સુએજ બાદ હવે પ્રાકૃતિક જળાશયોમાં પણ જીવતા કોરોના વાયરસ મળી આવતા નિષ્ણાંતોએ ચિંતા વ્યક્ત કરી છે.

હાઈલાઈટ્સ:

  • IIT ગાંધીનગર સહિત દેશની 8 સંસ્થાએ સાથે મળીને આ અભ્યાસ કર્યો
  • 16 પૈકી 5 જેટલા સેમ્પલ પોઝિટિવ મળી આવ્યા છે.
  • અમદાવાદમાં સૌથી વધારે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે અને ગુવાહાટીમાં એક પણ પ્લાન્ટ નથી

દેશમાં કોરોનાએ અત્યાર સુધીમાં કહેર વર્તાવ્યો છે. તેમજ બહુરુપિયો કોરોના જુદા જુદા સ્વરુપ લઈને નિષ્ણાંતોને પણ ચોંકવી રહ્યો છે. બીજી તરફ દેશમાં કોરોનાની ત્રીજી લહેર કેવી ખતરનાક હશે તે અંગે નિષ્ણાંતો ભય વ્યક્ત કરી રહ્યા છે ત્યારે અમદાવાદ માટે ખરેખર ચિંતા થાય તેવા સમાચાર આવ્યા છે. અમદાવાદની સાબરમતી નદી, કાંકરિયા તળાવ અને ચંડોળા તળાવના પાણીમાં જીવતા કોરોના વાયરસ મળી આવ્યા છે. મહત્વનું છે કે અત્યાર સુધી દેશમાં અનેક જગ્યાએ સુએજ લાઈનમાં જીવતા કોરોના વાયરસ મળવાની પુષ્ટિ થઈ ચુકી છે. પરંતુ આ વખતે પહેલી વખત પ્રાકૃતિક જળ સ્ત્રોતમાં પણ કોરોના વાયરસની ઉપસ્થિતિની જાણ થઈ છે.

કોરોના પર અલગ અલગ સંશોધનો થયા છે, જેમાં પ્લાસ્ટિક પર, પિત્તળ પર, કપડા પર તેમજ અન્ય વસ્તુઓ પર કોરોના વાયરસ કેટલો સમય રહે છે તેના પર રિસર્ચ થતું હતું. તેવામાં તાજેતરમાં IIT ગાંધીનગર સહિત દેશની 8 સંસ્થાએ મળીને કરેલા સંશોધનમાં અમદાવાદની જીવાદોરી કહેવાતી સાબરમતી નદીમાંથી કોરોના વાયરસ મળી આવ્યો છે. સાબરમતીમાં વિવિધ જગ્યા પરથી લેવામાં આવેલા નમૂનાઓ પૈકી ઘણા નમૂનાઓ સંક્રમિત જણાયા છે. એટલું જ નહીં અમદાવાદીઓના ફેવરીટ ફરવાના સ્થળ પૈકી એક કાંકરિયા તળાવ અને અન્ય પ્રાકૃતિક જળ સ્ત્રોત ચંડોળા તળાવમાંથી લેવામાં આવેલા સેમ્પલમાં પણ કોરોના વાયરસ જોવા મળ્યા છે.

આ ઉપરાંત આ સંશોધનમાં અમદાવાદ ઉપરાંત આસામના ગુવાહાટીના વિસ્તારમાં પણ નદીના સેમ્પલ લીધા હતા. અહીં પણ સંશોધકોએ તપાસ કરતા ભારુ નદીમાંથી લેવામાં આવેલું સેમ્પલ કોરોના સંક્રમિત મળી આવ્યું હતું. આ સંશોધનમાં IIT ગાંધીનગર સહિત દેશની 8 સંસ્થાએ સાથે મળીને આ અભ્યાસ કર્યો હતો. એમાં નવી દિલ્હી ખાતે આવેલી જેએનયુની સ્કૂલ ઓફ એન્વાયર્નમેન્ટલ સાયન્સીઝના સંશોધકોનો પણ સમાવેશ થાય છે.

આ પહેલા સુએજના પાણીમાં કોરોના વાયરસ મળી આવ્યા બાદ પ્રાકૃતિક જળ સ્ત્રોત અંગે તપાસ કરવા ફરી અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં આ માહિતી સામે આવી છે. તમને જણાવી દઈએ કે જે બે જગ્યાએ આ સંશોધન કરવામાં આવ્યું છે તે પૈકી અમદાવાદમાં સૌથી વધારે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે અને ગુવાહાટીમાં એક પણ પ્લાન્ટ નથી માટે આ બંને શહેરોની પસંદગી કરીને સેમ્પલિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here