Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

સોશિયલ મીડિયામાં ધૂમ મચાવનાર દંપતી “પારુ અને ગુરુ” વિશે જાણો ખાસ વાતો

એક વાર પારુલ ભાભીનો ફોન બગડી ગયો ત્યારે તેમને ગુરુભાઈનો ફોન લઈને ટિક ટોક એપ ડાઉનલોડ કરી અને તેઓએ વિડિયો આપણે પણ બનાવવા જોઈએ. તેવું વિચારીને વિડિયો બનાવ્યા.

અમદાવાદ,

હાલના સમયમાં ParuNguruને કોણ નથી જાણતું ! હાલના સમયમાં સોશિયલ મીડિયા સ્ટાર બની ચૂકેલા અને મિલિયનમાં જેમના વ્યુ આવે છે તેમના વ્યૂઅર તરીકે આપે તેમના કોમેડી વિડિયો તો ઘણા જોયા હશે પણ તમને જાણીને નવાઈ લાગશે કે, જે પતિ-પત્નીના વીડિયો જોઇને તમે પેટ પકડીને હસો છો તેઓનું જીવન પણ ખૂબ જ રસપ્રદ રહ્યું છે. તેમની શરૂઆતથી અત્યાર સુધીની રોલર કોસ્ટર જેવી જિંદગીની સફર વિષે જાણીને તમને ખૂબ જ પ્રેરણા મળશે.

ગુરુભાઈનું પૂરું નામ યોગેશ મંગળશી ભાઈ જેઠવા! પત્નીનું નામ પારુલ યોગેશ જેઠવા. ગુરુભાઈનું મૂળ ગામ સૌરાષ્ટ્રનું અમરેલી પાસે આવેલું નાનકડું ગામ આસદંગ.

ગુરુભાઈ એટલે કે, યોગેશ જેઠવા એક વર્ષના હતા એટલે કે ૧૯૮૨માં તેમના પરિવારે સંજોગોવસાત અમદાવાદમાં શિફ્ટ થવું પડ્યું. ત્યારબાદ ૧૯૮૪માં થોડાક સમયમાં તેમનો પરિવાર સુરતમાં શિફ્ટ થયો. તેમના પપ્પા સુરતના ઘનશ્યામ નગર વિસ્તારમાં દરજી કામ કરતાં હતા.

ગુરુભાઈનું બાળપણ એટલે કે, ૧થી ૯ ધોરણ તેઓ વરાછા વિસ્તારમાં આવેલી જન્મભૂમિ સ્કૂલમાં ભણયા. અભ્યાસમાં ખૂબ નબળા પણ નહિ અને હોંશિયાર પણ નહિ એકદમ સામાન્ય હતા. નવમા ધોરણ બાદ તેમને એક બીમારી આવી જેના કારણે તેઓએ એક વર્ષ ડ્રોપ કરવું પડ્યું. ત્યારબાદ મીની બજાર વિસ્તારમાં આવેલી પ્રિય દર્શની સ્કૂલમાં ૧૯૯૮માં તેમને ૧૦મુ ધોરણ પાસ કર્યું અને સામાજીક વિજ્ઞાન વિષયમાં ટોપ કર્યું ત્યારબાદ સાયન્સ લેવાનો વિચાર કર્યો પણ ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તેમને પરિસ્થિતિને વશ થઈને ભણતર અધૂરું છોડવું પડ્યું. ભણતર છોડીને પપ્પાની પરિસ્થિતિ સમજીને જે ઉંમરમાં છોકરાઓ પોતાની લાઈફ એન્જોય કરતા હોય તેવા સમયમાં ગુરુભાઈએ પોતાના પપ્પાના ધંધામાં એટલે દરજી કામમાં મદદ કરવાનું ચાલુ કર્યું. પોતાની ઇરછા અને પપ્પાની કપરી પરિસ્થિતિને કારણે માત્ર એક મહિનાની અંદર તેઓ શર્ટ બનાવતા શીખી ગયા. તમામ લોકોની જેમ તેઓની જિંદગી પણ સામાન્ય ચાલવા લાગી. પણ મનમાં હંમેશા કઈક અલગ કરવાની, કઈક નવું કરવાની ઈરછા રહેતી. જેને કારણે વર્ષ ૨૦૦૧માં પોતાની હોમ ડિલિવરી સર્વિસનો ધંધો ચાલુ કર્યો અને ગુરુભાઈની મહેનત અને કામ કરવાની ઇરછા શક્તિથી આ ધંધો પણ જોરદાર ચાલવા લાગ્યો. પણ થોડાક સમય બાદ ધંધામાં પૈસાની અછત પડતાં તેઓ જોઈતા પૈસા ધંધા માટે ભેગા ન કરી શક્યા જેના કારણે તેમનો તે ધંધો પણ બંધ થયો. પણ ગુરુભાઈએ હાર ન માની તેઓ પાછા ત્યારબાદ દરજી કામમાં જોડાઈ ગયા. જ્યારે ઘણા બધા લોકો જીવનમાં એક સમસ્યાથી જીવનને ખરાબ કહેવા લાગ્યા હોય છે ત્યારે ગુરુભાઈના મનમાં હજુ પણ જોશ હતો. તેઓ હંમેશા કહે છે કે, “ઉતાર ચઢાવ એ જિંદગીના પાસાઓ છે અને જે વ્યક્તિ તે બંનેને પચાવી શકે છે, તે વ્યક્તિ જીવનમાં કોઈ દિવસ પાછો પડતો નથી.”

વર્ષ ૨૦૦૫માં ગુરુભાઈના લગ્ન પારુલભાભી (Parul Jethva) સાથે થયા અને મજાની વાત તો એ હતી કે, પારુલ ભાભી અને ગુરુભાઈ ૧૫ દિવસ પહેલા એક બીજાને ઓળખતા પણ નહોતા અને મળ્યા પણ નહોતાં.

હવે તેમનું લગ્નજીવન ચાલુ થઈ ચૂક્યું હતું અને સામાન્ય માણસોનું લગ્નજીવન ચાલુ થાય એટલે તેઓ એવું કહેતા હોય કે, હવે તો અને સંસારી થઈ ગયા અને હવે ભગવાને જે આપ્યું તેમાં આપણે ખુશ. પણ ગુરુભાઈ આ વિચારધારાથી થોડુંક આઉટ ઑફ ધ બોક્સ થીંકિંગ કરતા. તેઓએ ૨૦૦૮ સુધી દરજીકામ કર્યું અને ત્યારબાદ થોડી ઘણી બચત કરેલી તેમાંથી તે સમયે સરથાણા જકાતનાકા પાસે વ્રજ ચોક પાસે ૨ બી.એચ.કેનો ફ્લેટ લીધો. ત્યારબાદ ગુરુભાઈએ શેર બજારનું કામ ચાલુ કર્યું. જેની અંદર શરૂઆતમાં નાના પ્રોફિટ થયા પણ ત્યારબાદ શેર બજારમાં ખૂબ જ મોટી નુકસાની ગઈ. જેની અંદર તેઓના પપ્પાની જિંદગી ભરની કમાણી હોમાઈ ગઈ અને તેઓએ જે પોતે સપનાનું ઘર લીધેલું તે પણ ભારે હૈયે દેવું ચુકવવા માટે વેચી નાખવું પડ્યું.

આવા કપરા સમયમાં કદાચ કોઈ પણ વ્યક્તિ આપઘાત કરી જાય. ગુરુભાઈ કે જેઓ હંમેશા હકારાત્મક રહેતા તેઓને પણ આવા વિચાર તો આવ્યા પણ તેમના પરિવાર, પત્ની અને સાસુ અને સસરાનો ભારે સપોર્ટ હોવાના કારણે તેઓએ આ વિચાર માંડી વાળ્યો અને તેઓ હંમેશા કહે છે કે, કદાચ આ કપરા સમયમાં તેઓના સાસુને સસરાનો સપોર્ટ ન હોત તો તેઓએ ઊંધું પગલું ભરી લીધું હોત. ત્યારબાદ તેઓએ જિંદગીની સમસ્યા સાથે લડત ચાલુ રાખી અને અડાજણ વિસ્તારમાં ભાડાથી ફ્લેટ લીધો.

છેવટે ૨૦૦૯માં તેઓએ ઇન્શ્યોરન્સ પોલીસીની પરીક્ષા આપી અને તેમાં પાસ થયા.

માત્ર ત્રણ વર્ષની અંદર તેઓએ તે કંપનીમાં એક સાદા ઇન્શ્યોરન્સ એજન્ટથી મેનેજર સુધીની સફર કરી. છતાં પોતે કઈક અલગ કરવું છે તે વિચાર તેમના મગજમાં અકબંધ હતો અને પોતાની મેનેજરની પોસ્ટ છોડીને તેઓ પોતાના ભૂપત મામાની સિલાઈ મશીન વહેંચવાની અને રીપેરીંગની દુકાન ૨૦૦ રૂપિયા પગારે મેનેજરની પોસ્ટ મૂકીને આવ્યાં.

ત્રણ મહિનાની અંદર તેઓએ ભૂપત મામાના સાથ અને સહકારથી તેમની સાથે ઉધના વિસ્તારમાં નવી મશીન રીપેરીંગ અને વેચાણની દુકાન ચાલુ કરી. થોડાક સમયમાં કિસ્મતની ગાડી ચાલી અને દુકાન ધમધોકાર ચાલવા લાગી. ધીમે ધીમે તેઓએ પોતાનું વેચાણ માત્ર સુરત માં જ નહિ, ગુજરાતમાં જ નહિ પણ પોતાના મગજથી તેઓએ આ ધંધો છેક ચાઇના સુધી પહોંચાડ્યો.

તેઓ પોતાના સિલાઈ મશીન ચાઇનામાં સેલ કરતા અને ત્યાંની મોટી કંપનીઓ તરફથી પણ તેમને ડીલ મળવા લાગી અને ફરી તેમની લાઇફે યું-ટર્ન લીધો અને જિંદગીની ગાડી પાછી ધીમે ધીમે પાટા ઉપર આવવા લાગી. ત્યારબાદ ગુરુભાઈ પોતાની મહેનતના દમ પર ફરી એકવાર વેસુના અલથાણમાં તેઓએ પોતે નવો ફ્લેટ લીધો. પણ અહીંયા તેમની સફર રોકાતી નથી. પારુલ ભાભીને તે સમયે TikTok જોવાનો ઘણો શોખ હતો.

૨૦૧૯માં કરોડો લોકો ટિક ટોક સાથે જોડાયેલ હતા. જ્યારે એક વાર પારુલ ભાભીનો ફોન બગડી ગયો ત્યારે તેમને ગુરુભાઈનો ફોન લઈને ટિક ટોક એપ ડાઉનલોડ કરી અને તેઓએ વિડિયો આપણે પણ બનાવવા જોઈએ. તેવું વિચારીને વિડિયો બનાવ્યા. પહેલા વિડિયોમાં બે થી ત્રણ લાઈક આવી પછી સાતથી આઠ લાઈક આવી અને ધીમે ધીમે આ આંકડાઓ વધતા ગયા. અને ત્યારબાદ કામની વ્યસ્તતાને કારણે તેઓએ વિડિયો બનાવવાના બંધ કરી દીધા. પણ એકાદ મહિના બાદ તેઓના મિત્રના ફેસબૂક ગ્રુપમાં તેમના કોમેડી વિડિયો ફરવા લાગ્યા અને ત્યારબાદ ગુરુભાઈને થયું કે, આ કામ કરવા જેવું છે અને છેવટે તેઓએ યુ ટ્યુબ ઉપર વિડિયો મૂકવાના ચાલુ કર્યા અને તેઓ ફૂલ ટાઈમ ક્રીએટર બન્યા અને તેમનો મશીનનો ધંધો ભાઈ ચલાવવા લાગ્યા.

ત્યારબાદ તેઓના આ કોમેડી વિડીયોને લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો અને તેઓ સોશિયલ મીડિયામાં હાલ પણ ઈન્સ્ટાગ્રામ, ફેસબૂક, મોજ, જોશ, યૂ ટ્યુબ જેવી એપમાં વિડિયો ચાલુ કર્યા અને તેમના લાઈક અને ફોલોવરના આંકડાઓ ધીમે ધીમે વધતા ગયા પણ આ માત્ર આંકડાઓ નહોતા આ તો ગુરુભાઈની લોકોને હસાવવાની કળાને મળતો લોકોનો પ્રેમ પણ હતો અને હજુ પણ લોકોને એ પ્રેમ વધતો જાય છે.

હાલ ગુરુભાઈનું પોતાનું પણ એક ParuNguru નામનું ફાઉન્ડેશન ચાલે છે જેમાં તેઓ વિધવા સ્ત્રીઓ અને જે લોકો સમાજના એવા લોકો છે જેમની પરિસ્થિતિ ખરાબ છે તેઓને ગુરુભાઈનું ફાઉન્ડેશન આર્થિક અને સામાજિક અને વ્યક્તિગત રીતે ખૂબ જ મદદ કરે છે.

તેઓ હાલ એક સોફ્ટવેર ઉપર પણ કામ કરે છે જેમાં દરેક બાળક ખૂબ જ ઓછા રૂપિયામાં અથવા એકદમ ફ્રીમાં શિક્ષણ મેળવી શકશે. હાલ ગુરુભાઈનો એક જ ઉદ્દેશ છે કે, લોકો સુધી વધુમાં વધુ પોતાના કોમેડી વિડીયો પહોંચાડે, પોતાના ફાઉન્ડેશનથી બને તેટલી લોકોની મદદ કરે અને લોકોને પોતાના વીડિયોથી ખુશીઓ વહેંચે. આવતા થોડાક સમયમાં તેઓનો હેતુ છે કે, તેઓના કોમેડી વિડીયોથી લોકોની વ્યસ્તતા ભરી જિંદગીથી લોકોને સ્ટ્રેસ ફ્રી કરે.

મિત્રો ગુરુભાઈની જે સફર હતી તે ખૂબ જ રસપ્રદ હતી.

આ સફરના મુખ્ય વ્યક્તિ તરીકે આપણે ગુરુભાઈનું વ્યક્તિત્વ જોયું અને સમજ્યા પણ આ બધી બાબતો માત્ર કોઈ એક વ્યક્તિના હાથ ની વાત નથી. બધું કરવું તેમના જીવનમાં શક્ય બન્યું, સાથે તેઓએ સફળતાના આટલા મોટા શિખરો સર કર્યા તેમાં તેઓના પરિવારનો સાથ અકબંધ રહ્યો એટલે જ કોઈએ કહ્યું છે કે, “દુનિયાની સૌથી મોટી મૂડી પરિવાર છે અને પરિવાર એક તાંતણે બંધાય રહે અને સહકાર આપે તો કોઈ પણ વ્યક્તિ જીવનમાં પ્રગતિ કરી શકે છે.” આ વાક્યને સાર્થક કરનાર ગુરુભાઈ અને પારુલ ભાભી એટલે કે, આ કોમેડી કપલને તેમની આગળની સફર માટે અમારા તરફથી પણ ખૂબ ખૂબ દિલથી શુભેરછાઓ.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *