કર્મચારીઓ દ્વારા ખાતેદારો સાથે ઉદ્ધતાઈ કરવા માટે પંકાયેલી બેંક ઓફ બરોડા શાખાને પદાર્થપાઠ ભણાવવા ખાતેદાર અને પત્રકાર ઈકરામ મલેકે રિઝર્વ બેન્કના બારણા ખખડાવ્યા
સાજીદ સૈયદ, રાજપીપળા
પ્રાપ્ત વિગતો અનુસાર રાજપીપળાના ઈકરામ મલેક બેંક ઓફ બરોડા શાખામાં છેલ્લા 25 વર્ષથી જોઈન્ટ એકાઉન્ટ ધરાવે છે, કોઈક કારણોસર તેઓએ સદર એકાઉન્ટમાંથી તેઓની માતાનું નામ યથાવત રાખી પોતાનું નામ કમી કરવા માટે બેંક ઓફ બરોડામા વિધિવત એપ્લિકેશન આપવા જતા બેંક તરફથી સ્ટાફ ઓછો હોવાનું કારણ આપી અરજી સ્વીકારવાનો ઇન્કાર કરી 6 દિવસ બાદ આવવા કહ્યું હતું. ત્યારબાદ તેઓની અરજી સ્વીકારી બાદમાં ઊંધું મારી તેમની માતાનું નામ કમી કરી દેવાયું છે.
નિયમ પ્રમાણે ખાતામા જેનું પ્રથમ નામ હોય તે ક્યારેય રિમુવ કરી શકાય નહી, તેથી આ મામલે તેઓએ બેંકના મેનેજરને જાણ કરતા પ્રથમ તો તેઓએ આવું થાય જ નહીં તેમ કહી પોતાની ભૂલ સ્વીકારવાનું ઇન્કાર કરી દીધું હતું, બાદમા ટેક્નિકલ ભૂલ થઈ હોવાનું કબુલ્યું હતું. હવે તમે તમારી માતાનું નવું ખાતું ખોલાવી લો એમ બેંક મેનેજર તરફથી કહેતા ખાતેદાર ઈકરામ મલેક તેમ કરવા પણ રાજી થયા તેમ છતાં નવું ખાતું ખુલી રહ્યું ન હતું અને વારંવાર બેંકમા ધક્કા ખાવા પડતા હોઈ ત્રાસીને તેમણે આ મુદ્દે મેનેજરને ઉગ્ર રજુઆત કરતા કહ્યું કે, એક નજીવા કામ માટે એક મહિનાથી ધક્કા ખાઈ રહ્યા છે, તેમ છતાં તેમનું કામ કેમ નથી થઈ રહ્યું..? ત્યારે એ સમયે બેંકના અન્ય કર્મચારીઓ ભેગા થઈ ગયા હતા "રવિ યાદવ" અને "પાંડે" નામના બે કર્મચારીઓએ દાદાગીરી સાથે ઈકરામ મલેક સાથે ઉદ્ધતાઈ કરતા કહ્યું કે, એક મહિનો તો શું..? 6 મહિના પણ થાય આને બહાર કાઢો એમ કહી ખાતેદાર સાથે તોછડાઈ ભર્યું વર્તન કરતા ઈકરામ મલેકે આ મામલે રિઝર્વ બેંક ઓફ ઈંડિયાને ઓનલાઇન ફરિયાદ કરી જવાબદાર કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી છે.