Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : ફતેવાડી વિસ્તારમાંથી નકલી ડોક્યુમેન્ટ બનાવી આપતાં શખ્સની ધરપકડ

આધાર કાર્ડ, ૩૦ જેટલા નકલી ઇલેક્ટ્રિક બિલ, જન્મ અને મરણના દાખલા સહિત અન્ય ડોક્યુમેન્ટ મળી આવ્યાં

અમદાવાદ,
શહેરમાંથી નકલી ડોક્યુમેન્ટ બનાવતા એક આરોપીની સાયબર ક્રાઈમ બ્રાંચે અમદાવાદના ફતેવાડી વિસ્તારમાંથી ધરપકડ કરી છે.

અમદાવાદ સાયબર ક્રાઇમને એક બાતમી મળી હતી કે, શહેરના ફતેવાડી વિસ્તારમા એઝાઝ ખાન પઠાણ નામનો વ્યક્તિ ઇલેક્ટ્રિકની દુકાનમાં કમ્પ્યુટર લઈને નકલી ડોક્યુમેન્ટ બનાવી રહ્યો છે. જેને લઇને સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ કરતા તેની ઓફિસમાંથી નકલી ડોક્યુમેન્ટ સાથે તેની ધરપકડ કરી હતી. ધરપકડ દરમિયાન ૩૦ જેટલા નકલી ઇલેક્ટ્રિક બિલ અને આધાર કાર્ડ જન્મ અને મરણના દાખલા સહિત જેવા અન્ય ડોક્યુમેન્ટ મળ્યા હતા.

આરોપી એઝાઝ ખાન પઠાણ ધોરણ ૧૦ ભણેલો છે પરંતુ પહેલાથી જ કમ્પ્યુટર પર કામ કરતો હતો. પહેલા સ્વિગી કંપનીમાં તે ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે કામ કરતો હતો અને સાથે તે યુટયુબ અને સોશિયલ મીડિયામાં વેબસાઈટ પરથી નકલી ડોક્યુમેન્ટ બનાવતા શીખ્યો હતો. જે લોકોને લોન લેવા માટે જરૂરી ડોક્યુમે્‌ટ્‌સ ખૂટતા હોય તેવા લોકોને બનાવટી નકલી ડોક્યુમેન્ટ બનાવી આપતો હતો. લોકોની જરૂરિયાતની મુજબ ડોક્યુમેન્ટ્‌સ બનાવવા અંગે રૂપિયા લેવામાં આવતા હતા.

સાયબર ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ૧૦૦ જેટલા ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અને લાઇટબીલની સાથે સાથે બનાવટી પાનકાર્ડ પણ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા ૭ મહિનાથી બનાવટી ડોક્યુમેન્ટ બનાવતા આ વ્યક્તિએ અન્ય કેટલા લોકોને ખોટા ડોક્યુમેન્ટ્‌સ બનાવીને લોન મેળવી છે. તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે. સાથે તેની મદદ કરનારાઓ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

 

(GNS)