Safeer News

Breaking News from Ahmedabad

દેશ

પ્રેમીને પામવા બંગાળી બાબાની મદદ લેવાનું યુવતીને ભારે પડ્યું

નવી મુંબઈની યુવતી પાસેથી બોગસ બંગાળી બાબાએ ૪,૫૭,૦૦૦ રૂપિયા ખંખેર્યા : પોલીસે મીરા રોડમાંથી ‘બાબા કબીર ખાન બંગાળી’ની ધરપકડ કરી

નવી મુંબઈના ખારઘરમાં રહેતી ૨૬ વર્ષની એક યુવતીના પ્રેમીએ લગ્ન કરવાની ના પાડી દેતાં તે ડિપ્રેશનમાં હતી ત્યારે તેણે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે ‘પ્રેમસંબંધમાં અડચણ હોય તો તેનો ઉપાય કરવા માટેની એક બંગાળી બાબાની જાહેરાત ચીપકેલી જોઈ હતી. મુશ્કેલીમાંથી બહાર આવવા આ કહેવાતા બંગાળી બાબાનો સંપર્ક કરીને યુવતીએ તેને વિવિધ ક્રિયા અને પ્રાણીઓની બલિ ચઢાવવા માટે ૪,૫૭,૦૦૦ રૂપિયા આપ્યા બાદ પણ ઉકેલ ન આવતા પોતાની સાથે ચીટિંગ કરાઈ હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. નવી મુંબઈ પોલીસે કબીર ખાન નામના કહેવાતા બંગાળી બાબાની મીરા રોડમાંથી રવિવારે ધરપકડ કરી હતી. નવી મુંબઈના ખારઘરમાં રહેતી ૨૬ વર્ષની યુવતી એક હૉસ્પિટલમાં સપોર્ટિંગ સ્ટાફ તરીકે કામ કરે છે. યુવતી હતાશામાં હતી એટલે તેણે પોસ્ટરમાં લખેલા નંબર પર ફોન કરતાં સામેથી ‘બાબા કબીર ખાન બંગાલી’ બોલી રહ્યો હોવાનું કહ્યું હતું. મેરઠની એક દરગાહમાંથી બોલે છે અને તારા પ્રેમીને લગ્ન કરવા માટે રાજી કરવા માટે કાળો જાદુ કરવો પડશે અને એ માટે ઘુવડ અને બકરીની બલિ આપવી પડશે. આ સાંભળીને યુવતી પ્રેમી મેળવવાની આશામાં કહેવાતા બંગાળી બાબાની વાતમાં આવી ગઈ હતી અને કાળો જાદુ અને પૂજાની વિધિ માટે થોડા થોડા કરીને ૪,૫૭,૦૦૦ રૂપિયા ઑનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. જોકે આટલા રૂપિયા આપ્યા બાદ પણ પોતાનો પ્રેમી પાછો ન મળવાની સાથે પોતાની સ્થિતિમાં કોઈ ફરક ન પડતાં પોતે છેતરાઈ હોવાનો અનુભવ થતાં યુવતીએ ખારઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદી યુવતીએ આપેલા આરોપીના મોબાઇલ નંબર પરથી તપાસ કરતાં તે મીરા રોડના ગોવિંદનગરમાં હોવાની માહિતી મળ્યા બાદ ૩૩ વર્ષના બાબા કબીર ખાન બંગાલી ઉર્ફે વસીમ રઇસ ખાનની અહીંના સમર્થ અપાર્ટમેન્ટમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તે મૂળ ઉત્તર પ્રદેશના મેરઠનો હોવાનું જણાયું હતું. તેના ગૂગલ પે અકાઉન્ટની તપાસ કરતાં ફરિયાદી યુવતીએ તેને ટ્રાન્સફર કરેલા રૂપિયાની ઍન્ટ્રી મળી આવી હતી. 

ઉલ્લેખનીય છે કે એક સમયે લોકલ ટ્રેનના ડબામાં બંગાળી બાબાની જાહેરાતના પોસ્ટરો મોટા પ્રમાણમાં જોવા મળતાં પોસ્ટર ચીપકાવનારાઓ તેમ જ તેમાં જેમના કૉન્ટૅક્ટ નંબર હોય તેમની સામે કાર્યવાહી કરાઈ હતી. આમ છતાં કેટલાંક પોસ્ટર હજી જોવાં મળે છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *