાબરમતી ગાંધી આશ્રમ સુધી જશે. જેમાં રોડની બન્ને બાજુએ ઉપસ્થિત લોકો તેઓનું અભિવાદન કરશે. આ માટે ઠેર-ઠેર સ્વાગતના સ્ટેજ પણ બનાવવામાં આવ્યા છે. અમદાવાદમાં યુએઈના કિંગ પધારવાના છે અને ગુજરાતમાં રોકાણ પણ કરવાના છે ત્યારે મુસ્લિમ સમાજે એરપોર્ટથી ઈન્દિરા બ્રીજના માર્ગ પર ઉભા રહી તેઓનું ભવ્ય સ્વાગત કરવું જોઈએ તેમનું અભિવાદન કરવું જોઈએ તેમ શહેરના અગ્રણી ઉદ્યોગપતિ ઈનામુલ ઈરાકીએ જણાવ્યું છે.

યુ.એ.ઈ.ના રાષ્ટ્રપતિ (રાજા) મોહમ્મદ બિનઝાયેદ અલનાહ્યાન (MBZ)  તા.૯મીએ એરપોર્ટ પર ઉતરાણ કરશે. ત્યારે વડાપ્રધાન મોદી તેમને આવકારશે અને ત્યાંથી બન્ને રોડ-શો યોજી લોકોનું અભિવાદન ઝીલતા ગાંધી આશ્રમ પહોંચશે. ત્યારે ઈનામુલ ઈરાકીએ વધુમાં જણાવ્યું કે, એક મુસ્લિમ દેશના વડા આપણે ત્યાં પધારી રહ્યા છે તે ખૂબ જ ગૌરવપૂર્ણ ક્ષણો છે અને તેઓ ગુજરાતમાં રોકાણ કરવા આવી રહ્યા છે. જેનો લાભ તો રાજ્યના તમામ ધર્મના લોકોને થવાનો છે જ પરંતુ મુસ્લિમ સમાજ માટે આ અત્યંત ગૌરવપૂર્ણ બાબત છે ત્યારે આ તકને ઝડપી લઈ શહેરના મુસ્લિમ સમાજે ઝોહરની નમાજ પછી એરપોર્ટથી ઈન્દિરા બ્રીજના રોડ પર બન્ને તરફ ગોઠવાઈ જઈ આપણા મહેમાનને ફૂલો વગેરેથી વધાવી તેમનું અભિવાદન કરવું જોઈએ તેવી અપીલ તેમણે કરી હતી.