Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

સુરતનો ૧૪ વર્ષનો કિશોર ૨૪ કલાક સુધી દરિયામાં મોત સામે જંગ લડી આખરે જીત્યો

કિશોરને તાત્કાલિક ICU ઓન વ્હીલની મદદથી પ્રાથમિક તપાસ સાથે વધુ સારવાર અર્થે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

સુરતના ડુમ્મસના દરિયામાં ડૂબીને લાપતા થયેલો લખન દેવીપૂજક દરિયામાં જીવતો મળ્યો હોવાની જાણ થતાં જ નવસારીની મરીન પોલીસ સાથે જિલ્લા પોલીસ તંત્ર પણ સતર્ક થયુ હતું.

નવસારી,તા.૦૧
સુરતના ડુમ્મસના કિનારેથી દરિયામાં ખેંચી ગયેલા મોતને ૧૪ વર્ષીય કિશોરે વિઘ્નહર્તાની વિસર્જિત મૂર્તિના અવશેષોને સહારે હરાવી નવજીવન મેળવ્યુ છે. સતત ૨૪ કલાક સુધી દરિયાના તોફાની મોજાઓ સાથે બાથ ભીડતા સુરતના લખનને નવસારીની નવદુર્ગા બોટમાં માછીમારોએ બચાવ્યો હતો અને ૧૨ કલાક બાદ આજે વહેલી સવારે ધોલાઈ બંદરે સુરક્ષિત પહોંચાડતા લખનના પિતાની આંખોમાંથી હર્ષના આંસુ વહી નીકળ્યાં હતાં. જ્યારે કિશોરને તાત્કાલિક ICU ઓન વ્હીલની મદદથી પ્રાથમિક તપાસ સાથે વધુ સારવાર અર્થે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

સુરતના ગોડાદરા સ્થિત આસપાસ નજીક રહેતા વિકાસ લાભુ દેવીપૂજકના બે દીકરા લખન, કરણ અને દીકરી અંજલિ તેમની દાદી સવિતાબેન સાથે ગત ૨૯ સપ્ટેમ્બરના રોજ સુરતના પાર્લેપોઈન્ટ સ્થિત અંબાજી મંદિરે દર્શને ગયા હતા. જ્યાંથી દાદી ત્રણેય બાળકોને લઈ ડુમ્મસના દરિયા કિનારે ફરવા લઈ ગયા હતા. દરિયા કિનારે પહોંચતા જ ૧૪ વર્ષીય લખન અને ૧૧ વર્ષીય કરણ સવિતા દાદીની સૂચનાને નકારી દરિયામાં નાહવા પડ્યા હતા. પરંતુ બપોરના ૧થી ૨ ના સમયગાળામાં દરિયામાં ભરતી શરૂ થતાં લખન અને કરણ બંને ભાઈઓ દરિયામાં ખેંચાવા લાગ્યા હતા. જેમાં નજીકમાં ઉભેલા લોકોએ કરણને હાથ પકડી બચાવી લીધો હતો. પણ લખન દરિયાના મોજામાં ખેંચાઈને લાપતા બન્યો હતો. ઘટનાની જાણ થતા દાદી સહિત પરિવારજનોમાં શોક ફેલાયો હતો. સ્થાનિક પોલીસ અને સુરત ફાયરને જાણ કરતા કરણની શોધખોળ આરંભી હતી. પણ દરિયાના ઉછળતા તોફાની મોજામાં લખન મળ્યો ન હતો. બીજી તરફ લખનનાં પિતા વિકાસ સમાજના આગેવાન સુરેશ વાઘેલાની મદદ લઈ દીકરાને શોધવા માટેના તમામ પ્રયાસો કર્યા હતા. પણ તેમને નિરાશા જ મળી હતી. જાે કે, વિકાસ ૨૪ કલાક દરિયા કિનારે રહી દીકરાનો મૃતદેહ પણ મળી જાય એવી આશા સેવી રહ્યા હતા. ત્યારે જ ચમત્કાર થયો અને દરિયામાં લખન જીવિત બચ્યો હોવાના સમાચાર મળતા જ પિતા વિકાસ સહિત પરિવારજનોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.

લખન શનિવારની મોડી રાતે નવસારીના ધોલાઈ બંદરે આવશે એવી જાણ થતા જ પિતા વિકાસ સમાજના આગેવાન સુરેશ વાઘેલા સાથે ધોલાઈ પહોંચ્યા હતા. નવસારીના ભાટ ગામના માછીમાર રસિક ટંડેલ તેમની ૭ ખલાસીઓની ટીમ સાથે ૫ દિવસોથી દરિયો ખેડીને દરિયાઈ મેવો મેળવી રહ્યા હતા. રસિક ટંડેલની બોટ શનિવારે બપોરે નવસારીના કિનારેથી ૧૮ નોટિકલ માઈલ એટલે કે, અંદાજિત ૨૨ કિમી અંદર હતી. ત્યારે વિસર્જિત ગણેશજીની પ્રતિમાના અવશેષ ઉપર કોઈક બાળક બેઠો હોય અને બચાવવા માટે હાથ કરી રહ્યો હોવાનું જણાયું હતું. જાણે દરિયામાં મોતના મુખમાંથી વિઘ્નહર્તાએ જ લખનને બચાવી નવજીવન આપ્યું હોય એમ રસિકે તેમની બોટ વિસર્જિત ગણપતિના અવશેષ પર બેઠેલા લખન નજીક લઈ જઈ તેને દોરડાની મદદથી બચાવી લીધો હતો.

૨૪ કલાકથી દરિયાની તોફાની લહેરો વચ્ચે જીવન ટકાવી રહેલો લખન ઘણો ગભરાઈ ગયો હતો. જેથી રસિકે પ્રથમ તેને પાણી આપ્યા બાદ ચા અને બિસ્કીટ ખવડાવ્યા હતા. બાદમાં તેને હિંમત આપી થોડા સમય માટે સુવડાવી દીધો હતો. લખન જ્યારે નોર્મલ થયો, ત્યારે દરિયામાં કેવી રીતે આવ્યો અને પરિવારજનોની માહિતી મેળવી હતી. બાદમાં રસિકે ગામના જ એક અન્ય માછીમારને જાણ કરી, લખન મળ્યાની જાણ મરીન પોલીસને કરવા જણાવ્યું હતું. પોલીસને ઘટનાની જાણ થતા જ તાત્કાલિક મોતને માત આપનાર લખનના પિતાને જાણ કરતા જ દીકરાના મૃતદેહને શોધતા પિતા વિકાસના જીવમાં નવી ઊર્જાનો સંચાર થયો હતો અને આંખોમાં અઢળક આંસુ સાથે ચહેરા પર ખુશી ફેલાઈ હતી. બીજી તરફ શનિવારે રાતે દોઢ વાગ્યા સુધીમાં ધોલાઈ બંદરે આવનારી રસિક ટંડેલની નવદુર્ગા બોટ આજે મળસ્કે ૪ઃ૩૦ વાગ્યે બંદરે પહોંચી હતી. જ્યાં લખન બંદરે ઉતરતા જ પિતા વિકાસે તેને ગળે લગાડી લાગણીઓના ઘોડાપૂર સાથે હેત વરસાવ્યું હતું.

સુરતના ડુમ્મસના દરિયામાં ડૂબીને લાપતા થયેલો લખન દેવીપૂજક દરિયામાં જીવતો મળ્યો હોવાની જાણ થતાં નવસારીની મરીન પોલીસ સાથે જિલ્લા પોલીસ તંત્ર પણ સતર્ક થયુ હતું. જિલ્લા પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલ તેમની ટીમ સાથે રાતે ૧૨ વાગ્યે ધોલાઈ બંદરે પહોંચ્યા હતા. સાથે જ લખન બંદરે પહોંચે, ત્યારે એને યોગ્ય સારવાર મળી રહે એ હેતુથી ICU ઓન વ્હીલની વ્યવસ્થા કરી હતી. ડૉ. શાલીન પરીખ તેમની ૫ સભ્યોની ટીમ સાથે ધોલાઈ બંદરે પહોંચ્યા હતા. જેમાં કિશોર દરિયામાં ૩૬ કલાક જેટલો સમય રહ્યો હોવાથી શરીરના ટેમ્પ્રેચર માટે બોડી વોર્મર, વેન્ટિલેટર સાથે જ જરૂરી દવાઓ લાવ્યા હતા. જ્યારે લખન બંદરે ઉતર્યો કે, તરત જ એને એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ એને વોર્મર સાથે ગરમ ધાબળો ઓઢાડી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

લખન દરિયામાંથી મળ્યો હોવાની જાણ થયા બાદ નવસારી પોલીસ પણ હરકતમાં આવી હતી અને જિલ્લામાં પોલીસ અધિકારીઓ લખન સુરક્ષિત બહાર આવે એના પ્રયાસોમાં આજે મળસ્કે સુધી ખડે પગે રહ્યા હતા. લખન સુરક્ષિત બંદરે આવ્યા બાદ એના સ્વાસ્થયની તકેદારી રાખી તેને પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા હાથ ધરાશે.

જીવન અને મોત ઉપરવાળાના હાથમાં છે… આ ઉક્તિને ૧૪ વર્ષીય લખને ૩૬ કલાક દરિયા સાથે બાથ ભીડીને સાબિત કરી બતાવી છે. જાે કે, લખન દરિયામાં ડૂબ્યો ત્યારથી જીવતો હોવાની જાણ અને બંદરે સુરક્ષિત બહાર આવ્યો ત્યાં સુધી અનેક લોકોએ એના જીવનને સુરક્ષિત રાખવા અથાગ પ્રયાસો કર્યા હતા, તેઓએ પણ કુદરતના ચમત્કાર સામે દંડવત કરી આનંદ વ્યક્ત કર્યો હતો.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *