Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

રાજપીપલા ખાતે પોલીસના લોખંડી બદોબસ્તમાં શૌર્ય જાગરણ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

નર્મદા પોલીસ દ્વારા ગત રાત્રિથી રાજપીપળામાં યાત્રાના રૂટ ઉપર પેટ્રોલિંગ અને ડ્રોન સર્વેલન્સ હાથ ધરાયું હતું

૩૦૦થી વધુ પોલીસ જવાનો તૈનાત, બે ડ્રોન કેમેરા અને બોડી વોર્ન કેમેરા દ્વારા બાજ નજર

સાજીદ સૈયદ, નર્મદા

નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં બજરંગળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૯મી સપ્ટેમ્બરે સાગબારાના સેલંબા ખાતે યાત્રામાં બનેલી કથિત પથ્થરમારાની ઘટના બની હતી અને કેટલાક તોફાની તત્વોએ દુકાનોમાં લૂંટ ચલાવી આગ પણ લગાવી હતી. ત્યારે નર્મદા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત રેન્જ આઇ.જી. ઘટના સ્થળે દોડી ગયા હતા અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. ત્રણ અલગ અલગ ફરિયાદ નોંધી આશરે ૪૦થી વધુ લોકોની અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી.

તા.01/10/2023ના રોજ રાજપીપળા ખાતે શૌર્ય યાત્રા નીકળવાની હોય, જેમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે નર્મદા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સવારે હરસિધ્ધિ માતાજીના મંદિરેથી યાત્રાનું પ્રસ્થાન થયું અને કાળીયાભૂત થઈ શહેરના સ્ટેશન રોડથી યાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થઈ હતી. યાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો, બજરંગદળના કાર્યકરો સહિત જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ ભાઈ પટેલ, નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ સહિત લોકો જોડાયા હતા.

જિલ્લા પોલીસ વડા દ્વારા જણાવાયું હતું કે, રાજપીપળામાં શાંતિપૂર્ણ માહોલમાં યાત્રાનું સમાપન થયું છે. પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉપરાંત ડ્રોન અને બોડી વોર્ન કેમેરાથી પોલીસ ચાંપતી નજર રાખી રહી છે સમગ્ર મામલે તમામ સમુદાયના લોકો સાથે પોલીસે બેઠક કરી રાજપીપળામાં શાંતિ જળવાય તેવી અપીલ કરી હતી અને તમામ સમાજ દ્વારા સારો સહયોગ આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *