Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

સુરતનો ૧૦૦ ટકા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી કોઈપણ મદદનીશ વગર કોમ્પ્યુટર પર પરીક્ષા આપશે

કોઈના પર ર્નિભર ન રહેવું પડે આ હેતુથી તેણે કોઈપણ સહાયકની મદદ વગર પરીક્ષા આપવા માટે ટેકનોલોજીની મદદ લીધી.

સુરત,તા.૧૦
સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત સુરતનો ૧૦૦ ટકા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી કોઈપણ મદદનીશ વગર કોમ્પ્યુટર પર પરીક્ષા આપવા જઈ રહ્યો છે. ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા આપનાર ગુજરાતમાંથી આ એકમાત્ર પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી હશે. જે માર્ચ મહિનામાં યોજાનારી પરીક્ષામાં ઓનલાઈન મોડમાં બેસશે.

વિદ્યાર્થી આનંદ ભાલેરાવ સુરતની અંધજન મંડળ સંચાલિત અંબા બેન મગનલાલ અંધજન સ્કૂલમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરે છે. આનંદ જ્યારે સાતમા ધોરણમાં ભણતો હતો ત્યારે તેણે મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું, ત્યારબાદ તેણે બંને આંખોની દ્રષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી દીધી હતી. પરંતુ આ નબળાઈ આનંદ માટે જીવનભરની નબળાઈ બની શકે છે. તેથી આનંદે તેની દૃષ્ટિને તેના જીવનના માર્ગમાં આવવા ન દીધી. અન્ય પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી કરતા તેણે ટેકનોલોજીના ઉપયોગથી પરીક્ષા આપવાનો નક્કી કર્યું અને શાળાએ તેની મદદ કરી. બંને આંખથી દેખાતું નથી પરંતુ સામાન્ય વ્યક્તિની જેમ આનંદ સામાન્ય કમ્પ્યુટર કીબોર્ડ પર ઝડપથી ટાઈપ કરી શકે છે.

મૂળ મહારાષ્ટ્રના આનંદના પિતા મજૂરી કામ કરે છે, જેથી તે અંધજન શાળાના હોસ્ટેલમાં રહીને ધોરણ ૧૨ની તૈયારી કરે છે. કોઈના પર ર્નિભર ન રહેવું પડે આ હેતુથી તેણે કોઈપણ સહાયકની મદદ વગર પરીક્ષા આપવા માટે ટેકનોલોજીની મદદ લીધી. આનંદ જણાવે છે કે, નાનપણથી જ તેને દેખાતું નથી, જીવનમાં તે આગળ વધવા માંગે છે, પરંતુ કોઈની મદદ વગર. આ સૂત્ર સાથે તેણે નક્કી કર્યું હતું કે, બોર્ડની પરીક્ષામાં પણ તે કોઈ પણ સહાયક વગર પરીક્ષા આપશે. શાળામાં જે ટેકનોલોજીથી ભણાવવામાં આવે છે તે ટેકનોલોજીથી ભણવાની શરૂઆત કરી.

આનંદ જણાવે છે કે, “પરીક્ષા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે હવે ટાઈપિંગ પર ફોકસ કરી રહ્યો છું. કારણ કે, ટાઈપિંગ સ્પીડ સારી હશે તો જ સમયસર તમામ સવાલોના જવાબ લખી શકીશ. મારા પિતા મજૂરી કરે છે તેમના જીવનમાં આજે રંગ નથી તે રંગ આપવા માગું છું, હું સોફ્ટવેર એન્જિનિયર બનવા માંગુ છું. જેથી મારી જેમ અન્ય વિદ્યાર્થીઓ પણ વગર કોઈ સહાયક પરીક્ષા આપે અને ર્નિભર બને.”

અંધજન શાળાના આચાર્ય મનીષા ગજ્જરએ જણાવ્યું હતું કે, આનંદે શાળામાં ઉપલબ્ધ ટેક્નિકલ ટેક્નોલોજી દ્વારા અભ્યાસ શરૂ કર્યો. હવે તે કોઈપણ આસિસ્ટન્ટ વગર સીધા જ કોમ્પ્યુટરમાં તેના જવાબો લખી શકે છે. આથી તેને આવનારી બોર્ડની પરીક્ષામાં આસિસ્ટન્ટ લેવાની જરૂર નથી. આનંદે પોતે જ જવાબ લખ્યો હતો. બોર્ડે કહ્યું છે કે, તેઓ આ વખતે પરીક્ષામાં કોઈપણ સહાયક વિના હાજર રહેશે. ત્યારબાદ ગુજરાત બોર્ડે તેમની માંગણી સ્વીકારી છે.

આનંદ ગુજરાતનો પ્રથમ વિદ્યાર્થી હશે જે વિકલાંગ વ્યક્તિ હોવાને કારણે કોઈ પણ મદદનીશ વગર લેપટોપ કે, કોમ્પ્યુટર દ્વારા પરીક્ષા આપશે. સામાન્ય કીબોર્ડ પર તે સોફ્ટવેરના માધ્યમથી જે પણ શબ્દ ટાઈપ કરે છે તે સાંભળીને લખી શકે છે. ટોપ બેક નામનું સોફ્ટવેર છે, જેની મદદથી જે શબ્દ તેઓ કીબોર્ડ પર ટાઈપ કરે છે તે સાંભળીને લખી શકે છે. જે પ્રશ્નપત્ર મળશે તે એક્ઝામિનર તેને પ્રશ્ન વાંચીને બતાવશે અને ત્યારબાદ આ સોફ્ટવેરની મદદથી તે ઉત્તર લખશે.

 

(જી.એન.એસ)