Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ગાંધીનગર : રાજસ્થાન જવા માટે વાહનની રાહ જાેઈને ઉભેલા માતા-પિતાની પાસે ઊભેલું બાળક રમતા રમતા ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ ગયું

ભારે જહેમત પછી દેવાંશને મૃત હાલતમાં ગટરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ બનાવના પગલે માતા-પિતા ઉપર આભ તૂટી પડયું હતું.

ગાંધીનગર,તા.૨૪
ગાંધીનગરના ઝૂંડાલ કે.ડી હોસ્પિટલની સામે રાજસ્થાન જવા માટે વાહનની રાહ જાેઈને ઉભેલા માતા-પિતાની જાણ બહાર રમી રહેલા આશરે ૭ વર્ષીય પુત્રનું ખુલ્લી ગટરમાં પડી જવાથી મોત થયાની ઘટના પ્રકાશમાં આવી છે. ગાંધીનગર ફાયર બ્રિગેડ દ્વારા કિશોરની લાશ બહાર કાઢવામાં આવી છે. માતા-પિતા રાજસ્થાન જવા માટે કે.ડી હોસ્પિટલની સામેના હાઇવે રોડ ઉપર વાહનની રાહ જાેઈને ઉભા હતા. આ દરમિયાન બાળક રમતાં રમતાં ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ ગયું હતું.

અમદાવાદના ગોતા ખાતે રહેતા ધર્મેશભાઈ ધોબી કેટલાક વર્ષોથી અહીં પોતાની પત્ની અને દીકરા દેવાંશ (ઉં. ૭, આશરે) સાથે રહે છે. કપડાં ઈસ્ત્રી કરીને પેટીયુ રળતા ધર્મેશભાઈની સાસરી રાજસ્થાન થાય છે. મોડી સાંજે રાજસ્થાનથી મેસેજ આવ્યો હતા કે, તેમના સસરાનું આકસ્મિક અવસાન થયું છે. જેનાં પગલે પતિ-પત્ની દીકરા દેવાંશને લઈને રાજસ્થાન જવા માટે નિકળ્યા હતા. માતા-પિતા રાજસ્થાન જવા માટે ઝૂંડાલ કે.ડી હોસ્પિટલની સામે હાઇવે ઉપર આવીને વાહનની રાહ જાેઈ રહ્યા હતા. આ દરમિયાન દેવાંશ બાળ સહજ સ્વભાવે રમી રહ્યો હતો.
એક તરફ માતા-પિતા રાજસ્થાન પહોંચવા વાહનની રાહ જાેઈ રહ્યા હતા. બીજી તરફ દેવાંશ તેની રમતમાં મશગુલ હતો. ત્યારે રાજસ્થાનની બસ આવતાં માતા-પિતા બસમાં ચઢી ગયા હતા. ત્યારે અચાનક દેવાંશ જાેવા નહીં મળતા બંનેને ફાળ પડી હતી. બન્ને બસની નીચે ઉતરી દીકરાની શોધખોળ કરવા લાગ્યા હતા. એ વખતે તેમની નજર જ્યાં ઉભેલા તેની નજીક ખુલ્લી ગટર પર પડી હતી. આથી તેમને શંકા ગઈ હતી.

આ ઘટના અંગે જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. ગટરમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ત્યારે ભારે જહેમત પછી દેવાંશને મૃત હાલતમાં ગટરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ બનાવના પગલે માતા-પિતા ઉપર આભ તૂટી પડયું હતું. આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ કરી રહી છે.

 

(જી.એન.એસ)