Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : કારમાં સાયરન વગાડીને રોલો પાડતા યુવાનની ધરપકડ

પોલીસે લોકોને અપીલ કરી હતી કે, આવા ભયજનક રીતે વાહન ચલાવતા તેમજ સ્ટંટ કરતા વાહન ચાલકોની જાણકારી અમદાવાદ શહેર પોલીસ સુધી પહોચાડે જેથી કાયદેસરની કાર્યવાહી કરી શકાય.

અમદાવાદ,
અમદાવાદ શાહીબાગ ઘેવર સર્કલથી અનમોલ ટાવર જાહેર રોડ ઉપર સ્વીફટ ગાડીમાં પોલીસ સાયરન વગાડતા યુવકનો સોશિયલ મીડીયામાં વાયરલ થયેલ વિડીયો બાબતે સ્વીફટ ગાડી ચાલક વિરુધ્ધ ફરીયાદ નોંધી કાર ચાલકની ધરપકડ કરી લીધી છે.

ગત તારીખ ૦૯ માર્ચના દિવસે સોશીયલ મીડીયા તેમજ એફ ટ્રાફિક પોલીસ સ્ટેશનના વ્હોટસેપ ગૃપમાં એક વીડીયો વાયરલ થયો હતો જે વીડીયો જાેતા એક કાળા કલરની સ્વીફટ ગાડી નં.GJ-01-WL-4729નો ચાલક પોતાની કારમાં પોલીસ સાયરન સાથે ચલાવી શાહીબાગ ઘેવર સર્કલથી અનમોલ ટાવર તરફ જાહેર રોડ પર પુર ઝડપે અને બેદરકારી પૂર્વક જતો હોવાનું જણાયુ હતું. જે વીડીયોના આધારે ફોર વ્હીલ ચાલક તેમજ ગાડી માલિકની તપાસ કરતાં ગાડી અજીતસિંહ કિશોરસિંહ રાઠોડ જે અસારવાનો હોવાનું જણાઇ આવતા એફ ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે કલમ ૨૭૯, ૩૩૬ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૯૪ (એફ) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ ગાડી સાયરન સાથે કબ્જે કરી છે.

વાહન ચાલક અજીતસિંહ કિશોરસિંહ રાઠોડનું ડ્રાઇવીંગ લાયસન્સ જમા લઇ સદર ડ્રાઇવીંગ લાયસન્સ રદ્દ કરવા RTO ને રીપોર્ટ કરવામાં આવ્યો છે. અમદાવાદની ટ્રાફીક પોલીસે લોકોને અપીલ કરી હતી કે, આમ સોશિયલ મિડિયામાં વાયરલ થયેલ વિડિયો અન્વયે ત્વરીત કામગીરી કરવામાં આવેલ છે.  શહેરના તમામ નાગરીકોને નમ્ર વિનંતી છે કે, આવા ભયજનક રીતે વાહન ચલાવતા તેમજ સ્ટંટ કરતા વાહન ચાલકોની જાણકારી અમદાવાદ શહેર પોલીસ સુધી પહોચાડે જેથી કાયદેસરની કાર્યવાહી કરી શકાય.