Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

૨૫ વર્ષની મહિલાનો એક બિસ્કિટે જીવ લીધો, મૃત્યુનું કારણ સામે આવતા દરેકને આઘાત લાગ્યો

ડોકટરોના જણાવ્યા મુજબ, આ બિસ્કીટ ખાધા પછી તેને ગંભીર રિએક્શન થયું અને તે કોમામાં જતી રહી.

ન્યૂયોર્ક,તા.૨૭
ચા સાથે બિસ્કીટ ખાવાનું દરેક વ્યક્તિને પસંદ હોય છે. આ એક એવી વસ્તુ છે જે પુખ્તોથી લઈને બાળકો સુધી દરેકને ગમતી હોય છે. ઘણા લોકો ચાના એટલા શોખીન હોય છે કે, તેઓ બિસ્કિટ કે કૂકીઝ વગરની ચા પીતા નથી. પરંતુ શું તમે જાણો છો કે, જાે તમે બિસ્કિટ ખાઓ છો તો એક દિવસ અચાનક તમારું મૃત્યુ થઈ શકે છે. હાલમાં જ એક મહિલાની ઘટના સામે આવી છે. જેણે સૌને ચોંકાવી દીધા હતા.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, આ મામલો ન્યૂયોર્કનો છે. જ્યાં એક મહિલા બિસ્કીટ ખાધા બાદ કોમામાં ચાલી ગઇ હતી. સ્થિતિ એવી હતી કે, તેના શરીરના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. તે અઠવાડિયા સુધી જીવન અને મૃત્યુ વચ્ચે ઝૂલતી રહી અને અંતે તે મૃત્યુ પામી.

પ્રતિકાત્મક ફોટો

અંગ્રેજી વેબસાઈટ ન્યુયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ મૃત્યુ પામનાર મહિલાનું નામ ઓર્લા બેક્સેન્ડેલ છે. જે માન્ચેસ્ટરની રહેવાસી હતી અને તેની ઉંમર માત્ર ૨૫ વર્ષની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેને બિસ્કિટ ખાવાનો ખૂબ શોખ હતો, તે ઘણીવાર તેની ચા સાથે બિસ્કિટ ખાતી હતી, પરંતુ ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં તેણે બિસ્કિટ ખાધુ અને ગંભીર રીતે બીમાર થઈ ગઈ. જે બાદ ૧૧ જાન્યુઆરીએ તેનું અવસાન થયું હતું. જ્યારે તેના મૃત્યુનું કારણ સામે આવ્યું, ત્યારે દરેકને આઘાત લાગ્યો અને દરેકને તે જાણવું જાેઈએ…

તપાસ રિપોર્ટ અનુસાર, બક્સેન્ડેલે જે બિસ્કિટ ખાધું તેમાં મગફળીના ટુકડા હતા અને તેને મગફળીની એલર્જી હતી. ડોકટરોના જણાવ્યા મુજબ, આ બિસ્કીટ ખાધા પછી તેને ગંભીર રિએક્શન થયું અને તે કોમામાં જતી રહી. તેને એનાફિલેક્ટિક આંચકો કહેવામાં આવે છે. જેમાં જ્યારે આપણને એલર્જી હોય છે તે વસ્તુઓ આપણા શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે આપણી રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ ઝડપથી અને મોટી માત્રામાં એન્ટિબોડીઝ ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે જે આપણા શરીર માટે હાનિકારક છે. બૅક્સેન્ડેલ સાથે પણ એવું જ થયું અને આખરે તે મૃત્યું પામી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, બૅક્સેન્ડેલને આ એલર્જીની જાણ નહોતી અને તેણે આ બિસ્કિટ એક સુપર માર્કેટમાંથી ખરીદ્યા હતા, જેના પર સ્પષ્ટ રીતે લખ્યું નથી કે, તેમાં મગફળી પણ છે. જાે કે, આ બાબત પ્રકાશમાં આવતાં વિક્રેતાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 

(જી.એન.એસ),