શહેરમાં અંદાજે પાંચ હજાર કરતાં વધુ પોલીસ અને પેરા મિલિટ્રરી ફોર્સ ગોઠવાશે
પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારમાં SRP સહિત અલગ અલગ ફોર્સ ગોઠવવામાં આવશે અને જે માટે આખું પ્લાનિંગ તૈયાર થઈ ગયું છે.
અમદાવાદ,
અમદાવાદમાં રમાનારી IND-PAK મેચને લઇને ધમકીભર્યા ઇ-મેઇલ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે. અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ગુજરાત પોલીસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ આરંભી દીધી છે. CMની સમીક્ષા બાદ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં નાનું મોટું છમકલુ ન થાય તે માટે દરેક વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને એક SRPની ટુકડી તેમજ અન્ય પેરામિલેટરી ફોર્સ પણ ગોઠવી દેવામાં આવશે.
એક અંદાજ પ્રમાણે શહેરમાં અંદાજે પાંચ હજાર કરતાં વધુ પોલીસ કર્મચારીઓ ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન ફરજ પર હાજર રહેશે. કોઇ પણ ક્રિકેટ મેચ દરમિયાન આટલી બધી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ હોય તેવો આ અત્યાર સુધીનો પ્રથમ કિસ્સો છે. સમગ્ર વિશ્વમાં ક્રિકેટ રસિકો જે મેચની આતુરતાથી રાહ જાેઇ રહ્યા છે તે ભારત-પાકિસ્તાનની મેચને લઇને ધમકીભર્યો ઇ-મેઇલ અને ઓડિયો ક્લિપ આવ્યા બાદ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા મહત્વના ઈનપુટ મળ્યા છે. ઇનપુટ મળતાની સાથે જ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવા માટે આખો પ્લાન રેડી કરી દેવામાં આવ્યો છે. જે માટે BSF, CRPF, સ્થાનિક પોલીસ, સિનિયર અને જુનિયર IPS કક્ષાના અધિકારીઓ મેચના ગ્રાઉન્ડથી લઈને શહેરના એન્ટ્રી પોઇન્ટ સુધી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેશે.
સરકાર દ્વારા સિનિયર IPS અધિકારીઓની પાસે વિગતો મેળવવામાં આવી હતી અને તેમાં નક્કી કરવામાં આવેલી માહિતી પ્રમાણે શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પણ મેચના દિવસે એટલી જ સુરક્ષા રાખવામાં આવશે. પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારમાં SRP સહિત અલગ અલગ ફોર્સ ગોઠવવામાં આવશે અને જે માટે આખું પ્લાનિંગ તૈયાર થઈ ગયું છે. કોઈપણ બાબતને સરળતાથી ન લેવા અને વધુમાં વધુ ચોકસાઈ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ અને વધારાની ફાળવવામાં આવેલી પોલીસ અને પેરામિલિટરી ફોર્સને તેમની જવાબદારી સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.