Safeer News

Breaking News from Ahmedabad

દેશ

યૌન ઉત્પીડનથી ત્રાસી મારા પુત્રે આત્મહત્યા કરી : માતા આરતી મલ્હોત્રા

ફરીદાબાદમાં એક વિદ્યાર્થીએ મહિના પહેલા આત્મહત્યા કરી હતી

નવીદિલ્હી,તા.૦૯

છેલ્લા મહિના પહેલાં ફરીદાબાદમાં રહેતા એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હતી. તેની માતા આરતી મલ્હોત્રા પુત્ર માટે ન્યાયની માંગણી કરી રહી છે. માતા આરતીનો આરોપ છે કે, તેમના પુત્રને સેક્સ્યુઆલિટીને સંદર્ભે સ્કૂલમાં પરેશાન કરવામાં આવતો હતો. જેના લીધે તેમના પુત્રનું દુખદ મોત થયું હતું. આરતી મલ્હોત્રાનો આરોપ છે કે, અધિકારીઓને ફરિયાદ કરવા છતાં પણ કોઇ કાર્યવાહી થઇ નહીં. તેમણે હ્યુમન્સ ઓફ બોમ્બે પર આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું કે, તેમના પુત્રને સતત ધમકાવવામાં આવ્યો અને તે યૌન ઉત્પીડનનો પણ ભોગ બન્યો હતો.

આરતીએ જણાવ્યું કે, તેમનો પુત્ર ધોરણ ૬માં હતો ત્યારથી જ તેને હેરાન કરવામાં આવતો હતો. તેમના પુત્રનું કહેવું હતું કે, ક્લાસના છોકરાઓ તેને જાતીગત અપશબ્દો ઉચ્ચારી બોલાવતા હતા. મેં સ્કૂલ મેનેજમેન્ટને ફરિયાદ કરી હતી, પરંતુ તેમણે એને નાટક ગણાવી હતી. તેમણે આગળ જણાવ્યું કે, મેં મારા પુત્રને બધું સારું થઇ જશે તેવું આશ્વાસન આપ્યું હતું. તે વોલીબોલ રમીને પોતાને ‘પુરુષ’ બતાવવાના પ્રયાસ કરતો. જાે કે, એ બધું એના માટે નહોતુ. તે આર્ટ અને મ્યૂઝિકમાં રસ ધરાવતો હતો. તેમનો પુત્ર ૯માં ધોરણમાં આવ્યો ત્યારે સ્કૂલમાં ભણવું તેના માટે વધુ મુશ્કેલ બની ગયું હતું. તેના વર્ગના છોકરાઓએ તેની આંખો પર પટ્ટી બાંધી તેને કપડા ઉતારવા કહ્યું હતું. તેમના પુત્રને ધમકાવનારા યૌન ઉત્પીડક બની ગયા હતા. આરતીએ કહ્યું કે, સ્કૂલે કાર્યવાહી કરવાની ના પાડી દીધી હતી. તે ડિપ્રેશનમાં હતો, હું ઘણા થેરપિસ્ટ પાસે ગઇ હતી. આર્ટમાંથી પણ તેનો રસ ઉડી રહ્યો હતો. હવે ૧૦માં ધોરણમાં અભ્યાસ કરવો તેના માટે મુશ્કેલ બન્યું હતું. બોર્ડની પરીક્ષા આવવાની હતી અને તે સ્કૂલ જવાથી ડરતો હતો.

માતા આરતી અનુસાર, તેમના પુત્રએ એક દિવસ કહ્યું કે તેને નેલ પેન્ટ લગાવવી છે અને જ્વેલરી પહેરવી પસંદ છે. આરતીએ તેને કહ્યું કે તુ જે છે એવો જ રહે. જ્યારે સ્કૂલ પરીક્ષા માટે ખુલી તો તેણે મને ફોન કરી કહ્યું કે, હું પરીક્ષા આપવા માગતો નથી. તે રડી રહ્યો હતો. મેં તેને મેસેજ કરીને જણાવ્યું કે, કોઇ વાત નહીં. પરીક્ષા છોડી દે, પરંતુ તેણે જવાબ આપ્યો નહીં. આરતીએ કહ્યું કે, તેના એક કલાક બાદ તેમની સોસાયટીમાંથી એક ફોન આવ્યો. તેમણે મારા પુત્રએ કંઇક કરી લીધું હોવાની જાણ કરી. હું ત્યાં પહોંચી ત્યાં સુધી તેનો જીવ જતો રહ્યો હતો. તેણે ૧૫માં માળથી છલાંગ લગાવી હતી. તેણે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, હું સૌથી સારી માતા છું. તેણે મને નવી નોકરી શોધી લેવા પણ કહ્યું હતું.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *