વ્યાજખોરોએ અતુલભાઈને કુલ રૂપિયા ૫,૩૬,૦૦૦/- વ્યાજે આપ્યા હતા.
વ્યાજખોરોએ ગાળો બોલી મુદ્દલ તથા વ્યાજના રકમની પઠાણી ઉઘરાણી કરી અતુલભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
મોરબી જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસની ઘટના સામે આવી છે. જ્યાં પઠાણી ઉઘરાણી કરતા ૧૦ વ્યાજખોરોના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ યુવક સારવાર હેઠળ છે અને આ મામલે તેણે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે. જેમાં મોરબી શનાળા રોડ ઉમિયા સર્કલ સનરાઈઝ એપાર્ટમેન્ટ ૧ લા માળે રહેતા ફરિયાદી અતુલભાઈ ડાયાભાઈ પટેલે જણાવ્યું હતું કે આરોપી જગાભાઈ ઉર્ફે જીગો, રમેશભાઈ બોરીચા, વરૂણભાઈ બોરીચા, રાહુલભાઈ, રવીભાઈ ડાંગર, ડીડીભાઈ રબારી, રાજેશભાઈ બોરીચા, સિધ્ધરાજસિંહ ગોહિલ, ભોલુભાઈ અને કાનો સહિતના આરોપીઓએ અતુલભાઈને કુલ રૂપિયા ૫,૩૬,૦૦૦/- વ્યાજે આપ્યા હતા. જે નાણા અતુલભાઈએ આરોપીઓને મુડી વ્યાજ સહિત ચુકવી આપ્યા હતા. આ આરોપીઓએ અતુલભાઇને ગાળો બોલી મુદ્દલ તથા વ્યાજના રકમની પઠાણી ઉઘરાણી કરી અતુલભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ ધમકીથી અતુલભાઇને લાગી આવતા તેમણે ગુડ નાઈટનું લીક્વીડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પોલીસે આઇ.પી.સી કલમ-૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા ગુજરાત નાણાધિરધાર અધિનિયમ સને-૨૦૧૧ના કાયદાની કલમ ૫,૩૩,૪૦,૪૨(એ)(બી)મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધનીય છે કે મોરબી જિલ્લામાં વસતા કેટલાક લોકો વ્યાજ વટાવનો ચક્રમાં ફસાયેલ હોય અને તેઓ ગેરકાયદેસર વ્યાજખોરો પાસેથી મજબૂરીના કારણે ઉંચા વ્યાજદરે મોટી રકમ લેતા હોય છે અને થોડો સમય ઉંચુ વ્યાજ ભરી પછી વ્યાજ આપવાની ક્ષમતા હોતી નથી, અને ભયના કારણે તેઓ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ અરજી કે રજુઆત કરવા જતા પણ ડરતા હોય છે. ત્યારે વ્યાજખોરોના ત્રાસથી લોકોને મુક્ત કરવા પોલીસે 9316847070 હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. જેમાં ગેરકાયદેસર વ્યાજવટાવનો ભોગ બનેલા લોકો સંપર્ક કરી પોલીસને માહિતી આપી શકે છે.