(અમિત પંડ્યા)
અમદાવાદ,તા.૨૯
શહેરના પૂર્વમાં આવેલ વસ્ત્રાલ વિસ્તારના તળાવમાં ગટરનું ગંદુ પાણી છોડવામાં આવતાં અસંખ્ય માછલીઓના મોત થયા છે. વસ્ત્રાલના સ્થાનિકોનું કેહવું છે કે, રિંગ રોડ પર આવેલ તળાવ બગીચામાં છેલ્લા કેટલાક સમયથી વરસાદી પાણીના નિકાલની નવી લાઈન નાખવામાં આવેલ છે તેમાં વગર વરસાદે પણ સતત ગટરનું દુર્ગંધ મારતું પાણી છોડવામાં આવી રહ્યું છે. તંત્રને તેની વારંવાર જાણ કરવામાં આવી છતાં તંત્ર આંખ આડા કાન કરી આ તરફ ધ્યાન નથી રાખી રહ્યા.
ગટરના દુર્ગંધ મારતાં પાણીને કારણે તળાવની અસંખ્ય માછલીઓના મોત થયા છે અને બીજા જળચર પ્રાણીને પણ તેની અસર થઈ શકે તેમ છે. સાથે સાથે આસપાસના રહીશોને પણ 24 કલાક સતત દુર્ગંધ આવે છે જેથી કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે પણ તંત્ર ચેડાં કરી રહ્યું છે. અહીના લોકોની માંગ છે કે, તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવામાં આવે અને આ દુર્ગંધ મારતું ગટરનું પાણી આવતું બંધ કરે.