ન્યુ દિલ્હી,તા.૧૫
ભારતમાં કોરોનાની સ્થિતિ દિન પ્રતિદિન કથળી રહી છે. દૈનિક કેસમાં ચિંતાજનક સ્તરે વધારો જાેવા મળી રહ્યો છે. આજે તો કોરોનાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા. દેશભરમાંથી છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨ લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં ૧૦૩૮ લોકોના મોત નિપજ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી ૨,૦૦,૭૩૯ કોરોનાના નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો ૧,૪૦,૭૪,૫૬૪ પર પહોંચી ગયો છે. જેમાંથી ૧,૨૪,૨૯,૫૬૪ લોકો રિકવર થયા છે જ્યારે ૧૪,૭૧,૮૭૭ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો ચિંતાજનક સ્તરે પહોંચી રહ્યો છે. એક જ દિવસમાં કોરોનાએ ૧૦૩૮ લોકોનો ભોગ લીધો છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો ૧,૭૩,૧૨૩ પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૧૧,૪૪,૯૩,૨૩૮ લોકોને રસી અપાઈ છે.
એક રિપોર્ટ મુજબ ભારતમાં ૧૦ દિવસ પહેલા દૈનિક કેસ એક લાખ હતા જ્યારે હવે ૨ લાખની આજુબાજુ જાેવા મળી રહ્યા છે. એટલે કે ૧૦ જ દિવસમાં સંક્રમિતોનો દૈનિક આંકડો એક લાખથી ૨ લાખ સુધી પહોંચી ગયો. આ અગાઉ અમેરિકામાં દૈનિક કેસ એક લાખથી ૨ લાખ સુધી પહોંચવામાં ૨૧ દિવસનો સમય લાગ્યો હતો. અમેરિકામાં ગત વર્ષ ૩૦ ઓક્ટોબરના રોજ એક લાખ દૈનિક કેસ સામે આવ્યા હતા. જે ૨૦ નવેમ્બરના રોજ ૨ લાખને પાર કરી ગયા હતા. અમેરિકામાં ૮ જાન્યુઆરીના રોજ એક જ દિવસમાં ૩ લાખ ૯ હજાર ૩૫ કેસ નોંધાયા હતા.
દેશમાં એક દિવસમાં સામે આવેલા કોવિડ-૧૯ સંક્રમણના નવા કેસમાંથી ૮૦.૮ ટકા કેસ આ ૧૦ રાજ્યોમાંથી આવી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, કર્ણાટક, તામિલનાડુ, મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને કેરળમાં રોજેરોજ રેકોર્ડબ્રેક કેસ આવી રહ્યા છે.
સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૮,૯૫૨ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને ૨૭૮ દર્દીઓના મૃત્યુ થયા છે. આ પહેલા મંગળવારે રાજ્યમાં ૬૦૨૧૨, સોમવારે ૫૧૭૫૧ અને રવિવારે સૌથી વધુ ૬૩,૨૯૪ લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ ૩૫,૭૮,૧૬૦ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે રાજ્યમાં ગઈ કાલ રાત્રે ૮ કલાકથી ૧૫ દિવસ માટે કફ્ર્યૂ લગાવી દેવામાં આવ્યું છે. રાજ્યમાં લૉકડાઉન જેવા પ્રતિબંધો એક મે સુધી યથાવત રહેશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે રાજ્યમાં નવા નિયમોની જાહેરાત કરી હતી.
મહારાષ્ટ્ર બાદ દિલ્હીમાં કોરોના વાયરસના કેસ દરરોજ રેકોર્ડ બનાવી રહ્યાં છે. બુધવારે દિલ્હીમાં કોરોના વાયરસથી ૧૭૨૮૨ લોકો સંક્રમિત થયા છે તો ૧૦૪ લોકોના મૃત્યુ થયા છે. દેશની રાજધાનીમાં વધતા કોરોના વાયરસના કેસે કેજરીવાલ સરકારની ચિંતા વધારી દીધી છે. કોરોના દર્દીઓને સારી અને તત્કાલ સારવાર આપવા માટે અનેક હોસ્પિટલોની સાથે બેન્કેટ હોલ તથા હોટલોને જાેડવામાં આવી છે, જેથી બેડની સંખ્યા વધારી શકાય અને કોરોના દર્દીઓને દાખલ થવામાં કોઈ મુશ્કેલી ન પડે. ઓછા લક્ષણોવાળા દર્દીઓનો બેન્કેટ હોલમાં અને ગંભીર દર્દીઓની હોસ્પિટલોમાં સારવાર થશે. ૨૩ હોસ્પિટલોનો હોટલ અને બેન્કેટ હોલ સાથે જાેડવામાં આવી છે.
ગુજરાતમાં બુધવારે રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાયા. રાજ્ય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ગુજરામાં ૭૪૧૦ નવા કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં કોરોનાથી ૭૩ દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધીમાં ૮૫,૨૯,૦૮૩ વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને ૧૨,૦૩,૪૬૫ વ્યક્તિઓને બીજા ડોઝની રસી અપાઇ ચૂકી છે. કુલ ૯૭,૩૨,૫૪૮ લોકોને અત્યાર સુધીમાં રસી અપાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here