અશોક કુમાર હંસદેવજી સાગઠિયા
સંપર્ક – ૯૪૨૬૨૪૯૬૦૧
અમદાવાદ,તા.૦૬
માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગણના દેશના સફળ વડાપ્રધાન તરીકે શા માટે થાય છે?
કારણ કે, તેઓ એ વડાપ્રધાન છે કે, જે ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન હતા. ઈતિહાસ સાક્ષી છે કે, ગુજરાતના જે ગવર્નર દેશના શાસક થયા છે, તે સફળ થયા છે.
બાદશાહ અકબરના લશ્કરે ૨૦મી નવેમ્બર સન ૧૫૭૦માં અમદાવાદમાં સાબરમતીના કિનારે પડાવ નાખ્યો અને ગુજરાત સર કર્યું તે પછી સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના અન્ય પ્રદેશોમાંથી તેની સત્તા સામે જબરદસ્ત પડકાર ઉભો થયો. બાદશાહ અકબરના પિતરાઈ ભાઈ અને ગવર્નર ખાન એ આઝમ મિર્ઝા અઝીઝ કોકલતાશે ભૂચરમોરી અને પાટણ તેમજ ગુજરાતના અન્ય પ્રદેશોમાંથી થયેલા બળવાઓને સખત હાથે કચડી અને મજબૂત વહીવટીતંત્રની સ્થાપના કરી. તેમની આ સફળતાથી તેમના સામર્થ્યમાં વિશ્વાસ મુકી અનુક્રમે બિહાર, બંગાળ અને દખ્ખણમાં ફરજો સોંપવામાં આવી, જે પણ તેમણે સુપેરે બજાવી. શહેનશાહ અકબર પછી શહેનશાહ જહાંગીરે તેમના જ્ઞાન, સામર્થ્ય અને અનુભવનો લાભ લીધો અને કહેવાય છે કે, તેમના કહેવાથી શાહજાદા ખુર્રમને રાજ્ય વહીવટ શીખવા માટે ગુજરાતના ગવર્નર તરીકે નિયુકત કર્યા. શાહજાદા ખુર્રમને તે પછી શહેનશાહ શાહજહાં તરીકે આપણે જાણીએ છીએ.
શહેનશાહ શાહજહાંના શાહજાદા ઔરંગઝેબ પણ શહેનશાહ તરીકે તખ્તનશીન થયા તે પહેલા ગુજરાત રાજ્યના ગવર્નર તરીકે સફળતાપૂર્વક કામગીરી બજાવી ચૂક્યા હતા. અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત રાજ્યના સફળ મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે.
સન ૧૬૨૨માં તે સમયના અમદાવાદના વાઈસરોય શાહજહાં દ્વારા અમદાવાદની ધોમધખતી ગરમીમાં પણ જ્યાં જતા પ્રમાણમાં ઘણા ખુશનુમા વાતાવરણનો અહેસાસ થાય છે તેવા સાબરમતી નદીના કાંઠે એક ખુલ્લી વિશાળ જગ્યામાં એક શાહી મહેલનું નિર્માણ તે સમયે પડેલા ભિષણ દુષ્કાળમાં લોકોને રોજગાર મળે તેવા હેતુથી પણ કરવામાં આવ્યું. આ મહેલની આસપાસ સુંદર બગીચાઓનું પણ નિર્માણ કરવામાં આવ્યું. આ બગીચાઓમાં સાયપ્રસ, દેવદાર, ખજૂર, ચંદન અને કેસીઆસ, કેરી, આમલી અને અન્ય દેશવિદેશમાં જોવા મળતા ફળઝાડો, સુંદર ફુવારા અને વહેતા ઝરણાં અનેક ફુલછોડ, વેલ અને અન્ય પણ અનન્ય સુંદર વસ્તુઓ વડે સજાવટ કરવામાં આવી. શહેરની શોભા સમાન આ બગીચાઓ સત્તરમી સદીમાં વિશ્વભરમાં પ્રખ્યાત હતા. આ સ્થળ ત્યારે મોતીશાહી મહેલ તરીકે ઓળખાતું હતું. ત્યાં શાહીબાગના બગીચા ઉપરાંત, થોડે આગળ શ્યામબાગ નામનો એક જૂનો બગીચો હતો, જેમાં પણ મોટા મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. શાહી હવેલીથી થોડે દૂર, સાબરમતી નદીના કિનારે ઝનાના (મહિલાઓ) માટે અલગ બગીચા, ફુવારાઓ અને સ્નાન કરી શકાય તેવી વ્યવસ્થા સાથેનો અલગ મહેલ હતો. તે સિવાય દરબારના અધિકારીઓ અને કર્મચારીઓ માટેના મકાનોનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું. સન ૧૮૭૫માં અતિવૃષ્ટિ થઈ અને નદીને શહેર તરફ દક્ષિણમાં પસાર થતી અટકાવવા માટે બાંધવામાં આવેલી પથ્થરની મજબૂત દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ. કાંઠાના વિસ્તારોમાં તેમજ શહેરમાં પુરથી ભારે તારાજી થઈ અને શાહીબાગ પણ તેમાંથી બચવા પામ્યો નહીં.
