(હર્ષદ કામદાર)
વિશ્વમાં બીજા ક્રમની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ભારતમાં પાંચ કરોડથી વધુ લોકોનું રસીકરણ થઈ ગયું છે તે સાથે અત્યારે પણ દેશભરમાં રસીકરણ માટે ઝડપ વધારી દેવામાં આવી છે… આમ છતાં કોરોનાની બીજી લહેરના કેસો રોજબરોજ વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૩,૦૦૦થી વધુ કેસ સામે આવ્યા છે જેમાં ૧૦ રાજ્યોમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. બીજી તરફ દેશમાં નવા કોરોના સ્ટ્રેનનો પ્રવેશ થઇ ગયો છે જે વધુ ઝડપે ફેલાઈ રહ્યો છે જેની સૌથી વધુ અસર મહારાષ્ટ્ર અને પંજાબમાં થવા પામી છે. નવા સ્ટ્રેન અંગે હોસ્પિટલ નર્સિંગ એસો.ના પ્રમુખનું કહેવું છે કે આ નવો કોરોના રેપીડ, આરટીઑ પીસીઆર ટેસ્ટમાં પકડાતો નથી… પરંતુ એચેલટી ટેસ્ટમાં કોરોના પોઝિટીવ જાેવા મળે છે. તે સાથે એએમએના પ્રમુખ ડોક્ટર મોના દેસાઈના જણાવ્યા અનુસાર યંગસ્ટર્સ સુપર સ્પ્રેડર બની રહ્યા છે. કોરોનાની ઘાતક લહેરમાં યંગસ્ટર્સ ઘરના સભ્યોને કોરોના ગ્રસ્ત બનાવી શકે છે… તેવી શંકા વ્યક્ત કરી હતી. આ બધી બાબતો વચ્ચે વડાપ્રધાન મોદીજીએ દેશના જે રાજ્યોમાં કોરોના કેસો વધુ હોય અને જરૂર હોય તે સ્થળો શહેરો વગેરેનો કોરોના સ્થિતિ જાેઈને લોકડાઉન નાખી શકે છે અને તે સાથે જરૂરી તમામ પ્રકારના પગલાં લઈ શકે છે. આવા રાજ્યોમાં મહારાષ્ટ્રના અનેક નાના-મોટા શહેરો તથા જરૂરી વિસ્તારોમા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તે સાથે શાળા-કોલેજાે પર પાબંધી ફરમાવી દીધી છે, તો પંજાબ રાજસ્થાનમાં પણ આવા પગલા લેવામાં આવ્યા છે. કેટલાક રાજ્યોએ રાત્રી કરફ્યુ જાહેર કરી દીધો છે તે સાથે ગુજરાત અને મધ્ય પ્રદેશે મહારાષ્ટ્રથી આવનારાઓ માટે ૭૨ કલાકની અંદર કરાવેલ નેગેટીવ આરટીઓ પીસીઆર રિપોર્ટ ફરજિયાત બનાવી દીધો છે. અને તોજ પ્રવેશ આપવામાં આવે છે. ગુજરાતમાં એશિયાના સૌથી મોટા માર્કેટયાર્ડે એક સપ્તાહ સ્વયંભૂ બંધ જાહેર કરેલ જેનું નામ ઊંઝા માર્કેટ યાર્ડ છે. જ્યારે કે મોરબીના બગથરા નામના લોકોએ સ્વયંભૂ લોકડાઉન જાહેર કરેલ છે અમદાવાદ ખાતે આઇઆઇએમમાં એકીસાથે ૨૩ કર્મચારીઓ તથા ગાંધીનગરની કોર્ટોમાં ચાર જજ્ અને ત્રણ કલાર્ક તેમજ એક સ્ટેનોગ્રાફર કોરોનાની ચપેટમાં આવી જતાં ગાંધીનગર કોર્ટ સંકુલમાં ફફડાટ વ્યાપી ગયો છે તથા ધારાસભ્યો, અધિકારીઓ, કર્મચારીઓ પણ કોરોનાની ચપેટમા આવી ગયા છે….આવા સમયે ગાંધીનગર મનપાની ચૂંટણી યોજાવા જઇ રહી છે જે કારણે ગાંધીનગરમાં મતદાન ઓછું થવાની શક્યતા વધી પડી છે….! ઉપરાંત નાગરિક સંગઠને મતદાનનો બહિષ્કાર પણ કર્યો છે. પરિણામો પછી અહીની સ્થિતિ વધુ બગડી શકે તેવી ચિંતા નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે….!
વિશ્વમાં કોરોના પ્રથમ વાર ૨૦૨૦માં ત્રાટક્યો ત્યારે પોતાની સાથે અનેક ન ધારેલી મુશીબતો સાથે ત્રાટક્યો હતો જેમા વિશ્વના અર્થતંત્રને મોટાપાયે હચમચાવી નાંખ્યું હતુ, કરોડો ધંધા- ઉદ્યોગો, ધંધા, રોજગાર ઠપ્પ કરાવી નાખ્યા હતા, કરોડો લોકોની નોકરીઓ છીનવી લીધી અને કરોડોને મોતના મુખમાં ધકેલી દીધા હતા તો અનેકોને ભૂખથી ટટળાવ્યા હતા, ભારતમાં ૨૦૨૦ના વર્ષમાં કોરોના લોકડાઉનને કારણે મોટા ભાગનું તંત્ર ઠપ્પ થઇ ગયું હતું. તાજેતરમાં લેબર મિનિસ્ટ્રીના અહેવાલ અનુસાર ૧૦,૧૧૩ કંપનીઓ બંધ થઇ હતી તો ૨૦,૦૦૦ થી ૪૦,૦૦૦ કમાતા ૩.૨૦ કરોડ મધ્યમ વર્ગના પરિવારો ગરીબી રેખાની આસપાસ આવી ગયા છે, ૧.૧૦ કરોડની નોકરીઓ ગઈ હતી. કેન્દ્ર સરકારે અબજાે રૂપિયા આમ પ્રજા માટે ખર્ચ કર્યો જેમાં અનાજ સહાય, મેડિકલ સારવાર, સહિતની વિવિધ સેવાઓનો સમાવેશ થાય છે… ત્યારબાદ કોરોના વેક્સિન પાછળ ખર્ચ કર્યો પરંતુ આખરે ખર્ચ માથે પડ્યો હોય તેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે…..! અને તેનું કારણ છે કોરોનાની બીજી લહેર. ગુજરાત સરકારે રૂપિયા ૨૦૦ કરોડનો આમ પ્રજાના હિતાર્થે ખર્ચ કર્યો પરંતુ… પાછા હતા ત્યાંના ત્યાં જેવી સ્થિતિ બની જવા પામી છે….કારણ કોરોનાની બીજી લહેર આકરા પાણીએ ફરી વળી છે. મહાનગરોમાં રાત્રી કફ્ર્યું તથા અનેક વિસ્તારો માઈક્રો કન્ટેનમેન્ટમા, સાથે શહેરી બસ સેવા ઉપર પાબંધી ઉપરાંત રાત્રી એસટી સેવા બંધ કરતાં તેની અસર અનેક નાના-મોટા ધંધા-રોજગાર, કારખાના-નાના ઉદ્યોગો પર થવા પામી છે. તો રાત્રી એસટી પર પાબંધી હોવાથી ગામડેથી કે નાના શહેરમાંથી શહેરમાં નોકરી, ધંધા, રોજગાર માટે આવનારાઓની સ્થિતિ કફોડી બની જવા પામી છે અને જાે કોરોના કેસો વધી પડે તો લોકડાઉન જાહેર કરવાની સ્થિતિ આવશે તો….?! આ પ્રશ્ને આમ પ્રજામાં ચિંતા ફરી વળે છે…..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here