Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

ગાઝામાં ઈઝરાયેલના હુમલામાં એક જ પરિવારના ૧૪ લોકો માર્યા ગયા, જેમાં ૨ નવજાત શિશુ પણ સામેલ

રડતી માતા રાનિયાએ કહ્યું “હવે હું કેવી રીતે જીવિત રહીશ..? અમે બધા સૂતા હતા, અમે લડતા પણ નહોતા, મારા બાળકોનો શું વાંક હતો..?”

ગાઝાપટ્ટી,તા.૦૪
ગાઝામાં ઈઝરાયેલના હુમલાઓ અટકી રહ્યા નથી, ઉલટું તે વધુ ભયાનક બની રહ્યા છે. તાજેતરમાં, ઇઝરાયેલી સેનાએ ગાઝાના રફાહ શહેરમાં રાતોરાત હવાઈ હુમલા અને બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં એક જ પરિવારના ૧૪ લોકોના મોત થયા હતા, જેમાં ૨ નવજાત શિશુનો પણ સમાવેશ થાય છે.

૭ ઓક્ટોબરે હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયાના થોડા દિવસો બાદ રાનિયા અબુ અંજાએ જાેડિયા બાળકોને જન્મ આપ્યો હતો. તાજેતરમાં જ ઈઝરાયેલની સેનાએ રફાહમાં એક ઘર પર હવાઈ હુમલો કર્યો હતો, જેમાં એક પરિવારના ૧૪ લોકો માર્યા ગયા હતા. માર્યા ગયેલા તમામ ૧૪ લોકોમાંથી ૫ બાળકો હતા, જેમાંથી ૨ શિશુ હતા. અંતિમવીધિ દરમિયાન રાનિયાએ જણાવ્યું કે, તેણે લગ્નના ૧૧ વર્ષ બાદ આ બાળકોને જન્મ આપ્યો હતો.

આ હુમલામાં રાનિયાના પતિનું પણ મોત થયું હતું. ૩ માર્ચે તેમના પરિવારના ૧૪ સભ્યોની દફનવિધી કરવામાં આવી હતી. આ દરમિયાન રાનિયા તેના બેમાંથી એક બાળકને છાતીએ વળગી રહી હતી. આ દ્રશ્ય ત્યાં હાજર દરેકને અંદરથી તોડી નાખતું હતું. બંને નવજાત એક છોકરો અને એક છોકરી હતા, બંનેના નામ વેસમ અને નઈમ અબુ અંજા હતા. સફેદ કફનમાં લપેટાયેલા બે બાળકોમાંથી એક માતાના ખોળામાં હતો, તે વારંવાર તેના માથા પર પંપાળી રહી હતી અને બીજું ત્યાં હાજર વ્યક્તિના ખોળામાં હતું, કફનની નીચેથી બાળકના કપડાં દેખાતા હતા.

રાનિયા વારંવાર રડી રહી હતી, ત્યાં હાજર લોકો તેને સાંત્વના આપી રહ્યા હતા. જ્યારે બાળકોને દફનાવવાનો સમય આવ્યો અને તેની પાસેથી બાળકોની માંગણી કરવામાં આવી ત્યારે તેણે આપવાનો ઇનકાર કરી દીધો અને નીચા અવાજે કહ્યું કે, તેમને મારી સાથે છોડી દો. શોક સમયે હાજર સ્વજનોએ જણાવ્યું કે, ૪ મહિના પહેલા જ આ બાળકોનો જન્મ થયો છે અને આવું થયું. રાનિયાએ કહ્યું “હવે હું કેવી રીતે જીવિત રહીશ..?” તેણે કહ્યું કે, “અમે બધા સૂતા હતા, અમે લડતા પણ નહોતા, તે બાળકોનો શું વાંક હતો.”

હુમલામાં માર્યા ગયેલા પરિવારના તમામ સભ્યોને બ્લેક બોડી બેગમાં પેક કરીને એક લાઈનમાં રાખવામાં આવ્યા હતા. બધા મૃતદેહને ગળે લગાવીને રડી રહ્યા હતા. એક માણસ માસૂમ બાળકના મૃતદેહને વળગીને રડી રહ્યો હતો, જ્યારે બાકીના તેને સાંત્વના આપી રહ્યા હતા. રાનિયાએ કહ્યું કે, “તેને આશા છે કે આવતા પવિત્ર રમઝાન મહિના પહેલા યુદ્ધવિરામ થઈ જશે.” ગાઝાના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલી સૈન્ય હુમલામાં ગાઝામાં ૩૦,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા છે, વિસ્તારને તબાહ કરી દીધો છે અને તેની મોટાભાગની વસ્તીને ઉથલાવી દીધી છે.

 

(જી.એન.એસ)