( આઝાદીનો અમૃત મહોત્સવ વિશેષ)

૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવેલી

અમદાવાદ,

હમણાં જ થોડા સમય પહેલાં આપણે દેશના ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી અને હવે આખું વર્ષ આપણે દેશની આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવવાના છીએ. આ પ્રસંગે દેશને સ્વતંત્રતા અપાવનાર અનેક નામી અનામી શહીદો, સ્વાતંત્ર્યવીરને યાદ કરવા જરૂરી છે. આવા જ એક પ્રબુદ્ધ સ્વાતંત્ર્યવીર હતા ફઝલ-એ-હક ખૈરાબાદી. ૨૦ ઓગસ્ટ તેમની ૧૬૧મી પુણ્યતિથી છે. દેશને આઝાદ કરવાની શરૂ થયેલી મહત્વની ચળવળો પૈકીની એક એવા ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

ફઝલ-એ-હકનો જન્મ ૭ એપ્રિલ ૧૭૯૬ના રોજ ઉત્તરપ્રદેશના સીતાપુર જિલ્લામાં આવેલા ખૈરાબાદમાં થયો હતો. ૧૮૨૮માં તેઓ શિક્ષક તરીકે નિમાયા. તેમની કઝા વિભાગમાં મુફ્તી તરીકે નિમણૂક થઈ. તેમને કંપની સરકાર સામે “ફતવા” જારી કરવા માટે હંમેશા યાદ કરવામાં આવશે.

જ્યારે ભારતમાં સ્વાતંત્ર્યની ચળવળ શરૃ થઈ ત્યારે તેમણે દિલ્હીના બાદશાહ બહાદુરશાહ ઝફર સાથે મે ૧૮૫૭ સુધીમાં ઘણી બેઠકો કરી અને રણનીતિ ઘડી કાઢી. જ્યારે જનરલ બખ્તખાન ૧૪,૦૦૦ સૈનિકોનું દળકટક લઈને બરેલીથી દિલ્હી પહોંચ્યા ત્યારે ફઝલ- એ- હકે શુક્રવારની નમાઝ પછી ઉલેમાની સામે એક જુસ્સાદાર ભાષણ આપ્યું અને અંગ્રેજ સરકાર સામે ફતવો જારી કર્યો. આ ફતવા પર મુફતી સદરુદ્દીન આઝરૂર્દા, મૌલવી અબ્દુલ કાદિર, કાઝી ફૈઝુલ્લાહ દહેલવી, મૌલાના ફૈઝ અહમદ બદાયુની, ડૉ. મૌલવી વઝીર ખાન અને સૈયદ મુબારકશાહ રામપુરીએ સહીઓ કરી હતી.

આ ફતવો જારી થતા જ અંગ્રેજો વિરુદ્ધ દેશભરમાં વાતાવરણ ગરમ બન્યું અને કંપની સરકારને પોતાના હિતો જાળવવા નેવું હજારનું સૈન્ય ખડકી દેવું પડ્યું. આજ કારણોસર કંપની સરકારે ફઝલ-એ-હકની ધરપકડ કરી અને તેમને ૮ ઓક્ટોબર ૧૮૫૯ના રોજ કાળાપાણીની સજા ફરમાવવામાં આવી. તેઓ બે વર્ષ આંદામાનની જેલમાં રહ્યા અને ૨૦ ઓગસ્ટ ૧૮૬૧ના રોજ તેમનું અવસાન થયું.

ફઝલ-એ-હક અત્યંત મેધાવી વ્યક્તિત્વ હતા. તેઓને સમગ્ર કુરાન મુખપાઠ હતું. ધાર્મિક બાબતોમાં ફતવા જારી કરવામાં તેઓને અંતિમ સત્તા માનવામાં આવતા હતા. તેમને ” ઇમામે હિકમત ઓર કલામ” ( તર્ક, ફિલોસોફી અને સાહિત્યના ઇમામ)નો ખિતાબ આપવામાં આવ્યો હતો. સાહિત્યકાર અને વિદ્વાન તરીકે તેમનુ ઉર્દુ સાહિત્યમાં અનેરું પ્રદાન છે તેમણે રિસાલાએ “સૌરાતુલ હિન્દિયા” અરેબિક ભાષામાં લખ્યું હતું. તેમના વારસદારોએ બાદમાં સાહિત્ય અને મનોરંજન જગતમાં નામના મેળવી હતી. તેમના પુત્ર અબ્દુલ હક પણ અરેબિક વિદ્વાન હતા. તેમને “શમસુલ ઉલેમા”નો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેમના પૌત્ર મુઝતર ખૈરાબાદી જાણીતા ઉર્દૂ કવિ હતા, તો તેમના પૌત્ર જાંનિસાર અખ્તર એક અચ્છા ગીતકાર હતા. આજના સુપ્રસિદ્ધ ગીતકાર, શાયર જાવેદ અખ્તર અને તેમના સંતાનો ફરહાન અને ઝોયા એમના જ વંશવારસદારો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here