Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

મિત્રપ્રેમ અને કોમી એકતાની અદભુત મિસાલ બની જનારા ક્રાંતિકારી “અશફાકઊલ્લા ખાન”


 
*કાકોરી ટ્રેન લૂંટના મહત્વના સાથી ક્રાંતિકારી અશફાકઉલ્લા ખાને ઇતિહાસ સર્જેલો…
 
*૨૨ ઓકટોબરે ૧૨૧મો જન્મદિવસ
 
અમદાવાદ, 

સ્વાતંત્ર્ય સૈનિકો એક સતત ચમકતા રહેતાં સિતારા જેવાં હોય છે. દેશના સ્વાતંત્ર્ય માટે ક્રાંતિ કરી બલિદાન આપી જનારા વીરો આવનારી પેઢી માટે અણમોલ ઇતિહાસનું સર્જન કરી જતા હોય છે, જેમાંથી સદીઓ સુધી પેઢીઓ પ્રેરણા લેતી રહે છે. આવા જ ભારત માતાના એક સપૂત હતા અશફાકઉલ્લા ખાન. અંગ્રેજોની રાજ્ય સત્તાના કટ્ટર વિરોધી અને તેમને જડમૂળમાંથી ઉખેડી નાખવા હંમેશા પ્રયત્નશીલ એવા આ ક્રાંતિકારી યુવા માત્ર યુવાનો માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે હિન્દુ મુસ્લિમ એકતા અને મૈત્રીનું અદભુત પ્રતિક બની ગયા. અશફાકઉલ્લા ખાનનો જન્મ ૨૨ ઓક્ટોબર ૧૯૦૦ના રોજ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં થયો હતો.
 
અશફાકઉલ્લા ખાન એક સમૃદ્ધ જમીનદાર કુટુંબના ફરજંદ હતા. શાળાના અભ્યાસ કાળથી જ તેઓ બ્રિટિશ સરકારની વિરુદ્ધ નાની-મોટી પ્રવૃત્તિઓ કરતા થઈ ગયા હતા. તેઓ એક યા બીજા પ્રકારે બ્રિટિશ શાસનની ધૂરામાંથી દેશને કઈ રીતે આઝાદ કરવો તેના પર મથામણ કરતા રહેતા અને ખૂબ જ ઝડપથી તેમણે બ્રિટિશરો વિરુદ્ધ લડત આપી રહેલા રાષ્ટ્રવાદી ક્રાંતિકારીઓમાં પોતાનું સ્થાન બનાવી લીધું.
 
અશફાકઉલ્લા ખાનનો ઉછેર એવા સમયમાં થયો જ્યારે દેશમાં મહાત્મા ગાંધી દ્વારા બ્રિટિશરો સામે અસહકારની ચળવળ ચાલી રહી હતી. ફેબ્રુઆરી ૧૯૨૨માં ગોરખપુરમાં ચૌરીચોરા કાંડ થયો જેમાં અસહકાર આંદોલનકારીઓએ પોલીસ મથકને ઘેરીને સળગાવી દીધું. આ ઘટનામાં ૨૨ પોલીસ અધિકારીઓના મૃત્યુ થયા. અહિંસક આંદોલનમાં વિશ્વાસ ધરાવતા ગાંધીજીએ વ્યથિત થઈને આંદોલન મોકુફ રાખ્યું. અશફાકને તેમનો આ નિર્ણય પસંદ ન પડ્યો અને તેના પરિણામ સ્વરૂપે તેઓ સશસ્ત્ર ક્રાંતિના હિમાયતી રામપ્રસાદ બિસ્મિલ તરફ આકર્ષાયા.
 
રામપ્રસાદ બિસ્મિલની ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં અશફાક ભાગ લેતા થયા. તેમની નિષ્ઠા અને દીર્ઘદ્રષ્ટિએ તેમને બિસ્મીલની ટુકડીના એક મહત્વપૂર્ણ સાથી બનાવી દીધા. તેમણે કરેલી અનેક ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સૌથી મહત્વની ઘટના હતી કાકોરી ટ્રેન લૂંટ. જ્યારે બ્રિટિશ સરકારનો ખજાનો લઇને જતી ટ્રેનને લૂંટવાની રામપ્રસાદ બિસ્મીલે યોજના બનાવી ત્યારે પ્રારંભે અશફાક આ ઘટનાને અંજામ આપવાની વિરુદ્ધ હતા. કારણ કે તેમને લાગતું હતું કે આ એક અસાધારણ લુંટ હશે. કોઈ સામાન્ય ડાકુ ટોળકીનું આ કામ ન હોઈ શકે એમ વિચારીને બ્રિટિશ સરકારની શંકાની સોઇ તેમની ક્રાંતિકારી પ્રવૃત્તિ તરફ ચોક્કસ વળશે, પરંતુ ક્રાંતિપ્રવૃત્તિના શિસ્તબદ્ધ સિપાહી તરીકે એમણે આ યોજનાને ટેકો આપ્યો એટલું જ નહીં પણ તેને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા પણ ભજવી.
 
