Safeer News

Breaking News from Ahmedabad

કોરોના

મ્યૂકરમાઈકોસિસના ગુજરાતમાં કેમ વધુ કેસ નોંધાય છે ? નિષ્ણાતોએ કાઢ્યા તારણો

અમદાવાદ

બીજા દેશોની સરખામણીમાં કોરોના પછી થતાં મ્યૂકરમાઈકોસિસના કેસોની સંખ્યા ભારતના કેટલાક રાજ્યોમાં વધારે છે. આમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે જ્યાં હાલ મ્યૂકરમાઈકોસિસના 600 દર્દીઓ સારવાર હેઠળ છે. શા માટે આપણા રાજ્યમાં અન્ય રાજ્યોની સરખામણીમાં આ ફંગલ ઈન્ફેક્શનના વધુ કેસ જોવા મળી રહ્યા છે? નિષ્ણાતોનું માનીએ તો, ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા, વિવેક રાખ્યા વિના સ્ટીરોઈડ્સનો ઉપયોગ તેમજ કોરોનાની સારવાર દરમિયાન મોં અને નાકના હાઈજિન પ્રત્યે બેદરકારી આ પાછળના મુખ્ય કારણો છે. શહેરના સિનિયર ENT સર્જન ડૉ. રાજેશ વિશ્વકર્માએ કહ્યું, “ગુજરાતને ડાયાબિટીસનું કેપિટલ કહેવાય છે. કોવિડ મહામારી પહેલા અમારી પાસે ફંગલ ઈન્ફેક્શન સાથે આવતા દર્દીઓ ડાયાબિટીસના હતા. કોરોના આ સ્થિતિને બદ્તર તો બનાવે જ છે સાથે મેડિકલ હિસ્ટ્રી ના ધરાવતા દર્દીઓનું બ્લડ શુગર લેવલ પણ વધારી દે છે. સામાન્ય રીતે રસોડાના કચરા અને સડેલા લાકડા પરથી મળી આવતું આ ફંગસ સૂક્ષ્મદર્શી બીજકણ તરીકે શરીરમાં પ્રવેશે છે અને ઈમ્યૂનિટી નબળી હોય ત્યારે ફલન કરીને વૃદ્ધિ કરે છે.”ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ENT સર્જન ડૉ. નીરજ સૂરીએ કહ્યું, “બીજું એક પરિબળ છે નાક અને મોંની સ્વચ્છતા પ્રત્યે બેદરકારી. જ્યારે દર્દીઓ વેન્ટિલેટર કે બાયપેપ મશીન પર હોય છે ત્યારે કોગળા કરાવામાં નથી આવતા. આ કારણે ફંગસને ફેલાવાનો મોકો મળે છે. શ્વાચ્છોશ્વાસમાં સહાયક ડિસ્ટિલ વૉટરને ક્યારેક બદલવામાં નથી આવતું જેના કારણે નાકની સ્વચ્છતા જળવાતી નથી. કોવિડ પેશન્ટ માટે વપરાતા મેડિકલના સાધનોની નિયમિત સફાઈ થવી જોઈએ.”કોરોના ઈન્ફેક્શનની શરૂઆતમાં સ્ટીરોઈડ્સનો અવિચારી ઉપયોગ પણ આ ફંગલ ઈન્ફેક્શન પાછળનું એક કારણ છે, તેમ શહેરના વધુ એક ENT સર્જન ડૉ. રૂચિર શાહનું કહેવું છે. “અમે જોયું છે કે, જે-તે દર્દીની સ્થિતિને આધારે તેને જે દવાઓ લખી આપવામાં આવી હોય તે વોટ્સએપ જેવા પ્લેટફોર્મ પર સર્ક્યુલેટ કરવામાં આવે છે. પરંતુ આ બંધ થવું જોઈએ કારણકે સ્ટીરોઈડ્સ બધા માટે યોગ્ય નથી. ગત લહેરની સરખામણીએ આ વખતે સ્ટીરોઈડ્સનો ઉપયોગ ઘણો વધી ગયો છે. હાલ પુખ્તવયના દરેક જૂથમાંથી મ્યૂકરોમાઈકોસિસના દર્દીઓ આવી રહ્યા છે.”શહેરના નિષ્ણાતોનું કહેવું છે કે, ફંગલ ઈન્ફેક્શનની દવાઓની અછતના કારણે ઘણી હોસ્પિટલો દર્દીઓને ના પાડી દે છે અથવા તો સરકારી હોસ્પિટલોમાં મોકલે છે. નિષ્ણાતોના મતે, કોવિડ હોસ્પિટલમાંથી રજા લીધા બાદ દર્દીઓએ બ્લડ શુગર નિયમિત ચેક કરવું જોઈએ. ફંગલ થઈ રહ્યું હોય તેવા કોઈપણ લક્ષણ દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *