અમદાવાદ,તા.૨૬
શહેરમાં અત્યાર સુધીમાં અંગત અદાવતમાં અપહરણ થતા હતા. મણીનગરમાં એક એવી ઘટના સામે આવી જે કોઈ ફિલ્મી સ્ટોરીથી કમ નથી. ૨૪ વર્ષની ત્રણ બાળકોની માતા સગીર પ્રેમીને લઈને ભાગી ગઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જાે કે, ગણતરીના દિવસોમાં પ્રેમી યુગલને પકડી લેતા અનેક ખુલાસા થયા છે. પૂછપરછ દરમિયાન માલુમ પડ્યું કે બંનેની પ્રેમ કહાની કોઈ ફિલ્મની વાર્તાથી જરાય ઓછી નથી.

મણીનગર પોલીસ સ્ટેશનમાં એક સગીરનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે કેસમાં પોલીસે સોનલ પાટીલ નામની ૨૪ વર્ષીય યુવતીની ધરપકડ કરી છે. સોનલ ખોખરા વિસ્તારમાં પતિ સાથે રહે છે, અને ત્રણ સંતાનોની માતા છે. હાલ તેની અપહરણના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે. સોનલ થોડા દિવસ પહેલા તેના ઘરેથી નીકળી મણીનગર વિસ્તારમાં આવી હતી. અહીં તેણી થોડા સમય પહેલા તે જે સગીરના પ્રેમમાં પડી હતી તેને મળી હતી. બાદમાં સોનલ સગીરને લઈને ભાગી ગઈ હતી. સગીર ગુમ થતા મણીનગર પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાયો હતો. બીજી તરફ ખોખરામાં પણ આ મહિલા ગુમ થઈ હોવાની ફરિયાદ થઈ હતી. તપાસમાં પોલીસે બાતમી આધારે સંતરામપુરથી આ બંનેની ભાળ મેળવી હતી. તપાસ કરતા સામે આવ્યું કે, બંને અમદાવાદથી નીકળી એસટી બસ મારફતે સંતરામપુર પહોંચ્યા હતા. ૩૪૦ રૂપિયા લઈને નીકળેલા આ પ્રેમી પંખીડા પાસે વધુ રૂપિયા ન હોવાથી ત્યાં જઈને મોબાઈલ ફોન વેચી ૫૪૦ રૂપિયા મેળવી ગુજરાન ચલાવ્યું હતું.

બંને એક જ કિટલી પર દિવસમાં બેથી ત્રણવાર ચા પીવા આવતા હોવાની બાતમી મળતા પોલીસને બંનેની ભાળ મળી હતી. બંને ત્યાં કોઈના ઘરે કામ કરતા હતા. ૧૩ દિવસ સંતરામપુરમાં રોકાતા મહિલા અને સગીર પ્રેમી વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે નાની ઉંમરે લગ્ન કરી મહિલા પસ્તાઈ હતી. બાદમાં અન્ય સગીર સાથે પ્રેમ કરવાનું પણ ભારે પડ્યું છે. તમામ બાબતોને લઈને પોલીસે મેડિકલ પુરાવા એકત્રિત કરવાનું શરૂ કરી આ ગુનાની હવે વધુ તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here