હાઈ ઓન લાઈફ ફાઉન્ડેશને સાચી વિલાજિયો રીસોર્ટ અને હોટેલ ગ્રાન્ડ બંસરી ના સહયોગથી વિજાપુરમાં ડ્રગ્સના દુરૂપયોગ સામે જાગૃતિ ફેલાવવા માટે હાઈ ઓન લાઈફ સાયક્લોથોનનું આયોજન કર્યું.
વિજાપુર,તા.23
આજે જ્યારે સમગ્ર વિશ્વ અને ભારત માદક દ્રવ્યોના દુરૂપયોગના જોખમ સામે લડી રહ્યું છે, ત્યારે “હાઈ ઓન લાઈફ ફાઉન્ડેશન”એ સાચી વિલાજિયો રીસોર્ટ અને હોટેલ દ ગ્રાન્ડ બંસરીના સહયોગથી અનોખી રીતે માદક દ્રવ્યો સામે જાગૃતિ ફેલાવવા માટે અને ભારતનો ૭૩મો પ્રજાસત્તક દિવસ ઉજ્જવવા હેતુ હાઈ ઓન લાઈફ સાયક્લોથોનનું આયોજન કર્યું હતું. આ સાયક્લોથોનમા સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોનાની ગાઇડલાઇનનું સંપૂર્ણપણે ચુસ્ત પાલન કરવામાં આવ્યુ હતું અને માર્યાદિત ફક્ત ૫૦ સાઇકલિસ્ટ વચ્ચે આ સાયક્લોથોન યોજવામાં આવી હતી અને આ રીતે ‘Say No To Drugs’ અને સ્વસ્થ જીવનશૈલી જીવવાનો સંદેશ આપ્યો હતો.
આ સાયક્લોથોનનો ઉદેશ્ય માત્ર ફિટનેસ અને સારા સ્વાસ્થ્યને જ નહીં, પણ આનંદ અને ઉત્સાહ સાથે ડ્રગ-મુક્ત જીવન જીવવાનો સકારાત્મક સંદેશ ફેલાવવાનો હતો. આ સાયક્લોથોનનું વિઝન સાઇકલિંગ દ્વારા સમાજમાં ડ્રગ સેવનના કારણે થતા જોખમ વિશે ને કેવી રીતના તેનું આપણા સ્વાસ્થ્ય સાથેના ગાઢ સંબંધ છે તેની જાગૃતિ ફેલાવવાનું હતું. અત્યાર સુધી ભારતમાં સાયકલને ગરીબ માણસનું પરિવહન, ધનવાનોનો શોખ અને વૃદ્ધો માટે તબીબી પ્રવૃત્તિ તરીકે ગણવામાં આવે છે પણ આ સાયક્લોથોન દ્વારા સાયકલિંગ વિશે જાગૃતિ ફેલાવીને આ ધારણાને બદલવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો કારણ કે સાયકલ ચલાવવી એ અનેક રોગો માટે શ્રેષ્ઠ કસરત છે અને તે લોકોને ફિટ અને સ્વસ્થ રહેવામાં પણ મદદ કરી શકે છે.
આ સાયક્લોથોન વિજાપુરની હોટલ ગ્રાન્ડ બંસરીથી શરૂ થઈને ચાંગોદના સાચી વિલાજિયો રીસોર્ટ ખાતે સમાપ્ત થઈ હતી. સાયક્લોથોનનો રૂટ ૧૫ કિલોમીટરનો હતો. આ સાયક્લોથોનમાં ૫૦ જેટલા સાયકલ સવારોએ ભાગ લીધો હતો.

વિજાપુરના ધારાસભ્ય રમણભાઈ પટેલના હસ્તે સાયક્લોથોનને લીલી ઝંડી આપવામાં આવી હતી. તેમની સાથે હોટલ ગ્રાન્ડ બંસરીના હાર્દિક પંડ્યા, સાચી વિલાજિયો રીસોર્ટના અનિલ બ્રહ્મભટ્ટ અને સાગર બ્રહ્મભટ્ટ, હાઈ ઓન લાઈફ ફાઉન્ડેશનના સાગર બ્રહ્મભટ્ટ અને કૃણાલ શાહ ઉદ્ઘાટનમાં હાજર રહ્યા હતા.

સાયક્લોથોનના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય રમણભાઈ પટેલએ કહ્યું કે ” આજના યુવાનો પાસે અનેક તકો છે પણ ડ્રગ્સ અને દારૂના રવાડે ચઢીને તેઓ પોતાની જિંદગી ખરાબ ના કરે અને ડ્રગ્સએ પરિવાર, સમાજ, કાયદો અને વ્યવસ્થા, અને દેશ બધા માટે એક મોટું દુષણ બની ગયું છે. યુવાનોએ સ્ટ્રેશ ફ્રી રહેવા માટે અને વ્યસનથી દુર રહેવા માટે પોતાની જાતને મનગમતી પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખવું જોઈએ, પરિવાર તથા મિત્રો સાથે સારો સમય વિતાવવો જોઈએ અને નિયમિત કસરત અને સારી ઊંઘ લેવી જોઈએ.” આ સાથે તેમણે કહ્યું કે “સાયક્લોથોન સામાજિક ઉદ્દેશ્યમાં યોગદાન આપવાની તક પ્રદાન કરે છે. સાયકલ ચલાવવું એ એક મહાન તણાવ દૂર કરનાર સાબિત થાય છે. તે વ્યાયામ કૌશલ્ય વિકસાવવામાં અને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે અને આમ કોઈપણ પ્રકારના વ્યસનને ના કહેવા માટે મદદ કરે છે અને સાયકલિંગ એ સક્રિય અને સ્વસ્થ જીવનશૈલીનો પ્રવેશદ્વાર છે. આ સાથે સમાજમાં ડ્રગ્સના સેવન સામે મોરચો ખોલવો અને એનાથી દૂર રહેવાનો સંદેશો આપવો એ સોના માં સુગંધ ભરી દે છે.”

એની સાથે સાથે ડ્રગ્સથી દૂર રહેવા અને એની જાળમાં ના ફસાવા હાજીર તમામ લોકોએ શપથ પણ લીધા હતા. અંતે તમામ સાઇકલિસ્ટને પ્રોત્સાહન આપવા મેડલ અને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા.