Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

સ્વીડનમાં “કુરાન”ની નકલ સળગાવવાને લઈને સમગ્ર વિશ્વમાં ખળભળાટ

ઈસ્લામની પવિત્ર પુસ્તક “કુરાન”ની નકલ સળગાવવાને લઈને ૫૭ ઈસ્લામિક દેશોએ ઈમરજન્સી બેઠક બોલાવી

અમેરિકા તરફથી કહેવામાં આવ્યું છે કે ધાર્મિક ગ્રંથોને બાળવી સારી વાત નથી અને આવી ઘટનાઓને સ્વીકારી શકાય નહીં.

સાઉદી અરેબીયા,

સ્વીડનમાં ઈસ્લામની પવિત્ર પુસ્તક “કુરાન”ની નકલ સળગાવવાને લઈને સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. બકરી ઈદના અવસર પર, એક વ્યક્તિએ મસ્જિદની બહાર આ ઘટનાને અંજામ આપ્યો હતો, જેના પછી તમામ ઇસ્લામિક દેશો સહિત યુરોપથી અમેરિકા સુધી વિરોધના અવાજાે ઉઠવા લાગ્યા.

હવે ૫૭ દેશોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો-ઓપરેશન (OIC)એ આ મામલે ઈમરજન્સી બેઠક યોજીને આંતરરાષ્ટ્રીય સમુદાયને કડક સંદેશ આપ્યો છે. ૨ જુલાઈના રોજ, OICના મહાસચિવ H.E. હુસૈન બ્રાહિમ તાહાએ સંગઠનની કાર્યકારી સમિતિની બેઠક બોલાવી હતી. આ બેઠક સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાઈ હતી. બેઠકમાં સંગઠનના મહાસચિવ તરફથી કહેવામાં આવ્યું હતું કે, બકરી ઈદના પહેલા દિવસે જ્યારે તમામ મુસ્લિમો ઈદની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. સંગઠનના મહાસચિવે સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં સેન્ટ્રલ મસ્જિદની બહાર બનેલી ઘટનાને ઘૃણાસ્પદ ગણાવી છે.

જનરલ સેક્રેટરી વતી, એવું કહેવામાં આવ્યું હતું કે, “કુરાન”ની નકલ સળગાવી અને પયગંબર મોહમ્મદનું અપમાન કરવું એ ઇસ્લામોફોબિયાની સામાન્ય ઘટના નથી. એટલા માટે આપણે સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાયને વારંવાર આંતરરાષ્ટ્રીય કાયદા વિશે યાદ અપાવવું જાેઈએ જેથી ધાર્મિક નફરતનું વાતાવરણ બંધ થઈ શકે. OICના આ નિવેદનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. કારણ કે, આ સંગઠનમાં ૫૭ ઈસ્લામિક દેશો સામેલ છે. તે વિશ્વનું સૌથી મોટું અને સૌથી પ્રભાવશાળી ઇસ્લામિક સંગઠન પણ માનવામાં આવે છે. જેમાં સાઉદી અરેબિયા, ઈરાન, તુર્કી, અફઘાનિસ્તાન, સીરિયા, ઈરાક, ઓમાન, પાકિસ્તાન અને કુવૈત જેવા દેશો સામેલ છે.

પવિત્ર પુસ્તક “કુરાન”ની નકલ સળગાવવાની ઘટના બાદ ઈરાન અને તુર્કી સહિત અન્ય ઈસ્લામિક દેશોએ આ ઘટના પર કડક પ્રતિક્રિયા આપી છે. તુર્કી પહેલાથી જ સ્વીડનનો નાટોમાં સામેલ થવાનો વિરોધ કરી રહ્યું છે અને હવે આ ઘટનાએ તેને વધુ આક્રમક બનાવી દીધું છે. ઈરાને પણ આ ઘટના માટે સ્વીડનની સરકારને જવાબદાર ઠેરવી છે અને સ્ટોકહોમમાં પોતાના રાજદૂતને મોકલવાનો ઈન્કાર કરી દીધો છે. તે જ સમયે, અમેરિકી વિદેશ મંત્રાલયે પણ આ ઘટનાને લઈને એક નિવેદન જાહેર કર્યું છે. અમેરિકા તરફથી કહેવામાં આવ્યું છે કે ધાર્મિક ગ્રંથોને બાળવી સારી વાત નથી અને આવી ઘટનાઓને સ્વીકારી શકાય નહીં.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *