રાજકોટ,

કોઠારિયા રોડ પરના નીલકંઠ પાર્કમાં રહેતો ચાલીસ દિવસનો માસૂમ વેદ રવિભાઇ જાનિયાણી તેની માતાના પગ નીચે દબાઇ જતાં ગૂંગળાઇ ગયો હતો, માસૂમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પૂઠા બનાવવાનું કારખાનું ધરાવતા રવિભાઇ જાનિયાણીને ત્યાં ચાલીસ દિવસ પૂર્વે જ પુત્રની પ્રાપ્તિ થઇ હતી, પુત્રના જન્મથી જાનિયાણી પરિવારમાં ખુશીનો માહોલ હતો, પરંતુ આ ખુશી થોડા દિવસ માટેની જ હતી તેનો જાનિયાણી પરિવારને સ્વપ્નેય ખ્યાલ નહોતો.

રવિભાઇનાં પત્ની કાજલબેનને બે દિવસથી શરદી થઇ હતી, પોતાની શરદીનો ચેપ પોતાના વહાલસોયા વેદને લાગુ પડે નહીં તેની માતા કાજલબેન સતત ખેવના કરતાં હતાં. કાજલબેને શરદીની દવા પીધી હતી અને પુત્રને શરદીનો ચેપ લાગે નહીં એ માટે તેને પોતાની બાજુમાં સુવડાવવાને બદલે કાજલબેને થોડે નીચે કમર પાસે સુવડાવ્યો હતો. કાજલબેન તથા તેનો પુત્ર વેદ સૂઇ ગયા હતા. રવિભાઇ જાગ્યા હતા ત્યારે પત્ની પાસે સૂતેલા પુત્રની સ્થિતિ જાેઈને તેઓ સ્તબ્ધ થઇ ગયા હતા. પુત્ર વેદ તેની માતા કાજલબેનના પગ નીચે દબાયેલો જાેવા મળ્યો હતો, રવિભાઇએ તાકીદે પત્નીને ઉઠાડી પુત્રને બહાર કાઢ્યો હતો, પરંતુ તે બેભાન થઇ ગયો હતો, તેને તાત્કાલિક હોસ્પિટલે લઇ જવાયો હતો, પરંતુ તેનું મૃત્યુ થયું હતું. એકના એક પુત્રના મોતથી માતા-પિતાએ કરેલા આક્રંદથી ગમગીની છવાઈ ગઈ હતી. પોતાને થયેલી શરદીનો ચેપ વહાલસોયાને લાગે નહીં એટલે જનેતાએ ૪૦ દિવસના પોતાના પુત્રને પડખાથી નીચે બાજુમાં સુવડાવ્યો હતો અને પોતે શરદીની દવા પીને સૂઇ ગઇ હતી. એ માતાને ક્યાં ખબર હતી કે જેને પોતાનાથી એક સેકન્ડ માટે દૂર નથી કર્યો તે પુત્ર પોતાના જ ભારથી દબાઈને હંમેશાં માટે વિદાય લઇ લેશે. આ કમનસીબ ઘટના રાજકોટના નીલકંઠ પાર્કમાં બની હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here