૯ ઓગસ્ટ ૧૯૨૫ના રોજ, સરકારી ખજાનો લઇને જતી ટ્રેનને કાકોરી પાસે લૂંટવામાં આવી. આ ઘટનાથી બ્રિટિશ સરકાર હતપ્રભ થઈ ગઈ. સઘન તપાસનો દૌર ચાલુ થયો. ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓ, ટુકડીઓના સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા, અટકાયતો થઈ. અશફાક સહિતના મોટાભાગના ક્રાંતિકારીઓ ભૂગર્ભમાં જતા રહ્યા. જોકે ઘટનાના એક વર્ષ પછી એક ગદ્દાર સાથીએ આપેલી બાતમીના કારણે તેઓ દિલ્હીમાં પોલીસના હાથે ઝડપાઈ ગયા.
 
અહીં એક મહત્વની ઘટના બની. ટ્રેન લૂંટ કાંડમાં રામપ્રસાદ બિસ્મીલને બચાવવા અશફાકે સમગ્ર ઘટનાની જવાબદારી પોતાના ઉપર લેવાનું નક્કી કર્યું. તેમણે પોતાના વકીલની સલાહને અવગણી અને પ્રિવી કાઉન્સિલને પત્ર લખી સમગ્ર ઘટનાક્રમ માટે પોતે જવાબદાર હોવાનું જણાવ્યું. જોકે બ્રિટિશ સરકારની પોલીસ અશફાકનો ઉપયોગ પોતાની યોજના માટે કરવા માગતી હતી. બ્રિટીશ સરકાર માટે પ્રથમ વિશ્વયુદ્ધમાં કામ કરી ચૂકેલા પૂર્વ સૈન્ય અધિકારી એવા પોલીસ અધિકારી તસદરૂક ખાનને અશફાકનું મો ખોલાવવાની જવાબદારી સોંપાઈ, જેથી તેઓ પોતાના સાથીઓના નામો આપે અને ખાસ કરીને બિસ્મીલ વિરુદ્ધ પુરાવા આપે. પરંતુ અશફાકે મિત્રદ્રોહ કરવાનો ઇનકાર કરી દીધો. પરિણામ સ્વરૂપે કોર્ટમાં કેસ ચાલ્યો અને તેમને ફાંસીની સજા થઈ. ફૈઝાબાદની જેલમાં ૧૯ ડિસેમ્બર ૧૯૨૭ના રોજ માત્ર ૨૭ વર્ષની વયે તેમણે રામપ્રસાદ બિસ્મીલ, રાજેન્દ્ર લાહિરી અને રોશનસિંઘની સાથે હસતા મુખે  ફાંસીના ગાળીયાને ચૂમી લીધો.
 
અશફાક  માત્ર એક ક્રાંતિકારી જ નહીં પરંતુ સંવેદનશીલ હૃદયના ઉત્તમ કવિ પણ હતા. તેમણે ઉર્દુ અને હિન્દીમાં ઘણી કવિતાઓ લખી હતી. “વારસી” અને “હઝરત”ના ઉપનામથી તેમણે અનેક સુંદર રચનાઓ કરી. તેઓ એક આદર્શ યુવા ક્રાંતિકારી હતા. માતૃભૂમિ કાજે મરી ફિટનારા યુવાનો અને ભાવિ પેઢીના યુવાનો માટે તેઓ એક પ્રેરણામૂર્તિ બની ગયા. ક્રાંતિધ્યેયની પ્રાપ્તિ અને મિત્રપ્રેમ ખાતર જાન કુર્બાન કરીને તેમણે કોમી એકતાની અનોખી મિસાલ પણ સ્થાપી દીધી.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *