કોર્ટે આરોપીને ચેકની બમણી રકમ એટલે કે, ૨,૦૦,૦૦૦/- રૂપિયા ચૂકવવા હુકમ ફરમાવેલ છે
સુરત,તા.૪
ચેક બાઉન્સના કેસમાં સુરત કોર્ટે અમદાવાદના સાડીના વેપારી સુરેશચંદ્ર લક્ષ્મણભાઈ પ્રજાપતિને ૧ વર્ષની કેદની સજા ફટકારી છે અને ચેકની બમણી રકમ એટલે કે, ૨,૦૦,૦૦૦/- રૂપિયા ચૂકવવા હુકમ ફરમાવેલ છે અને જો ચેકની બમણી રકમ ન ચૂકવવાના કસુર પેટે ૬ માસની વધુ કેદની સજા માટે હુકમ ફરમાવેલ છે આ ઉપરાંત આરોપી હુકમ તારીખે કોર્ટમાં હાજર ન રહેતા આરોપીની ગેરહાજરીમાં સજા કરી ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે.
આ કેસની મળતી વિગત મુજબ મહાવીર ટેક્સટાઇલ માર્કેટ, રીંગરોડ, સુરત ખાતે મિનલ પ્રિન્ટ્સના નામથી સાડીનો હોલસેલનો વેપાર કરતા રણજીત રોદીલાલજી આંચલીયાએ વર્ષ ૨૦૧૮માં પંચગની કોમ્પ્લેક્સ, મોરૈયા, અમદાવાદ ખાતે સાડીનો વેપાર કરતાં મહાલક્ષ્મી કાપડ ભંડારના પ્રોપરાઇટર સુરેશચંદ્ર લક્ષ્મણભાઈ પ્રજાપતિને રૂપિયા ૨,૬૬,૯૫૦/- નો સાડીનો માલ વેચાણથી આપ્યો હતો અને જેના પાર્ટ પેમેન્ટ પેટે આરોપી સુરેશચંદ્ર લક્ષ્મણભાઈ પ્રજાપતિએ ફરિયાદીને રૂપિયા ૫૦,૦૦૦/- ના બે ચેકો એમ કરીને કુલ્લે રૂપિયા ૧,૦૦,૦૦૦/- ના ચેક આપ્યા હતા જે ડોરમેટ એકાઉન્ટના કારણસર રિટર્ન થતા આરોપી વિરુદ્ધ ફરિયાદીએ સુરતની કોર્ટમાં એડવોકેટ સંદીપ એમ. કાછડીયા મારફત નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી.
આ કેસમાં આરોપી વકીલ મારફત હાજર થયો હતો અને ફરિયાદની નકલ લીધી હતી અને કાયદેસરના લેણા પેટે કોઈ ચેક આપેલા નથી, મને કોઈ લીગલ નોટિસ મળેલ નથી, ખોટા પુરાવાઓ ઉભા કરી ખોટો કેસ કરેલ છે તેવી દલીલો કરી હતી જ્યારે ફરિયાદી તરફે એડવોકેટ સંદીપ એમ. કાછડીયાએ વડી અદાલતના ચુકાદાઓ ટાંકીને ધારદાર દલીલો કરી હતી અને જે દલીલો માન્ય રાખી કોર્ટે આરોપીને ૧ વર્ષની કેદની સજા ફટકારી છે અને ચેકની બમણી રકમ એટલે કે, ૨,૦૦,૦૦૦/- રૂપિયા ચૂકવવા હુકમ ફરમાવેલ છે અને જો ચેકની બમણી રકમ ન ચૂકવવાના કસુર પેટે ૬ માસની વધુ કેદની સજા માટે હુકમ ફરમાવેલ છે. આ ઉપરાંત આરોપી હુકમ તારીખે કોર્ટમાં હાજર ન રહેતા આરોપીની ગેરહાજરીમાં સજા કરી ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે
મહત્વની વાત એ છે કે, આ કેસમાં સમય મર્યાદાનો બાધ નડતો હોવા છતાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાને રાખી કોરોના મહામારીનો સમય મજરે આપીને આરોપીને દંડ અને સજા ફટકારી છે.
(GNS)