દશામાની મૂર્તિનું ઘરમાં જ વિસર્જન કરવાનું રહેશે
અમદાવાદ,

અમદાવાદમાં વર્ષોથી આસ્થા અને શ્રદ્ધા સાથે દર વર્ષે યોજાતા તાજીયા જુલુસને આ વર્ષે પણ કોરોના મહામારીના કારણે નહી કાઢવાનો ર્નિણય લેવાયો હોવાનું આજે અમદાવાદ શહેર પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ જેસીપી પ્રેમવીરસિંહ, સેકટર ૧ JCP આર.વી અસારી અને તમામ ઝોનના DCP સાથે મહોરમ તાજીયા કમિટિએ બેઠક કરી હતી. જેમાં ૧૯ ઓગસ્ટના રોજ મોહરમના દિવસે અમદાવાદ શહેરમાં તાજીયાનું જુલુસ ન કાઢવાનો મોહરમ તાજીયા કમિટી અને પોલીસે ર્નિણય લીધો છે. કોરોના તેમજ સરકારની લોકોને ભેગા નહીં થવાની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખી જુલુસ નહીં કાઢવાનો ર્નિણય લીધો હોવાનું જણાવવામાં આવ્યું હતું.

સેકટર ૧ JCP આર.વી અસારીએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારી અત્યારે વિશ્વમાં ચાલી રહી છે અને તેમાં ગાઇડલાઇનનું પાલન કરવું જરૂરી છે. કોરોના મહામારીમાં અમદાવાદના નાગરિકોએ દરેક તહેવારમાં સરકારના વહીવટી તંત્ર અને પોલીસને સાથ આપ્યો છે. ત્યારે આ વર્ષે પણ મોહરમ તહેવાર દરમ્યાન તાજીયાના જુલુસ ન કાઢવાનો ર્નિણય તાજીયા કમિટીએ લીધો છે. ક્રાઈમ બ્રાન્ચ JCP પ્રેમવીર સિંહે જણાવ્યું હતું કે આ વર્ષે મન્નતના તાજીયા હોય કે કોઈપણ તાજીયાનું જુલુસ જાહેરમાં કાઢવામાં નહિ આવે. તાજીયાનું એક જ સ્થળે સ્થાપન કરી અને ત્યાં જ ઠારવાના રહેશે.

આ ઉપરાંત દશામાના તહેવાર દરમ્યાન પણ કોઈપણ વ્યક્તિએ જાહેરમાં સરઘસ કે જુલુસ કાઢી મૂર્તિનું વિસર્જન કરવાનું રહેશે નહીં. દરેક લોકોને અપીલ છે કે તેઓએ ઘરમાં જ મૂર્તિનું સ્થાપન કરી અને ઘરે જ વિસર્જન કરવાનું રહેશે. નદીમાં કે તળાવમાં ક્યાંય વિસર્જન કરવાનું રહેશે નહીં. જાહેરમાં આ રીતે મનાઈ હોવા છતાં કોઈ સરઘસ કે જુલુસ કાઢી અને વિસર્જન કરશે તો તેઓ સામે એપેડમિક એકટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here