અમદાવાદ,
અમદાવાદ જિલ્લાની ચાંગોદર પોલીસે એક ૨૮ વર્ષીય યુવક અને તેના માતા પિતાની ધરપકડ કરી છે. આ યુવક પર આરોપ છે કે તેણે લગ્નની લાલચ આપીને પોતાની મંગેતર સાથે છ મહિના સાથે રહી રેપ કરતો રહ્યો. બાદમાં લગ્નની ના પાડી દીધી. જે બાદ પીડિતાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

સાણંદમાં રહેતી પીડિતાએ ફરિયાદ નોંધાવી છે કે, આઠ મહિના પહેલાં તેણે મોરૈયા ગામમાં આવેલી એક ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરીંગ ફેક્ટરીમાં નોકરી શરૂ કરી હતી. ત્યારે સરખેજમાં રહેતા આ યુવક સાથે મુલાકાત થઈ હતી. રોજની મુલાકાત પ્રેમમાં પરિણમી અને બાદમાં ગઈ બીજી ફેબ્રુઆરીએ તેમની સગાઈ પણ થઈ ગઈ. સગાઈ થયા પછી પીડિતાનો મંગેતર સતત સાણંદ તેના ઘરે આવતો હતો. ગયા ફેબ્રુઆરી મહિનામાં યુવકનો તેના માતા-પિતા સાથે વિવાદ થઈ ગયો. એટલે તે પીડિતાના ઘરે રહેવા માટે આવી ગયો. પીડિતાનો આરોપ છે કે, જ્યારે તેનો મંગેતર તેના ઘરે રોકાયો ત્યારે તેણે વારંવાર તેનો રેપ કર્યો અને કહેતો હતો કે, આપણે જલ્દી પરણી જઈશું. પીડિતાનું કહેવું છે કે, તેનો મંગેતર છ મહિના સુધી તેના ઘરે રહ્યો અને તેની સાથે શારીરિક સુખ માણતો રહ્યો. લગભગ પંદર દિવસ પહેલાં તેના માતા-પિતા સાથે ચાલી રહેલા વિવાદનો અંત આવતા તે તેના ઘરે રહેવા જતો રહ્યો.

બે અઠવાડિયા પહેલાં તેનો મંગેતર તેને મળવા આવ્યો અને કહ્યું કે, તે તેની સાથે લગ્ન નહીં કરી શકે અને આ સંબંધ તોડવો પડશે. પછી પીડિતાએ મંગેતરના માતા-પિતાને વાત કરી તો તેમણે આપઘાત કરવાનું કહ્યું. જેના કારણે મનમાં લાગી આવતા પીડિતાએ ૮ ઓગસ્ટના રોજ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એટલે સારવાર માટે તેને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણે પોલીસને પોતાનું નિવેદન આપ્યું હતું. ચાંગોદર પોલીસે બાદમાં રેપનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ તેના માતા-પિતાની પણ પૂછપરછ હાથ ધરી છે.

(જી.એન.એસ.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here