ભારતમાં બ્રિટિશ શાસન દરમ્યાન આ વિસ્તારને અમદાવાદ મિલિટરી કેન્ટોનમેન્ટ એરીયા તરીકે જાહેર કરવામાં આવ્યો અને મિલિટરી ઓપરેશન્સ માટેનું સંચાલન કેન્દ્ર બન્યું. સિવિલ સર્વિસના ઉચ્ચ અધિકારી વિલિયમ્સ દ્વારા મોતીશાહી મહેલનું પુન:નિર્માણ કરવામાં આવ્યું અને પછી તે શહેરના ઉચ્ચ અધિકારીઓનું તે સત્તાવાર નિવાસસ્થાન બન્યું. બંગાળી કવિ, લેખક અને ફિલસૂફ કવિવર રવીન્દ્રનાથ ટાગોરના મોટાભાઈ સત્યેન્દ્રનાથ ટાગોર સન ૧૮૭૮માં અમદાવાદમાં ICS અધિકારી હતા અને તેઓ આ મહેલમાં રહેતા હતા ત્યારે કવિવર રવીન્દ્રનાથ સત્તર વર્ષના હતા અને તેઓ ત્યાં તેમના મોટાભાઈ સાથે રહેતા હતા. તેમણે અહીં તેમની પ્રખ્યાત વાર્તા ક્ષુધિત પાષાણના શરૂઆતના પ્રકરણો લખ્યા તેમજ પ્રતિશોધ, અપ્સરા પ્રેમ અને લીલા નામની વાર્તાઓ લખી. તેમના પ્રથમ ગીતનું સ્વરાંકન કર્યું અને આમ ગુજરાતમાંથી રવિન્દ્ર સંગીતની શરૂઆત થઈ. આ બધી વિગતો કવિવર રવીન્દ્રનાથ ટાગોરે તેમની આત્મકથા જીવન સ્મૃતિમાં લખી છે.
આઝાદી પછી તે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ અને સન ૧૯૬૦થી ૧૯૭૮ સુધી તે રાજ્યપાલોનું સત્તાવાર નિવાસસ્થાન બન્યું. તે પછી તે સ્થળે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક અને સંગ્રહાલય બનાવવામાં આવ્યું અને ૭મી માર્ચ ૧૯૮૦ના રોજ જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.
નોંધ – વોલ્ટર કલોડના સંગ્રહમાંથી લીધેલો આ ઓગણીસમી સદીના અંતભાગે લેવામાં આવેલો મોતીશાહી મહેલનો આ ફોટોગ્રાફ ધ ટાઈમ્સ ગ્રુપના પુસ્તક Ahmedabad Nextમાંથી તેઓના ઋણસ્વીકાર સાથે મને ગમ્યો એટલે આપ સહુ માટે અહીં મુક્યો છે.
આપનો દિન શુભ રહે…
અશોક કુમાર હંસદેવજી સાગઠિયા
સંપર્ક – ૯૪૨૬૨૪૯૬૦૧